Gujarati News

Gujarati News

News of Friday, 11th November 2022

મારા ઉપરની લાગણી અને ભરોસાને હું ક્‍યારેય ઘટવા નહીં દઉં : કાંતિલાલ અમૃતિયા

પોતાના વતનમાં સભા યોજી ચૂંટણી પ્રચારના શ્રી ગણેશ કર્યા : કાંતિલાલ અમૃતિયાના વતન જેતપર ગામમાં જંગી જાહેરસભા મળી : સેવા, સત્તા અને મક્કમતા સાથે હું આપની દરેક અપેક્ષામાં ખરો ઉતરીશ તેની ખાતરી આપું છું : કાનાભાઇ : જેતપરની પ્રથમ સભામાં હજારોની સંખ્‍યામાં લોકો ઉમટી પડયા : કાંતિલાલે કહ્યું રાજકારણ જરૂરી પણ રાજકારણ પહેલા સેવા આવે છે, લોકોને સાથે રાખી દરેક પ્રશ્નોનું નિરાકરણ સાથે લાવશું

(પ્રવિણ વ્‍યાસ દ્વારા) મોરબી તા. ૧૧ : મોરબી બેઠક પર લોકલાડીલા નેતા કાંતિલાલ અમૃતિયાને ભાજપના સત્તાવાર ઉમેદવાર જાહેર કર્યાના દિવસે જ કાંતિલાલ અમૃતિયાએ પ્રથમ જાહેર સભા તેમના વતન જેતપર ગામે યોજીને ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કર્યા હતા. આ સભામાં હજારોની સંખ્‍યમાં જેતપર તેમજ આસપાસના ગામના લોકો સ્‍વયંભુ ઉમટી પડ્‍યા હતા.

જેતપરની જંગી વિરાટ સભામાં ઉપસ્‍થિત ગામના આગેવાનોએ કાના ભાઈ સાથે જૂના સંસ્‍મરણો વાગોળ્‍યા હતા. અને દરેક ગામના ઉપસ્‍થિત આગેવાન અને ભાજપનાં હોદેદારોએ કાંતિલાલની કામગીરીની નોંધ લઈ તેમને ટિકીટ આપવા બદલ ભાજપ મોવડી મંડળ નો આભાર માન્‍યો હતો. અને ગ્રામ્‍ય વિસ્‍તારોમાં કાનાભાઇ ને જંગી લીડ અપાવવા હાકલ કરી હતી. કાનાભાઇ એ આ સભામાં પોતાના આગવા અંદાજમાં પોતાનું વકતવ્‍ય રજૂ કર્યું હતું.

જેમાં જેતપર ગામ સાથેનું પોતાનું બાળપણ, જવાની યાદો તાજી કરી હતી. કાનાભાઈ એ પોતાના નિખાલસ વક્‍તવ્‍યમાં જણાવ્‍યું હતું કે તેમને કુદરતે બધું આપ્‍યું છે. તેઓએ ક્‍યારેય કોઈ ખોટા કામ નથી કર્યા એટલે આજે ૩૦ વર્ષે પણ જાહેર જીવનમાં અડીખમ ઊભો છો. કાનાભાઈ એ રાજકારણ કરતા સેવાને વધુ મહત્‍વ આપ્‍યું હતું. અને તેમની સેવાકીય પ્રવૃત્તિઓને યાદ કરી હતી. સાથો સાથે લોકો તરફથી તેમને જે લાગણી મળી રહી છે અને લોકોએ તેમના પર જે અપાર ભરોસો મૂક્‍યો છે તે ક્‍યારેય નહી ઘટવા દે તેની ખાતરી આપી હતી.

સેવા, સત્તા અને મક્કમતા દ્વારા તેઓએ આ વિસ્‍તારના તમામ પ્રશ્નોનો લોકોને સાથે રાખીને ઉકેલ લાવવાની ખાત્રી આપી હતી. કાનાભાઈએ ચૂંટણી અને રાજકારણમાં દુશ્‍મનાવટ ના રાખવાની સલાહ આપી ગામની એકતા પર ભાર મૂકવા જણાવ્‍યું હતું. તેમણે પોતાના અંદાજમાં કહ્યું હતું કે અમે પણ એક બીજા સામાં વાળા બોલીએ પણ પછી ભેગા નાસ્‍તો કરીએ છીએ. માટે દરેક ગામમાં એકતા અને સમરસતા પર વિશેષ ભાર આપ્‍યો હતો. અને મોરબી જિલ્લાના લોકોના અપાર પ્રેમ અને લાગણીને એમના માટે કોઈ ચમત્‍કારથી કમ ન હોવાનું જણાવી લોકોની દરેક અપેક્ષાઓ પર ખરો ઉતારવાની ખાત્રી આપી હતી.

(10:21 am IST)