Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

શાયર ‘બરબાદ' જૂનાગઢીના એકમાત્ર કાવ્‍ય સંગ્રહ ‘કણસ'નું રવિવારે લોકાર્પણ

પૂ.મોરારિબાપુએ આશીર્વચન પાઠવ્‍યા * રૂપાયતન સંસ્‍થા દ્વારા પુનઃ મુદ્રિત બરબાદ જૂનાગઢીનાં કાવ્‍ય સંગ્રહનું શ્રી નિરૂપમભાઈ નાંણાવટીનાં હસ્‍તે લોકાર્પણ * શ્રી વીરૂ પુરોહિત, શ્રી છેલભાઈ વ્‍યાસ, શ્રી ગોવિંદ ગઢવી સંસ્‍મરણો વાગોળશે જયારે કવિ શ્રી અંકિત ત્રિવેદી ‘બરબાદ'ની સફરનો આસ્‍વાદ કરાવશે * રૂપાયતન સંસ્‍થાના શ્રી હેમંતભાઈ નાંણાવટી દ્વારા ગઝલ પ્રેમીઓને ઉમટી પડવા ઉર્મિસભર ઈજન

દઈ ગઈ ભલા કોની નજર ખુમાર મને,

સલામો કરતી ફરે છે હવે બહાર મને,

 ‘બરબાદ' દીન તો જાએ છે રાતો નથી જતી,

નસીબે મારા લખાઈ નથી હજી....

રાજકોટઃ મૂળ જૂનાગઢના અને વર્ષોથી સાવરકુંડલા સ્‍થિત થયેલા તેમજ કાળની ગર્તામાં ધકેલાઈ ગયેલા શાયર ‘અસદઅલી ઓસમાણ બ્‍લોચ એટલે કવિ ‘બરબાદ' જૂનાગઢ ઘરાનાના તરન્‍નુમના શાયરનું તખલ્લુસ ભલે ‘બરબાદ' હતુ પણ શાયર તરીકે એ ‘આબાદ' હતાં. જૂનાગઢનાં ગિરનારની ગોદમાં આવેલ. રૂપાયન પરિસરનાં આંગણે તા.૧૩ને રવિવારનાં રોજ સાંજે ૫:૩૦ કલાકે કાળની ગર્તામાં ધકેલાઈ ગયેલા શાયર ‘બરબાદ' જૂનાગઢીનાં એકમાત્ર કાવ્‍યસંગ્રહનાં પુનઃ મુદ્રણનું લોકાર્પણ જાણીતા કવિ અને ધારાશાષાી શ્રી નિરૂપમભાઈ નાણાવટીનાં હસ્‍તે થવા જઈ રહ્યું છે. કાર્યક્રમની ભૂમિકા શ્રી રમેશભાઈ મહેતા જયારે સંસ્‍મરણોને શ્રી વીરૂ પુરોહિત, શ્રી છેલભાઈ વ્‍યાસ, શ્રી ગોવિંદ ગઢવી વાગોળશે. જયારે કવિ શ્રી અંકિત ત્રિવેદી બરબાદની સફરનો આસ્‍વાદ કરાવશે.

આ અંગે રૂપાયતન સંસ્‍થાનાં મેનેજીંગ ટ્રસ્‍ટી શ્રી હેમંતભાઈ નાંણાવટીએ ‘અકિલા'ને જણાવ્‍યું હતું કે, ‘બરબાદ' જૂનાગઢીનો એકમાત્ર ગઝલ સંગ્રહ જે ઘણા વર્ષોથી અપ્રાપ્‍ય હતો. જેનું પુનઃ મુદ્રણ રૂપાયતન જૂનાગઢી દ્વારા કરવામાં આવ્‍યું. આમ તો બરબાદ જૂનગાઢ ભંગારની ફેરી કરતાં અને ગઝલો ખુબ સારી લખતા ગઝલોમાં તરન્‍નુમ રજુ કરતા. તેઓ જૂનગાઢની મિલન સંસ્‍થા સાથે જોડાયેલા હતા. આ સંસ્‍થામાં મુશાયરા ખુબ થતાં. બરબાદ ભલે ગરીબ હતા પણ સ્‍વભાવના અત્‍યંત અમીર હતાં. આગળ જતાં તેઓ સાવરકુંડલા સ્‍થિત થયા અને બાકીનું જીવન ત્‍યાં જ ગુજાર્યુ. તેઓ અમરેલીમાં કવિઓ સાથે સંપર્કમાં આવેલા. ઘણા વખત પછી કવિ બરબાદને યાદ કર્યા. ત્‍યારે અમરેલીનાં શ્રી છેલભાઈએ કાવ્‍ય સંગ્રહ આપ્‍યો અને તેનું પુનઃ પ્રકાશન કરવાનું નકકી કર્યું.

ફેબ્રુઆરી ૨૦૨૦માં અમદાવાદ ખાતે પ્રસિધ્‍ધ કવિશ્રીઓ રાહત ઈન્‍દોરી, ખલિલ ધનતેજવી, અનિલ જોષી, સૌમ્‍ય જોષી અને અંકિત ત્રિવેદીની ઉપસ્‍થિતિમાં લોકાર્પણ થયેલ. જેની પ્રથમ પ્રત પૂ.મોરારિબાપુને અર્પણ કરવાનો મનોરથ સેવેલો પરંતુ કોરોનાકાળમાં તે શકય ન બન્‍યું. જોકે ૨૫ મી ઓકટોબરે પૂ.મોરારિબાપુ જૂનાગઢ આવતા ‘કણસ'ની પ્રત બાપુને અર્પણ કરી મનોરથ ચતિરાર્થ થયો. પ્રત બાપુને અર્પણ કરી  આ કાવ્‍ય સંગ્રહમાં બાપુએ તેમનાં આશીર્વચન પણ પાઠવ્‍યા છે. કવિ બરબાદની સફરમાં સંઘર્ષ હતો, ગરીબાઈ હતી પણ એક સાચા ‘અમીર' ઈન્‍સાન હતાં. ત્‍યારે ભૂલાઈ ગયેલા આ અદ્‌ભુત શાયરને યાદ કરવાનો એક અવસર જૂનાગઢનાં આંગણે રવિવારે યોજાવા જઈ રહ્યો છે. જેમાં ગઝલ પ્રેમીઓને ઉમટી પડવા રૂપાયતન સંસ્‍થાનું ઉર્મિસભર ઈજન છે.

 

બરબાદે ગરીબ નવાઝની માનતા રાખી પણ....

‘કણસ'નાં કવિ બરબાદનાં આ કાવ્‍ય સંગ્રહમાં તેમનાં વિશે જીવનની મોટી કથાનો ઉલ્લેખ શ્રી હેમંતભાઈ નાંણાવટીની કલમે વાંચવા મળશે. જેમાં તેઓએ લખ્‍યું છે કે કવિ બરબાદ ભંગારની ફેરી કરતાં. એકવાર એમણે બાધા રાખેલી કે જયાં સુધી અજમેર શરીફ જઈ ખ્‍વાજા મોઈનુદિન ચિશ્‍તી ગરીબ નવાઝની તુરબતનાં દર્શન ન કરે ત્‍યાં સુધી પગમાં પગરખાં ન પહેરવા. એવામાં એક મુશાયરામાં ત્રણસો રૂપિયાનો પુરસ્‍કાર મળ્‍યો અને બાધા પુરી કરવાનું નકકી કર્યું. એવામાં એક મિત્ર મળ્‍યો અને તેણે પણ ગરીબ નવાઝનાં દર્શનની અભિલાષા વ્‍યકત કરી. બરબાદ તેને સ્‍ટેશને લઈ ગયા, ટીકીટ લીધી, ટ્રેનમાં બેઠાં, ગાડી ઉપડી તે પહેલા બરબાદ ટ્રેનમાંથી ઉતરી ગયા અને મિત્રને કહ્યું આ તો તારા માટે ખ્‍વાજાનું તેડું આવ્‍યું હતું, હું તો ફકત નિમિત માત્ર હતો.

(4:52 pm IST)