Gujarati News

Gujarati News

News of Thursday, 11th November 2021

આટકોટના જીવાપર ગામે બે પરિવારો વચ્ચે છરી-ધોકા ઉડયાઃ પોલીસમાં સામસામી ફરીયાદ

માતાજી અને ભૂવા વિશે ખરાબ વાતો થતા ડખ્ખો થયોઃ ૩ને ઈજા

રાજકોટ, તા. ૧૧ :. આટકોટના જીવાપર ગામે માતાજી અને ભૂવા વિશે ખરાબ વાતો કરવા પ્રશ્ને બે પરિવારો વચ્ચે છરી અને ધોકા ઉડયા હતા અને આ અંગે પોલીસમાં સામસામી ફરીયાદ થઈ છે.

મળતી વિગતો મુજબ આટકોટના જીવાપર ગામે રહેતા વિજયભાઈ માધુભાઈ રાઠોડ દેવીપૂજકને આરોપી અલ્પેશ ભીખાભાઈ રાઠોડ તથા જનક ભીખાભાઈ રાઠોડે છરીનો ઘા મારી ઈજા કરી હતી. ઈજાગ્રસ્ત વિજયભાઈ તથા સાહેદ માતાજી તેમજ ભૂવાની વાત કરતા હોય બાજુમાં બેઠેલ આરોપી અલ્પેશના પિતાજી ભૂવા હોય જેથી ઉશ્કેરાઈ જઈ છરીથી હુમલો કર્યો હતો અને જનકે મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે ઉકત બન્ને શખ્સો સામે ફરીયાદ થઈ છે.

સામાપક્ષે અલ્પેશ ભીખાભાઈ રાઠોડે આરોપી વિજય માધુભાઈ રાઠોડ સામે પોલીસમાં ફરીયાદ કરેલ છે. ફરીયાદમાં જણાવ્યા મુજબ આરોપી વિજય તથા મુન્નાભાઈ માતાજી તેમજ ભૂવા વિશે ખરાબ વાતો કરતા હોય અને ફરીયાદીના બાપુજી ભૂૂવા હોય ખરાબ વાતો ન કરવાનું કહેતા આરોપી ઉશ્કેરાઈ જઈ છરીથી હુમલો કર્યો હતો. તેમજ સાહેદ જનકભાઈ તથા પ્રકાશભાઈ વચ્ચે પડતા સાહેદ પ્રકાશભાઈને ઈજા થઈ હતી.

આટકોટ પોલીસે બન્ને પક્ષે ફરીયાદ દાખલ કરી તપાસ હાથ ધરી છે.

(12:53 pm IST)