Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

ગોંડલના દેરડી (કુંભાજી)માં સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાનું અનાવરણ

(અશોક પટેલ દ્વારા) મોવીયા તા. ૧૧ :.. ગોંડલના દેરડી કુંભાજી ગામે સ્‍વામી નારાયણ પ્રવેશદ્વાર પાસે શ્રી સરદાર જયંતિ ના દિવસે ગોપાલભાઇ પ્રાગજીભાઇ વસ્‍તરપરા દ્વારા મુકવામાં આવેલ અખંડ ભારતનાં શિલ્‍પી શ્રી સરદાર વલ્લભભાઇ પટેલની પ્રતિમાના અનાવરણનો કાર્યક્રમ સરદાર પટેલ યુવા ફાઉન્‍ડેશન દેરડી કુંભાજી દ્વારા યોજવામાં આવેલ. જેમાં ગાંધીવાદી - સરળ, સહજ વ્‍યકિતત્‍વ ધરાવતા આજીવન શિક્ષક અને ૯૦ વર્ષની ઉંમરે શિક્ષણની સેવા આપતા શ્રી નાગજીભાઇ આસોદરિયા તથા વર્ષોથી નિસ્‍વાર્થ સ્‍મશાનમાં સેવા આપતા મનુબાપા ગોળ તથા બેરા તેમજ સરદાર પટેલ યુવા ફાઉન્‍ડેશનના પ્રમુખ હિંમતભાઇ પોકિયાના વરદ હસ્‍તે વિધિ સાથે કંકુ તિલક કરી સુતરની આંટી પહેરાવી પ્રતિમા ખુલ્લી મુકવામાં આવી હતી. આ પ્રસંગે સમગ્ર ગ્રામજનોએ હાજરી આપી હતી.

સાથે સાથે લેઉવા પટેલ સમાજ દેરડી કુંભાજી ખાતે ખુશ્‍બુ આઇસ્‍ક્રીમ તથા સરદાર પટેલ યુવા ફાઉન્‍ડેશન દ્વારા મુકવામાં આવેલ શ્રી સરદાર વલ્લભભાઇ પટેલની બીજી પ્રતિમાના અનાવરણનો કાર્યક્રમ યોજાયો હતો.

જેમાં લેઉવા પટેલ સમાજના પ્રમુખ સવજીભાઇ વિસાવળીયા, સરપંચ શૈલેષભાઇ ખાતરા, તથા અન્‍ય સેવા સમાજ વાડીના  પ્રતિનિધી તેમજ સ્‍મશાન સમિતિ વતી મનુબાપા ગોળ, હિંમતભાઇ પોકિયા તથા સરદાર યુવા ફાઉન્‍ડેશનના સભ્‍યો દ્વારા ફુલહાર પહેરાવી પ્રતિમા ખુલ્લી મુકવામાં આવી હતી.

આમ એક સાથે શ્રી સરદાર પટેલની બે પ્રતિમાનું અનાવરણ થયું હતું.

(11:35 am IST)