Gujarati News

Gujarati News

News of Tuesday, 11th December 2018

જિલ્લા પંચાયત બિનખેતીની ૮૦ જેટલી ફાઇલોનું હસ્તાંતરણ કરશેઃ કલેકટર 'ઓફલાઇન' નિકાલ કરશે

જુના અરજદારે નવી અરજી કરવાની જરૃર નહિઃ સરકારની 'નજર' : પડતર ફાઇલો માટે હાલની પદ્ધતિ યથાવત, નવી અરજી ઓનલાઇન કરવાની

રાજકોટ, તા., ૧૧: રાજય સરકારે ૭ ડિસેમ્બરથી તાલુકા-જિલ્લા પંચાયતોની કારોબારી પાસેથી બિનખેતીની સતા આંચકીને  કલેકટરના હવાલે કરી દીધી છે. સરકારના જાહેરનામા પુર્વેની ફાઇલોનો કલેકટર તંત્ર દ્વારા ઓફલાઇન નિકાલ કરવામાં આવશે જુના અરજદારોએ નવેસરથી અરજી કરવાની જરૃર નથી. જિલ્લા પંચાયતમાં બિન ખેતી માટે એનઓસી પુરા થઇ ગયા હોય અથવા અધુરા હોય તેવી ૮૦ જેટલી ફાઇલો પડતર છે તે તમામ કલેકટરના હવાલે કરી દેવાની તૈયારી ચાલી રહી છે.  કારોબારી પાસે હવે બિન ખેતીના નામે કોઇ કામ રહયું નથી.

સરકારના સુત્રોના જણાવ્યા મુજબ ૭ ડીસેમ્બર પહેલા જેટલી ફાઇલો પંચાયતમાં બિન ખેતી માટે રજુ થઇ ગયેલ તે તમામનો હાલની ઓફલાઇન પધ્ધતીથી નિકાલ થશે કારોબારી ફાઇલોનો નિર્ણય કરતી હતી તેના બદલે તે જ પધ્ધતીથી કલેકટરે નિકાલ કરવાનો રહેશે. નવી અરજી ઓનલાઇન કરવાનું ફરજીયાત રહેશે.

પંચાયતોમાં બિનખેતીમાં ભ્રષ્ટાચાર થતો હોવાની ફરીયાદોના પગલે સરકારે કામગીરી કલેકટરના હવાલે કરી ઓનલાઇન પધ્ધતી અમલમાં મુકી દીધી છે પડતર ફાઇલોના ઓફલાઇન નિકાલમાં કલેકટર તંત્ર દ્વારા કયાંય ભ્રષ્ટાચાર ન થાય તે માટે સરકારની આગવી નજર રહેશે તેમ સરકારી સુત્રો જણાવે છે.

(4:13 pm IST)