Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

જેતપુરમાં તબીબોની હડતાલ સમેટાઇ

રાજય મંત્રી જયેશભાઇ રાદડીયા અને સાંસદ રમેશભાઇ ધડુકની દરમિયાનગીરીથી : મનીષ ઉર્ફે પીન્ટો વલ્લભભાઇ સખરેલીયાએ હોસ્પીટલમાં ડોકટર તથા સ્ટાફ સાથે ગાળાગાળી કરીને હુમલો કરતા ઘેરા પડઘાઃ અચોક્કસ મુદત સુધી દવાખાના-મેડીકલ સ્ટોર સહીતની તબીબી સેવાઓ બંધ રાખવાની ચિમકી બાદ આરોપી સામે પાસા સહીત કાયદાકીય પગલા ભરવાની ખાત્રી

પ્રથમ તસ્વીરમાં આરોપીનો ફાઇલ ફોટો તથા બીજી તસ્વીરમાં હોસ્પીટલમાં બઘડાટી બોલાવી તેના સીસીટીવી ફુટેજ (તસ્વીરઃ કેતન ઓઝા-જેતપુર) : તસ્વીરમાં રાજયમંત્રી જયેશભાઇ રાદડીયા, સાંસદ રમેશભાઇ ધડુક તથા તબીબો અને મેડીકલ સ્ટોર ધારકો નજરે પડે છે.( તસ્વીરઃ કેતન ઓઝા)

(કેતન ઓઝા દ્વારા) જેતપુર, તા., ૧૧: જેતપુરમાં તબીબો ઉપર મનીષ ઉર્ફે પિન્ટુ વલ્લભભાઈ સખરેલીયાએ હુમલો કર્યા બાદ ગતરાત્રીથી તબીબો હડતાલ ઉપર ઉતર્યા હતા જેમાં રાજય મંત્રી અને સંસદ સભ્ય દરમિયાનગીરી કરતાં હડતાલ સમેટાઈ ગઈ છે.

જેતપુરમાં ડોકટરો ની હડતાળ કેબિનેટ મંત્રી જયેશભાઈ રાદડિયા અને સાંસદ રમેશભાઈ ધડુક ની દરમ્યાનગીરી થી સમેટાઈ છે. આજે બપોર થી તમામ ડોકટરોએ તબીબી સેવા શરૂ કરી દીધી છે

તબીબો ની આરોપી ને કડક કાર્યવાહી કરી પાસા ના કાગળો કરવાની માગણી ને પૂરી કરવાની ખાત્રી આપી છે.

જેતપુર નવાગઢ નગર પાલીકાના મહીલા પ્રમુખ કુસુમબેન સખરેલીયાના દિયર તેમજ પુર્વ પ્રમુખ સુરેશભાઇ સખરેલીયાનો નાનો ભાઇ મનીષ ઉર્ફે મીન્ટો વલ્લભભાઇ સખરેલીયાએ હોસ્પીટલમાં ડોકટર તેમજ  સ્ટાફ સાથે ગાળાગાળી કરી હુમલો કર્યાના બનાવમાં પોલીસે ડોકટરની ફરીયાદ પરથી તાત્કાલીક તેની ધરપકડ કરી લીધેલ. પરંતુ ડોકટરોએ હુમલાના બનાવ વધતા જતા હોય તેના નીરાકરણની માંગ સાથે ચોક્કસ મુદતની તબીબી સેવાની હડતાલ રાખવા આઇએમએ દ્વારા ઠરાવ કરાયો તેનું સમર્થન આપતા જેતપુર, જામકંડોરણા મેડીકલ એશોસીએશન અને મેડીકલ સ્ટોર એશોસીએશન ઘટનાને વખોડી કાઢી હડતાલને સમર્થન આપ્યું હતું.

શહેરમાં બે દિવસ પહેલા પાલીકા પ્રમુખના દિયર મનીષ ઉર્ફે મીન્ટો સાંજના સમયે કણકીયા પ્લોટ વિસ્તારમાં આવેલ સંજીવની હોસ્પીટલ ખાતે ધસી જઇ પોતાનો કોવીડ રીપોર્ટ ખોટો હોવાનું કહી ઉશ્કેરાઇ જઇ સ્ટાફને તેમજ ડોકટરને ગાળો આપી હુમલો કરવાની કોશીષ કરેલ જેથી ડોકટર સંજય કયાડાએ મનીષ વિરૂધ્ધ પોલીસમાં માર માર્યા તેમજ હોસ્પીટલ બંધ કરી દેવાની અને મારી નાખવાની ધમકી આપ્યાની ફરીયાદ નોંધાવેલ. જે અનુસંધાને પોલીસે તુરત જ કાર્યવાહી કરી મનીષ સખરેલીયાને રાઉન્ડ અપ કરી સારવાર માટે ખસેડેલ મીન્ટાની દબંગાયથી સમગ્ર તબીબી આલમ લાલઘુમ થઇ નમતુ નહી જોખવા અને આંદોલનના માર્ગે ચાલવા મક્કમ થયા હોય. ગઇકાલે સાંજે ૪ કલાકે આઇએમએ (ઇન્ડીયન મેડીકલ એસોસીયન)ની મીટીંગ મળેલ જેમાં સર્વાનુમતે ડોકટરો ઉપર હુમલો તેમજ પ્રોપર્ટીને નુકશાનીની ઘટનાઓ બનવા લાગી હોય ભયનો માહોલ સર્જાયો છે તેથી વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઇ દર્દીને સારવાર આપવી મુશ્કેલ હોય આજથી પરિસ્થિતિનું સમાધાન ન થાય ત્યાં સુધી અચોક્કસ મુદતની હડતાલ શરૂ કરી દીધી હતી.

ત્યાર બાદ આજે બપોરે સમાધાન થઇ જતા અને રાજય મંત્રી જયેશભાઇ રાદડીયા તથા સાંસદ રમેશભાઇ ધડુકે આરોપી સમે કાયદેસરની કાર્યવાહીની ખાત્રી આપતા હડતાલ સમેટાઇ છે.

(2:42 pm IST)