Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં સાત પગલા ખેડૂત કલ્યાણના અંતર્ગત મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રકચર અને કિશાન પરિવહન યોજનાનો લોકાર્પણ કાર્યક્રમ યોજાયો

દેવભૂમિ દ્વારકા તા. ૧૧ : દેવભૂમિ દ્વારકા જિલ્લામાં એપીએમસી ખંભાળીયા ખાતે સાત પગલા ખેડુત કલ્યાણના અંતર્ગત 'મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રકચર અને કિશાન પરિવહન યોજના'નો લોકાર્પણ કાર્યક્રમ ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડના ચેરમેન  મુળુભાઇ બેરાના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો.

મહાનુભાવોનું શાબ્દિક સ્વાગત અને યોજનાકીય જાણકારી જીલ્લા ખેતીવાડી અધિકારી એ.બી. કમાણીએ આપી હતી. સાંસદ પુનમબેન માડમે શુભેચ્છા સંદેશ પાઠવ્યો હતો.

એપીએમસીના ચેરમેન અને જિલ્લા પંચાયત પ્રમુખ પી.એસ. જાડેજાએ જણાવ્યું હતું કે આત્મનિર્ભર ભારત અંતર્ગત સરકારે ખેડુતોને મદદરૂપ થવા વિવિધ સહાય યોજનાઓ અમલમાં મુકેલ છે. ખેડુતોની શું શું જરૂરીયાત છે? તેનું પરિક્ષણ કરી ખેડુતોને જો ગાડાઉન બનાવવું હોય તો મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રકચર યોજના હેઠળ કુલ ખર્ચના ૩૦ ટકા અથવા રૂ.૩૦૦૦૦ બે તબકકામાં મળવાપાત્ર રહેશે. પ્રથમ હપ્તો પ્લીન્થ લેવલની કામગીરી પુર્ણ થયે રૂ.૧૫૦૦૦ જયારે બીજો હપ્તો પાક સંગ્રહ સ્ટ્રકચરની કામગીરી પુર્ણ થયે મળશે.

કિસાન પરિવહન યોજના હેઠળ પ્રતિ -૮ અ પૈકી (એક ખેડુત ખાતેદારને) જેમાં નાના/ સિંમાંત/ મહિલા / અનુ.જાતિ/ અનુ. જનજાતિના ખેડુતોને કુલ ખર્ચના ૩૫ ટકા અથવા રૂ.૭૫૦૦૦/- બેમાંથી જે ઓછું હોય તે સામાન્ય / અન્ય ખેડુતોને કુલ ખર્ચના ૨૫ ટકા અથવા રુા.૫૦૦૦૦/- સબસીડી આપવાનું નકકી કર્યું છે. સરકારશ્રીની ખેડુતલક્ષી જુદી જુદી યોજનાઓનો લાભ ખેડુતોને મળી રહે તે માટે સરકાર દ્વારા તામમ પ્રયત્નો કરવામાં આવી રહયા છે. ખેડુતોને કૃષિ પેદાશોના સારા ઉત્પાદન મળવા છતા જયા જયા વધુ વરસાદ થયો છે, જમીનનું ધોવાણ થયું છે અને પાકોમાં નુકશાની થઇ છે તેવા દરેક ગામોમાં ગ્રામ સેવકો મારફત જેને પણ નુકશાની ગઇ હોય તે ખેતરોની મુલાકાત લઇ તેનો સર્વે કરી તેનું વળતર અવશ્ય આપવામાં આવશે. ૭૦ ટકા જેવું સર્વે થઇ ગયું છે તેમ જણાવી કાર્યક્રમમાં પધારેલ સૌનો આભાર વ્યકત કર્યો હતો.

ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડના ચેરમેન શ્રી મુળુભાઇ બેરાએ જણાવ્યું હતું કે માર્કેટીંગ યાર્ડ ખાતે સાત પગલા ખેડુત કલ્યાણના આ કાર્યક્રમ અંતર્ગત રાજય સરકાર હંમેશા ખેડુતોને મદદરૂપ થવા ખેડુતોના કલ્યાણ માટે યોજનાઓ બનાવી રહી છે. વધારેને વધારે ખેડુતો આ યોજનાઓનો લાભ મેળવે તે માટે અપીલ કરી હતી. ખેડુતોને નાનું ગોડાઉન બનાવવા માટે ૩૦૦૦૦/- ની સહાય રૂ.૧૫૦૦૦/- ના બે હપ્તામાં આપવામાં આવે છે. આપણા ખેડુતોના ખેતરથી ગામથી તાલુકા મથકે ખેત પેદાશો લઇ જવા માટે પરિવહન કરી શકે તે માટે એક વાહન દીઠ રૂ.૭૫૦૦૦/- અને સહાયના ધોરણ મુજબ અન્ય ખેડુતોને રૂ.૫૦૦૦૦/- ની સહાય આપવામાં આવશે. સરકારશ્રીની સાત પગલા ખેડુતો કલ્યાણના જેમાં સાત નવી યોજનાઓનો સમાવેશ કરવામાં આવેલ છે. દેશી ગાય આધારિત સંપુર્ણ પ્રાકૃતિક ખેતી, ખેડુત કુટુંબ દીઠ એક ગાયના નિભાવ ખર્ચ માટે પ્રતિમાસ રૂ.૯૦૦/-, પ્રાકૃતિક કૃષિ પધ્ધતિ જીવામૃત બનાવવા માટે કીટ અને સહાય જેમાં ૨૦૦ લીટરનું ઢાંકણા વગરનું ડ્રમ, ૧૦ લીટરના બે પ્લાસ્ટીકના ટોકર (ટબ) અને ૧૦ લીટરની પ્લાસ્ટીકની ડોલ, ખેડુતો અને ખેતમજુરો માટે સ્માર્ટ હેન્ડ ટુલ્સ કીટ યોજના, સરકાર ખેડુતોને પડખે હમેંશા ઉભી રહી છે. ખેડુતલક્ષી કાર્યક્રમો, સહાય યોજનાઓ સરકાર અને ખેડુતોએ સાથે મળીને પ્રયત્નો કર્યા ત્યારે આજે કૃષિ ક્ષેત્રે અગ્રેસર છીએ, મોખરાનું સ્થાન ધરાવીએ છીએ. મોટા ચેકડેમો બનાવવા, સૌની યોજનાથી ડેમો ભરવા ખેડુતોને વધારેમાં વધારે સિંચાઇનો લાભ મળી રહે, વૈજ્ઞાનિક ઢબે ખેતી કરવા માટે બાગાયત યોજનાઓનો લાભ લેવા ત્રણ લાખ સુધીનું ધિરાણ ૦ ટકા વ્યાજે સરકાર આપે છે.

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ઙ્કપીએમ કિસાન સન્માન નિધિ યોજનાઙ્ખહેઠળ પ્રથમ હપ્તામાં ૮૪૮૦૫ ખેડુતોને બીજા હપ્તામાં ૮૪૭૦૪, ત્રીજા હપ્તામાં ૮૪૨૨૯, ચોથા હપ્તામાં ૮૧૨૩૮, પાંચમા હપ્તામાં ૭૯૪૦૧ ખેડુતોને પ્રતિ હપ્તા દિઠ રૂ.૨૦૦૦/- ની રકમ ખેડુતોને ચુકવવામાં આવેલ છે. છઠા હપ્તાની રકમ પણ ખેડુતોના ખાતામાં જમા થઇ રહેલ છે. વર્ષ ૨૦૧૯-૨૦માં જિલ્લામાં કમોસમી વરસાદથી પાક નુકશાન અંતર્ગત કૃષિ સહાય પેકેજની જાહેરાત અન્વયે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં કુલ ૭૧૭૮૭ ખેડુતોને રૂ.૨૯.૯૭ કરોડની સહાય ચુકવવામાં આવી હતી. ટેકાના ભાવે મગફળી ખરીદીમાં ૭૧૧૬૦ ટન મગફળી ખરીદીના રૂ.૩૬૨.૩૭ કરોડની રકમ ખેડુતોના બેંક ખાતામાં જમા કરવામાં આવી છે. ટેકાના ભાવે રાયડાની ખરીદીમાં  ૪૭ ખેડુતોની ૧૯.૨૦૦ મે. ટન રાયડાની ખરીદી કરવામાં આવી છે.  ખેતીવાડીની જુદી જુદી યોજનાઓના કુલ ૨૧૨૫૨ ખેડુતોને રૂ.૮૯૫.૮૪ લાખની સહાય ચુકવવામાં આવેલ છે. ટ્રેકટર સહાય રૂ.૩૪૩.૬૫ ખેડુતોના ખાતામાં ચુકવવામાં આવી. કોઇ ખેડુતનું અકસ્માતમાં મૃત્યુ થાય તો ૨ લાખ સુધીની વિમા સહાય કરવામાં આવી છે. ટપક સિંચાઇ યોજના, ખેતરમા જનાવરથી પાકના રક્ષણ માટેની યોજના, ખેતી માટે ખેડુતો જે મહેનત કરી રહયા છે તેમાં કોઇ ખેડુતોને તકલીફ ન પડે તે માટેના તમામ પ્રયત્નો કરી સરકાર ખેડુતોને મદરૂપ થઇ રહી છે.

ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીએ આ યોજનાનો પ્રારંભ કરતા જણાવ્યું હતું કે વિકાસની હરણફાળમાં ખેડુત કલ્યાણના સાત પગલા મહત્વપુર્ણ છે. આત્મનિર્ભર ભારત અંતર્ગત ખેડુતોને મદદરૂપ થવા નવી સહાય યોજનાઓ અમલમાં મુકેલ છે. જેનો ખેડુતોમાંથી સારો પ્રતિભાવ મળી રહયો છે.

ગ્રામ ગૃહ નિર્માણ બોર્ડના ચેરમેન મુળુભાઇ બેરા, એપીએમસીના ચેરમેન પી.એસ. જાડેજા, કલેકટર ડો. નરેન્દ્રકુમાર મીના, જિલ્લા વિકાસ અધિકારી જાડેજા, જિલ્લા પંચાયતના સદસ્યો, તાલુકા પંચાયતના પ્રમુખો વગેરેના હસ્તે મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રકચર અને કિશાન પરિવહન સહાયના મંજુરી પત્રો/ હુકમોનું જુદા જુદા લાભાર્થી ખેડુતોને વિતરણ કરવામાં આવ્યું હતું. આભારવિધી ખેતીવાડી અધિકારી પ્રદિપભાઇ બાબરીયાએ કરી હતી.

કાર્યક્રમમાં લગત કચેરીના અધિકારીઓ, પ્રતિનિધિઓ તથા મોટી સંખ્યામાં ખેડુતો માસ્ક પહેરી સોશ્યલ ડીસટન્સ સાથે ઉપસ્થિત રહયા હતા.

(11:52 am IST)