Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

હળવદ ધ્રાંગધ્રા બેઠક પર ભાજપમાં ભંગાણ : જિલ્લા પંચાયતના સદસ્‍ય ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાયા

કોંગ્રેસ તમામ સમાજને ટિકિટ આપશે : જગદીશ ઠાકોર : સુરેન્‍દ્રનગર જિલ્લા પંચાયતના સદસ્‍ય પપ્‍પુભાઇ ઠાકોર તેમના સમર્થકો સાથે ભાજપ છોડી કોંગ્રેસમાં જોડાતા રાજકારણ ગરમાયુ

(દિપક જાની દ્વારા) હળવદ તા. ૧૧ : હળવદ ધ્રાંગધ્રા બેઠક ઉપર પરસોતમ સાબરીયાની ટીકીટ કપાતા ભારે ઉકલતા ચરુ વચ્‍ચે ટીકીટ ન મળતા ધ્રાંગધ્રા ખાતે સુરેન્‍દ્રનગર જિલ્લા પંચાયતના સદસ્‍ય પપ્‍પૂભાઈ ઠાકોરે બળવો કરીને ભાજપ છોડીને કોંગ્રેસમાં જોડાતા રાજકારણ ગરમાયુ છે. ટીકીટ ન મળવાની અસંતોષની આગ બળવા સુધી પહોંચી જતા હળવદ ધ્રાંગધ્રા બેઠક પર ભાજપમાં ભંગાણ સર્જાયું છે.

હળવદ ધ્રાંગધ્રા બેઠક ઉપર હાલના ધારાસભ્‍ય પરસોતમ સાબરીયાનું પતું કાપીને નવા ચહેરા મોરબીના ઉદ્યોગપતિ પ્રકાશ વરમોરાને ભાજપે ટીકીટ ફાળવતા આ બેઠક પર પરસોતમ સાબરીયાના સમર્થકો અને ચુવાળીયા કોળી સમાજમાં ભારે નારાજગી વચ્‍ચે વધુ એક ચુવાળીયા કોળી સમાજના પ્રબળ દાવેદાર તેમજ ગુજરાત ચુવાળીયા કોળી સમાજના પ્રમુખ , ઠાકોર સેનાના સંગઠન મંત્રી તેમજ સુરેન્‍દ્રનગર જિલ્લા પંચાયતની ધ્રાંગધ્રા બેઠકના ભાજપના સદસ્‍ય પપ્‍પૂભાઈ ઠાકોર ભાજપમાંથી ટીકીટ ન મળતા તેઓએ ખુલ્લો બળવો કર્યો છે અને આજે ભાજપ છોડીને તેઓ પોતાના સમર્થકો સાથે આજે કોંગ્રેસમાં જોડાયા છે. આથી આ બેઠક ઉપર ભાજપમાં ભંગાણ પડ્‍યું છે.

તેમણે કહ્યું કે ભાજપમાં ૨૦ વર્ષ સુધી જોડાયેલા રહયા પણ ફક્‍ત વાતો અને વચનો જ મલ્‍યા છે. કોંગ્રેસ ટીકીટ આપે કે ન આપે,ᅠ અમે કોંગ્રેસને સાથ આપીશું. જગદીશ ઠાકોરે કહ્યું કે તેઓ ચૂંવાળીયા કોળી સમાજના મોટા અગ્રણી છે, છત્રસિંહભાઈની ટીમ આખી કોંગ્રેસમાં હવે કામ કરશે, સાથે મળી ભાજપની ખોટી નિતીઓ સામે બરાબર લડત અપાશે. કોંગ્રેસ તમામ સમાજને ટિકિટમાં સ્‍થાન આપશે, ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બનવા જઇ રહી છે તેમ જગદીશ ઠાકોરએ જણાવ્‍યું હતું.

(10:22 am IST)