Gujarati News

Gujarati News

News of Wednesday, 11th December 2019

ભાણવડ પત્રકાર મંડળ આયોજીત હાફ મેરેથોન સાયકલ સ્પર્ધાને મળેલ અભૂતપૂર્વ સફળતા

ભાવનગર : પત્રકાર મંડળ દ્વારા ફીટ ઇન્ડિયા અંતર્ગત હાફ મેરેથોન સાયકલ સ્પર્ધામાં કરવામાં આવેલ આયોજનને અભૂતપુર્વ સફળતા મળી હતી. સ્પર્ધામાં સહકાર આપનાર સહયોગી સંસ્થાઓનો અને પોલીસ સ્ટાફ ૧૦૮ની ટીમ તેમજ પુરૂષાર્થ મંડળે આભાર વ્યકત કર્યો હતો. વય જૂથ મુજબ ચાર વિભાગ તેમજ યુવતીઓના વિભાગમાં પ્રથમ ૩ ક્રમાંકે આવનાર સ્પર્ધકોને ટ્રોફી તેમજ સમય મર્યાદામાં સ્પર્ધા પુર્ણ કરનાર સ્પર્ધકોને પ્રમાણપત્ર એનાયત કરાયા હતા. ભાણવડ પત્રકાર મંડળે ખુબ જ ટુંકા ગાળામાં આયોજીત કરેલ હાફ મેરેથોન સ્પર્ધામાં કુલ ૩૫૦ સ્પર્ધકોએ ભાગ લીધો હતો ૧૪ થી ૩૦ વયના મોટી સંખ્યામાં સ્પર્ધકો હતા. ૩૧ થી ૪૦, ૪૧ થી ૬૦ તેમજ ૬૦ ઉપરના વિભાગમાં પણ ખૂબ સારો પ્રતિસાદ સાંપડયો હતો. ૨૧.૧ કીમીની આ હાફ મેરેથોન સાયકલ સ્પર્ધામાં ૧૪ થી ૩૦ વિભાગમાં પ્રથમ સુવા  પ્રશાંત, દ્વિતીય કરમુર દિપક તૃતિય કરમુર ધવલ રહ્યા હતા. યુવતીમાં પ્રથમ વાઘેલા રીંકલ, દ્વિતીય ગોરફાડ રાધિકા તૃતિય મોઢવાડીયા શાંતિ હતા. જયારે બીજા વિભાગમાં ૩૧ થી ૪૦માં પ્રથમ સંજયભાઇ રાઠોડ, દ્વિતીય પીએસઆઇ હેરભા તથા તૃતિય રાઠોડ હિતેશભાઇ હતા. રાઠોડ સંજયભાઇએ એક કલાક અને પંચાવન સેકન્ડમાં સ્પર્ધા પુર્ણ કરી. આ સ્પર્ધાની સૌથી ઝડપી સ્પર્ધક રહ્યાહતા. ૪૧ થી ૬૦મા પ્રથમ ડો.ચંદ્રાવાડીયા, દ્વીતીય ડો.હિરેનભાઇ નાણાવટી તેમજ તૃતિય સ્થાને સોલંકી અનીશભાઇ રહ્યા હતા. જયારે ૬૦ ઉપરના ચૌહાણ મહેશભાઇએ ૧.૨૧ કલાકમાં આ સ્પર્ધા પુર્ણ કરી આ ઉમરે પણ પોતાની ફીટનેશનું ઉતમ ઉદાહરણ આપ્યુ હતુ. આ સાયકલ સ્પર્ધામાં ભાણવડ પત્રકાર મંડળે શહેરની અનેક સહયોગી સંસ્થાઓનો સહકાર સાંપડયો હતો. સ્પર્ધકોને પ્રોત્સાહીત કરવા પત્રકાર મંડળના આ આયોજનને બિરદાવવા માટે તા.પં. પ્રમુખ કરશનભાઇ બેડા, શીલાબેન હિરેનભાઇ નાણાવટી, દિલીપભાઇ ભગાણી, યુવા એડવોકેટ વિજયસિંહ યુ.વાળા, વકીલ ભરતભાઇ જાદવ, કેળવણી નિરીક્ષક માલદેભાઇ કરેણા, વી.એમ.ઘેલાણી, સરકારી હાઇસ્કુલના આચાર્ય કમલેશભાઇ પાથર, શિક્ષક કટેશીયા, સરકારી વિનયન કોલેજ સ્ટાફ બજરંગ ગૃપના જુવાનસિંહ જાડેજા, વિજયસિંહ જાડેજા, બિલનાથ ગૃપના બ્રિજેશભાઇ મહેતા, સંજયભાઇ કાંબરીયા, અજયભાઇ વાવણોટીયા, કરણભાઇ પટેલ, પાલીકા સદસ્ય ચેતનભાઇ રાઠોડ તેમજ જય સોમનાથ ચેરી. ટ્રસ્ટ કે જેના તરફથી ઇમરજન્સી માટે એમ્બ્યુલન્સની સુવિધા અપાઇ હતી તો સ્પર્ધામાં દરેકમાં પ્રથમ ક્રમે રહેલ સ્પર્ધકને કોમ્યુનીટી કેર યુકે તરફથી ભાગવત ગીતા અર્પણ કરાઇ હતી. સ્પર્ધકોને જુસ્સો અને જોમ વધારવા માટે ડો.હીરેનભાઇ નાણાવટી તરફથી સ્પર્ધાના આખા રૂટ પર ડીજેની વ્યવસ્થા કરાઇ હતી. પુરૂષાર્થ શૈક્ષણિક સંકુલની પુરી ટીમ ખડે પગે રહી હતી તો ભાણવડ પોલીસ સ્ટાફે પણ રૂટ પર ટ્રાફીકનું સંપુર્ણ નિયંત્રણ જાળવી સ્પર્ધા સફળ બનાવવા મદદ કરી હતી. અવસર સ્ટુડીયો તરફથી સ્પર્ધાનું લાઇવ ટેલીકાસ્ટ કવરેજ લઇ સહકાર આપ્યો હતો. જયારે દેવભૂમી દ્વારકા જિલ્લાના પત્રકાર મિત્રો કરણભાઇ જોશી, નિલેશભાઇ ગઢવી, ખુશાલભાઇ ગોકાણી સહિતના ઉપસ્થિત રહી ર્સ્પધકોને પ્રોત્સાહીત કર્યા હતા.

(11:47 am IST)