Gujarati News

Gujarati News

News of Wednesday, 11th December 2019

જેન્તી ભાનુશાલી હત્યા કેસમાં જેન્તી ડુમરાના જામીન નામંજૂર, છબીલ કાર છોડાવવામાં સફળ

તમામ પાંચેય મુખ્ય આરોપીઓ, બે શાર્પ શૂટરો સહિત સાત આરોપીઓ એક જ જેલમાં એકઠા, હવે અદાલતમાં કાયદાકીય જંગનો મોરચો, સરકાર વતી સ્પે. પીપી તરીકે અભય ભારદ્વાજ અને તુષાર ગોકાણી

ભુજ,તા.૧૧: જેન્તી ભાનુશાલી હત્યા કેસના ૧૧ મહિના સુધી પોલીસે દોડધામ કરીને તમામ આરોપીઓને જેલ હવાલે કરી દીધા છે. સરકાર દ્વારા રચાયેલી સીટની ટીમમાં કુનેહબાજ પોલીસ ઓફિસરો સામેલ છે, પણ હવેઙ્ગ અદાલતમાં કાયદાકીય જંગનો મોરચો મંડાયોછે.

અંજાર કોર્ટ દ્વારા જેન્તી ડુમરાની રજૂ કરાયેલી જામીન અરજી ફગાવી દેવાઈ છે. આ સંદર્ભે સરકાર વતી નિમાયેલા સ્પે. પીપી અભય ભારદ્વાજ અને સહાયક પીપી તુષાર ગોકાણી એ ધારદાર દલીલો કરી હતી. બન્ને પક્ષની દલીલો સાંભળીને ૯ માં એડિશનલ જજે જેન્તી ડુમરાની જમીન અરજી રદ્દ કરી તેને ફરી જેલ હવાલે કરવાનો હુકમ કર્યો હતો. જોકે, આ કેસમાં અન્ય આરોપી એવા પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલ પોતે અત્યારે જેલમાં છે, પણ પોલીસ દ્વારા તેમની જપ્ત કરાયેલી સેન્ટ્રો કારને મુકત કરવાની અરજી કોર્ટે સ્વીકારી હતી.

આ અગાઉ છબીલ પટેલની ક્રેટા કાર પણ મુકત કરાઈ હતી. જેન્તી ભાનુશાલીની હત્યામાં આ બન્ને કાર નો ઉપયોગ કરાયો હોઈ પોલીસે છબીલની બન્ને કાર જપ્ત કરી હતી. જોકે, કોર્ટ દ્વારા પોલીસને તપાસ દરમ્યાન જયારે જરૂર પડે ત્યારે કાર રજૂ કરવાની શરતે કારને મુકત કરાઈ હતી.

જેન્તી ભાનુશાલી હત્યા કેસમાં ઝડપાયેલા પાંચેય આરોપીઓ મનીષા ગોસ્વામી, પૂર્વ ધારાસભ્ય છબીલ પટેલ, જેન્તી ડુમરા ઉપરાંત મનીષાનો પુરુષમિત્ર સુરજીત ભાઉ અને લાંબા સમય સુધી વોન્ટેડ રહેનાર તેમ જ શાર્પ શૂટરો સાથે આરોપીઓને મેળવનાર નિખિલ થોરાટ તમામ એક જ ગળપાદર સબ જેલ (ગાંધીધામ)માં છે. તેમના ઉપરાંત બને શાર્પ શૂટરો જેમણે ચાલુ ટ્રેનમાં ગોળી ચલાવી હતી તેઓ પણ આ જ ગળપાદર સબ જેલમાં છે.

(11:50 am IST)