Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીની જન્મભૂમિ ચોટીલા ખાતે પિનાકી મેઘાણીનું અભિવાદન

૧૨૫મી મેઘાણી જયંતી વર્ષ નિમિત્તે વંચિત - જરૂરિયાતમંદ પરિવારોને અનાજ અને અન્ય જીવન-ઉપયોગી સામગ્રીની કીટ વિતરણનો સેવાયજ્ઞ પિનાકી મેઘાણીની પ્રેરણાથી શરૂ

રાજકોટઃરાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ પ્રેરિત સામાજિક સમરસતા મંચ – ગુજરાત કલ્યાણ પરિષદ દ્વારા રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને 'ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન'ના સ્થાપક પિનાકી નાનંકભાઈ મેઘાણીનું ચોટીલા ખાતે અભિવાદન-સન્માન કરાયું હતું. ૧૨૫મી મેઘાણી જયંતી વર્ષ નિમિત્તે વંચિત સમાજ, નિરાધાર વિધવા બહેનો, વિચરતી જાતિ સમુદાય, દિવ્યાંગ – વિકલાંગનાં જરૂરિયાતમંદ પરિવારોને અનાજ અને અન્ય જીવન-ઉપયોગી સામગ્રીની કીટ વિતરણનો સેવાયજ્ઞ પિનાકી મેઘાણીની પ્રેરણાથી શરૂ કરવામાં આવ્યો છે. ફરજ પર કોરોનાને લીધે શહીદ થયેલા વાલ્મીકિ સમાજનાં 'કોરોના વોરિયર'સફાઈ કામદાર ભાઈઓ-બહેનોનાં જરૂરીયાતમંદ પરિવારોને વિશેષરૂપે સહાય આપવામાં આવી છે. આ સેવાયજ્ઞમાં સતત સવિશેષ સહયોગ આપનાર સેવાભાવી કિરીટસિંહ રહેવર (મામા) અને મહિપતસિંહ વાઘેલાનું પણ સન્માન કરાયું હતું. ચોટીલા નગરપાલિકામાં સેવા આપતાં ૬૦ જેટલાં 'કોરોના વોરિયર'સફાઈ કામદાર ભાઈઓ-બહેનોને સન્માન-પત્ર અને કીટ અપાયાં હતાં.

રવિભાણ સંપ્રદાયના સંતશ્રી અક્કલદાસજી સાહેબ સમાધી સ્થળ (થાનગઢ)ના મહંતશ્રી કૃષ્ણવદનજી સાહેબ ગુરુ હરિપ્રસાદજી સાહેબ, શ્રી નંદિનીપુરમ્ (ચાણપા)ના સાધ્વીજી નીલા ચૈતન્યજી અને સાધ્વીજી ઈલા ચૈતન્યજી, ચોટીલા નગરપાલિકાના પ્રમુખ શકિતસિંહ ઝાલા, રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના વિનયભાઈ ચાવડા, ડો. ગોધાણી, ડો. પુનિતભાઈ શુકલ, કરણભાઈ કરથિયા, રમેશભાઈ જાનીની આ અવસરે વિશેષ ઉપસ્થિતિ રહી હતી.

રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણીના વિપુલ સર્જનની વિશેષ ધ્યાન ખેંચતી બાબત છે દેશભકિતના કસુંબલ રંગે રંગાયેલી ને પીડિતોની વેદનાને વાચા આપતી એમની કવિતા. ઝવેરચંદ મેઘાણી કૃત 'સૌરાષ્ટ્રની રસધાર'માં પણ વંચિત સમાજનાં શૌર્ય, શીલ અને સ્વાર્પણની અનેક ગૌરવગાથાઓ આલેખાયેલી છે.

માણસ માત્રને ઝવેરચંદ મેઘાણી એક સમાન ગણતા. ધર્મ, જ્ઞાતિ કે અન્ય કોઈપણ ભેદભાવ રાખ્યા વગર સહુ તરફ પ્રેમ અને સમભાવ રાખતા. ૧૯૧૭માં ભાવનગરની શામળદાસ કોલેજમાં અભ્યાસ દરમિયાન વંચિત સમાજની છાત્રાલયની મુલાકાતે ગયા ત્યારે ત્યાંનાં બાળકને હાથે પાન પ્રેમથી સ્વીકારીને ખાધુ. કોલેજ અને હોસ્ટેલમાં ગણગણાટ શરૂ થઈ ગયો. તેમનો સામાજિક બહિષ્કાર પણ થયેલો જે તેમને હસતે મોઢે સ્વીકારેલો.

૨૩ માર્ચ ૧૯૩૧ — ફાંસીને દિવસે જેલની કોટડીની સફાઈ કરતા વાલ્મીકિ સમાજના વયોવૃધ્ધ સફાઈ કામદારભાઈની હાથની બનેલી 'રોટી'ખાવાની ઈચ્છા અમર ક્રાંતિવીર શહીદ ભગતસિંહે વ્યકત કરેલી. શહીદ ભગતસિંહે અંતિમ સમયે ખાધેલી વાલ્મીકિ સમાજની આ 'રોટી'નું ઋણ અને મૂલ્ય કયારેય વીસરાશે નહિ તેમ પિનાકી મેઘાણીએ લાગણીભેર જણાવ્યું હતું.

:આલેખનઃ

પિનાકી નાનકભાઈ મેઘાણી

ઝવેરચંદ મેઘાણી સ્મૃતિ સંસ્થાન

(મો.૯૮૨૫૦ ૨૧૨૭૯)

(2:42 pm IST)