Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

ભાવનગર જિલ્લામાં સાત પગલા ખેડૂત કલ્યાણના હેઠળ મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના તથા કિસાન પરિવહન યોજનાનો શુભારંભ

યોજના હેઠળ ખેડૂતોને ૪,૧૦૯ પાક સ્ટ્રકચરો તથા ૩૪૬ માલવાહક વાહનોના લાભો મંજુર કરાયા

ભાવનગર તા. ૧૧ : પાલીતાણા તેમજ વલ્લભીપુર તાલુકા મથકે સાત પગલાં ખેડૂત કલ્યાણના અંતર્ગત મુખ્યમંત્રી પાક સંગ્રહ યોજના અને કિસાન પરિવહન યોજનાનો શુભારંભ કાર્યક્રમ મહિલા અને બાળ વિકાસ, શિક્ષણ રાજયમંત્રી વિભાવરીબેન દવેના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો. સાત પગલા ખેડૂત કલ્યાણના પૈકી બે પગલાની શરૂઆત કરી હુકમપત્રોનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ અવસરે પાલીતાણા, ગારીયાધાર, સિહોર, ઉમરાળા, વલ્લભીપુર, ભાવનગર અને ઘોઘા તાલુકાના ખેડૂતોને ૩૪૬ પરિવહન વાહનો અને ૪,૧૦૯ જેટલા ખેડૂતોને પાક સ્ટ્રકચરના લાભો રાજયમંત્રીશ્રી અને મહાનુભાવોના હસ્તે એનાયત કરાયા હતા.

મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીએ ગાંધીનગરથી વેબકાસ્ટિંગના માધ્યમ થકી ખેડૂતોને વિવિધ યોજનાકીય જાણકારી આપી હતી.

જિલ્લા ખેતીવાડી અધિકારી શ્રી એસ.આર.કોસાંબીએ સ્વાગત પ્રવચનમાં સૌને આવકારી કાર્યક્રમની રૂપરેખા આપી હતી.

આ કાર્યક્રમમા એ.પી.એમ.સી. ચેરમેન નાગજીભાઈ વાઘાણી, જી.આઈ.ડી.સી. ડાયરેકટર પેથાભાઈ આહિર, ચેરમેન  માર્કેટીંગ યાર્ડ વલ્લભીપુર, નગરપાલિકા પ્રમુખ, તાલુકા પંચાયત પ્રમુખ, જિલ્લા કલેકટર ગૌરાંગ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી વરૂણકુમાર બરનવાલ, પ્રાંત અધિકારી સિહોર તથા પાલીતાણા, સરપંચો, ખેતીવાડી તેમજ આત્મા પ્રોજેકટના અધિકારી/ કર્મચારીઓ, ખેડૂતમિત્રો, હાજર રહયા હતા.

(11:56 am IST)