Gujarati News

Gujarati News

News of Thursday, 11th November 2021

સલાયા ડ્રગ્સ પ્રકરણનો આરોપી અગાઉ તપાસ એજન્સીનાં બાતમીદાર તરીકે કામ કરતોઃ એક આરોપીના ૧૪ દિ'ના રિમાન્ડની તજવીજ

દેવભૂમિ દ્વારકા જીલ્લામાં કરોડો રૂપિયાના ડ્રગ્સ પ્રકરણમાં હજુ અન્યની સંડોવણી ખુલવાની શકયતા

તસ્વીરમાં ઝડપાયેલા ત્રણેય શખ્સો, પોલીસ ટીમ તથા પોલીસ દ્વારા થતી તપાસ નજરે પડે છે. (તસ્વીર : કૌશલ સવજાણી -ખંભાળીયા) (પ-૧૩)

(કૌશલ સવજાણી દ્વારા) ખંભાળીયા તા. ૧૧ :.. દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા તરીકે આવેલા શ્રી સુનિલ જોશીએ જિલ્લા પોલીસની ટીમ દ્વારા સ્થાનિક બાતમીદારોની મદદથી ૩ર૦ કરોડનો હેરોઇન તથા એમ. ડી. ડ્રગ્સનો કેસ પકડીને ઇતિહાસ રચીને સમગ્ર ગુજરાતમાં રેકોર્ડ સર્જયો છે. તથા પોલીસ દ્વારકા જિલ્લાનું ગૌરવ સમગ્ર રાજયમાં વધાર્યુ છે.

રાજયમાં પ્રથમ વખત કોઇ જિ. પો. વડાએ આવડો મોટો ડ્રગ્સનો જથ્થો પકડીને ઇતિહાસ સર્જતા રાજયના ગૃહમંત્રીશ્રી હર્ષ સંઘવી, રાજય પોલીસ વડાશ્રી આશિષ ભાટીયા તથા રેન્જ ડી. આઇ. જી. શ્રી ટીમ પર અભિનંદન વર્ષા થઇ હતી. રાજય ગૃહમંત્રી હર્ષ સંઘવીએ એસ. પી. ની કરેલ પ્રશંસાનો વીડીયો સમગ્ર દ્વારકા જિલ્લામાં ખુબ જ વાયરલ થયો હતો.

સલાયામાં ડ્રગ્સ પ્રકરણમાં ડ્રગ્સ મગાવનાર સલીમ કારા અને તેનો ભાઇ અલી કારા સવા બસો કરોડના ૪૭ પેકેટ ડ્રગ્સ સાથે ઝડપાયા જેમાનો પ્રથમ આરોપી સલીમ કારા અંગેની સતાવાર મળતી માહિતી મુજબ સલીમ કારા ગુજરાતની મોટી એક તપાસ એજન્સીનો વિશ્વાસુ બાતમીદારની છેલ્લા કેટલાક સમયથી ઓળખ ઉભી કરી હતી અને અત્યંત કેટલીક સરકારી અધિકારીઓનો વિશ્વાસુ માણસ બનીને રહેતો હોવાનું પણ ચર્ચાઇ રહયું છે. આમ સલીમ યાકુબ કરાના ઉપર અત્યંત વોંચ ગોઠવીને આ ડ્રગ્સ પ્રકરણનો પર્દાફાશ કરવામાં આવતા ગુજરાતના કેટલાક ઉચ્ચ અધિકારીઓ હચમચી ગયા હતાં હજુ એકાદ બે દિવસમાં સલાયાના જ બે લોકોની સંડોવણી બહાર આવે તો નવાઇ નહીં.

ગઈકાલના આ ચકચારી કરોડોના ડ્રગ્સ પ્રકરણમાં જિ.પો. વડાશ્રી સુનીલ જોશીએ અત્યંત બાહોશ તથા કોર્ટ કાર્યવાહીમાં એકસપર્ટ મનાતા ખંભાળિયા પો.ઈ. શ્રી પી.એમ. જુડાલને આ તપાસ સોંપતા તેમણે ત્રણેય આરોપીઓની આગવી ઢબે પૂછપરછ, મોબાઈલ નંબરો આવેલા કોલ ગયેલા કોલ અગાઉના લોકેશનની તપાસ શરૂ કરીને આરાધનાધામ પાસેથી પકડાયેલ પ્રથમ આરોપી સજ્જાદ સિકંદરને ૧૪ દિવસની રીમાન્ડની માંગણી સાથે ખંભાળિયા કોર્ટમાં રજુ કર્યો છે તથા સાંજે સલીમ કારા તથા અલી કારાને પણ ૧૪ - ૧૪ દિવસના રીમાન્ડ સાથે કોર્ટમાં રજુ કરીને આગળની કાર્યવાહી થશે.

અગાઉ સલાયામાં ૨૦૧૮ની ૧૨મી ઓગષ્ટના ૩૦૦ કિલો હેરોઈનનો જથ્થો પકડાયો હતો જેની તપાસ એ.ટી.એસ. તથા એન.આઈ.એ.એ કરી હતી તથા ગુજરાતમાંથી આ જથ્થો જીરૂ તથા સુવાના થેલામાં સંતાડીને અમૃતસર પંજાબ પહોંચાડેલો, જેમાં કુલ ૫૦૦ કરોડના જથ્થાની ફરીયાદ તે વખતે પણ થઈ હતી. જો કે બનાવના ત્રણેય મુખ્ય આરોપી સજ્જાદ સિકંદર મર્ડરમાં સંડોવાયેલો હતો તો સલીમ કારા પર અગાઉ પણ નાર્કોટીકસ, નકલી ચલણ, હેરાફેરીના કેસ પણ થયેલા છે.

ગઈકાલે ૮૮ કરોડ પછી ૨૩૨ કરોડનો બીજો જથ્થો સલાયામાં મળતા એસ.પી. શ્રી સુનીલ જોશીએ કર્મચારી-સહ અધિકારીઓને પેંડા ખવડાવી મીઠા મોં કરાવ્યા હતા.

પોલીસ વડા શ્રી સુનીલ જોશીની આગેવાનીમાં પોલીસ અધિકારીઓની હથીયાર બંધ ટુકડીઓ સાથે આ કારા બંધુઓનું મકાન જે સલાયામાં કસ્ટમ ઓફિસની તદ્દન સામે આવેલુ છે ત્યાં રાત્રીના ૩ વાગ્યા સુધી કામગીરી કરી હતી તથા ૪૭ પેકેટ જેનુ વજન ૪૫ કિલો થયુ હતુ તેનુ રોજકામ કરી કબજો મેળવ્યો હતો તથા આ જથ્થો તથા ત્રણેય આરોપીની પૂછપરછ હાથ ધરી છે.

(12:49 pm IST)