Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

તળાજા વિધાનસભા બેઠકમાં ભાજપ એ ગૌતમ ચૌહાણ ને ટિકિટ આપી ભૂતકાળનું પુનરાવર્તન કર્યું

-૨૦૧૭ ની માફક કોંગ્રેસના કનુભાઈ બારૈયા સામે મુખ્‍ય ટક્કર : અન્‍ય રાજકીય પક્ષો ના ઉમેદવારો કોના કેટલા મત તોડશે?તેના પર બંને ની હાર જીતનો ફેંસલો

 (મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા.૧૧ અનેક અટકળો,ઉત્‍કંઠા વચ્‍ચે ભાજપ એ તળાજામાં ગૌતમભાઈ ચૌહાણને ઉમેદવાર જાહેર કર્યા છે.વહેલી સવારે જ તેઓને કહી દેવામાં આવ્‍યું હતું જેને લઈ તેઓના સમર્થકોને ખબર પડતાં જ શુભેચ્‍છાઓ આપવા માટે કતાર લાગી હતી. ગૌતમભાઈ ચૌહાણને ૨૦૧૭ માં પણ ટિકિટ આપવામાં આવી હતી.આમ ભાજપ એ ભૂતકાળનું પુનરાવર્તન કરેલ છે. તળાજા વિધાનસભા બેઠકમાંથી ભાજપ ની ટિકિટ માટે ૪૯ એ દાવેદારી કરી હતી.તેમાં કોળી સમાજના જ ત્રીસ જેટલા દાવેદારો હતા.આ વખતે પણ એ.બી.મેરનું નામ છેલ્લી ઘડીએ કપાયું હોવાની વાત ભાજપનાં વર્તુળોમાં વહેતી થઈ છે.મોડી રાત સુધી એક ધાર્મિક સ્‍થળે જાણીતા કલાકાર ના માધ્‍યમથી લોબિંગ એ. બી.મેર નું ચાલતું હોવાનુ બાદ હિંમતભાઈ ડાભી નું પણ ભાજપ માંથી નામ ચાલતું હોવાની રાત્રે ચર્ચા વ્‍યાપક બની હતી.

ગૌતમભાઈ ચૌહાણ મૂળ તાલુકાના -તાપરા ગામના વતની છે.તેઓ હાલ તળાજા ખાતેજ રહે છે.તેઓના જણાવ્‍યા પ્રમાણે ધો.૧૦ બાદ ઇલેક્‍ટ્રિક વિષયમાં ડિપ્‍લોમા નો કોર્સ કરેલ હતો.તેઓ જિલ્લા પંચાયત ના બાંધકામ સમિતિ ના ચેરમેન પણ રહી ચૂકયા છે.કોંગ્રેસ એ  કનુભાઈ બારૈયાને પોતાના ઉમેદવાર જાહેર કર્યા છે.કનુભાઈ બારૈયા મૂળ તાલુકાના પીપરલા ગામના વતની છે.તેઓ નેત્ર નિદાન કેમ્‍પ અવિરત કરનાર તરીકે જાણીતા છે. ૨૦૧૭ ની ચૂંટણી મા ભાજપ ના ગૌતમભાઈ ચૌહાણ સાથે સીધી ટક્કર થઈ હતી.તેમાં તેઓ ૧૭૭૦ ની પાતળી સરસાઇ થી જીત્‍યા હતા.કનુભાઈ બારૈયા એ બી.ઇ.સિવિલ એન્‍જિનિયર સુધીનો અભ્‍યાસ કરેલ છે.

આપ પાર્ટી એ અલંગ જિલ્લા પંચાયત બેઠક પરના વિજેતા  આપ પાર્ટીના લાલુબેન ચૌહાણ ને ટિકિટ આપી છે.તેઓ પણ અહી ના બહુમત કોળી સમાજ માંથી આવે છે.તેઓના પતિ નરશીભાઈ ચૌહાણ શિક્ષક છે.ભાજપ અને આપ પાર્ટી ના બંને ઉમેદવારો ચૌહાણ છે.એ ઉપરાંત બહુમત સમાજ વાદી પાર્ટી માંથી ભેગાલી ગામના ઉપ સરપંચ પી.ડી.ડાભી આવી રહ્યા હોવાનું તથા વ્‍યવસ્‍થા પરિવર્તન પાર્ટી માંથી કિશોરભાઈ વાઘેલા અને જસ્‍પરા ગામના સાગરભાઈ ઠાકોર પણ લડશે તેમ જાણવા મળી રહ્યું છે.

બંને મુખ્‍ય હરીફ પક્ષો ની હાર જીત અન્‍ય ઉમેદવારો કેટલા મતો કોના તોડે છે એ ઉપરાંત વર્તમાન સમયે સમાજ લક્ષી ચૂંટણી જંગ મહત્‍વનો માનવામાં આવે છે ત્‍યારે કયાં સમાજ ના આગેવાનો શું નિર્ણય લઈ ને કોના તરફી મતદાન કરવા નો ગુપ્ત સંદેશ આપે છે તેના ઉપર મદાર રાખે છે.

ગૌતમભાઈ ચૌહાણ ગત ટર્મ ની હાર નો બદલો લે છેકે કનુભાઈ બારૈયા બીજી વખત જીત મળવશે? તેવા પ્રશ્‍નો પર હવે ચર્ચાનો દૌર વ્‍યપક બનશે.

(11:51 am IST)