Gujarati News

Gujarati News

News of Saturday, 11th September 2021

રાપરમાં દે ધનાધન ૪ ઇંચઃ સૌરાષ્ટ્રના ૧૯ તાલુકામાં ઝાપટાથી પોણો ઇંચ

સર્વત્ર મેઘાવી માહોલ યથાવતઃ કચ્છમાં છુટીછવાઇ મેઘમહેર યથાવત

ગોંડલઃ ગોંડલમાં કાલે ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો. જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ હતી. (તસ્વીરઃ ભાવેશ ભોજાણી-ગોંડલ)

રાજકોટ, તા., ૧૧: રાજકોટ સહીત સૌરાષ્ટ્ર-કચ્છમાં મેઘાવી માહોલ યથાવત છે. આવા વાતાવરણ વચ્ચે કચ્છના રાપરમાં દે ધનાધન ૪ ઇંચ વરસાદ પડયો હતો.

જયારે સૌરાષ્ટ્રના ૧૯ તાલુકામાં ઝાપટાથી પોણો ઇંચ વરસાદ પડયો છે.

ભુજ

(વિનોદ ગાલા દ્વારા) ભુજઃ કચ્છમાં મેઘરાજાએ છુટી છવાઇ મહેર ચાલુ રાખી છેે. પુર્વ કચ્છના છેવાડે રાપર પંથકમાં મેઘરાજાએ ફટકાબાજી કરી દે ધનાધન ચાર ઇંચ પાણી વરસાવી દીધું છે. જયારે ભુજ અબડાસા અને ભચાઉમાં એક ઇંચ ઉપર વરસાદ પડયો છે. અન્યત્ર લખપત તેમજ નખત્રાણા અને માંડવી તાલુકામાં ઝરમર અડધાથી પોણો ઇંચ વરસાદ પડયો છે. જયારે અંજાર, ગાંધીધામ અને મુંદ્રામાં છુટા  છવાયા વરસાદના સમાચાર છે. એકંદરે કચ્છમાં મેઘરાજાની સવારીના કારણે લોકોમાં હાશ થઇ છે. વરસાદ ખેંચાતા ખેડુતોમાં, પશુપાલકોમાં વ્યાપેલી ચિંતા હવે વરસાદને પગલે થોડી હળવી થઇ છે. તો પીવાના પાણીની કટોકટી પણ હવે હળવી થવાના એંધાણ વર્તાતા લોકોમાં હાશકારો છે. હજીયે કચ્છમાં વાતાવરણ ગોરંભાયેલું છે.

વિંછીયા

(પિન્ટુ શાહ દ્વારા) વિંછીયાઃ વિંછીયામાં સાંજના પ.૩ં૦ વાગ્યે વરસાદી ઝાપટુ વરસતા રોડ-રસ્તા પર પાણી વહી ગયા હતા. જો કે હજુ વિંછીયા તથા તાલુકાના ચેકડેમ નદી નાળા તળાવ ખાલી ખમ્મ છે. મેઘો અનરાધાર વરસે તેવી લોકો પ્રાર્થના કરી રહયા છે.

ભાવનગર

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગરઃ ગોહીલવાડ પંથકમાં વરસાદી માહોલ જળવાઇ રહયો છે. જીલ્લામાં મહુવા અને જેસરમાં પોણો ઇંચ વરસાદ પડયો છે. જયારે ઘોઘા અને તળાજા તાલુકામાં અર્ધો -અર્ધો ઇંચ વરસાદ પડયો છે. જયારે ઉમરાળા, ભાવનગર અને વલભીપુરમાં હળવા-ભારે ઝાપટા વરસી ગયા હતા.

ભાવનગર જીલ્લામાં મહુવામાં ૧૮ મી.મી. જેસરમાં ૧૭ મી.મી. ઘોઘામાં ૧ર મી.મી. તળાજામાં ૧૦ મી.મી. ઉમરાળામાં ૬ મી.મી. અને ભાવનગર શહેરમાં ર મી.મી. વરસાદ નોંધાયો છે.

જામનગર

(મુકુંદ બદીયાણી દ્વારા) જામનગરઃ આજનું હવામાન ૩૦.૮ મહતમ, ર૪.પ લઘુતમ, ૯૦ ટકા વાતાવરણમાં ભેજનું પ્રમાણ ૮ પ્રતિ કલાક પવનની ગતી રહી હતી.

જામનગર જીલ્લાના હડીથાણા, લતીપુર, પીપરતોળા, પડાણા, મોડપરમાં ઝાપટા વરસ્યા છે.

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં પડેલ  વરસાદના આંકડા નીચે મુજબ છે.

જામનગર

લાલપુર      ૧૯ મી. મી.

ભાવનગર

મહુવા        ૧૮ મી. મી.

જેશર        ૧૭ મી. મી.

ઘોઘા        ૧ર મી. મી.

તળાજા      ૧૦ મી. મી.

ઉમરાળા     ૬ મી. મી.

ભાવનગર   ર મી. મી.

અમરેલી

અમરેલી     પ મી. મી.

ખાંભા        ૩ મી. મી.

જાફરાબાદ   પ મી. મી.

ધારી ૪ મી. મી.

લીલીયા      પ મી. મી.

સાવરકુંડલા  ૧૪ મી. મી.

ગીર સોમનાથ

કોડીનાર     ૧ર મી. મી.

વેરાવળ      પ મી. મી.

દેવભૂમિ દ્વારકા

દ્વારકા        ૧૧ મી. મી.

જુનાગઢ

જુનાગઢ     ૧ મી. મી.

મેંદરડા       ર મી. મી.

માળીયા હાટીના૪ મી. મી. 

જામકંડોરણામાં ઝાપટુ

જામકંડોરણામાં ગઇકાલ સવારથી આજે સવાર સુધીમાં ઝરમર ઝાપટા પડયા હતા. છેલ્લા ચોવીસ કલાકમાં ૬ મી.મી. વરસાદ પડયો હતો આ સાથે મોસમનો કુલ વરસાદ ર૭૭ મી.મી.થયેલ છે.

(11:02 am IST)