Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

શાપર-વેરાવળ પોલીસે ૧.૪૦ લાખની કોપર વાયર ચોરીનો ભેદ ઉકેલ્યો

તસ્કર ગેંગના પ્રતાપ દેવીપૂજકની ધરપકડઃ અન્ય ૩ ની શોધખોળઃ પી.એસ.આઇ. કુલદીપસિંહ ગોહિલની ટીમને સફળતા

રાજકોટ તા. ૧૧: શાપર-વેરાવળના કારખાનામાં બે દિ' પૂર્વે ૧.૪૦ લાખની કોપર વાયરની ચોરીનો ભેદ પોલીસ ઉકેલી નાંખી તસ્કર ગેંગના એક શખ્સને ઝડપી લીધો છે જયારે અન્ય ત્રણની શોધખોળ હાથ ધરાઇ છે.

પ્રાપ્ય વિગતો મુજબ શાપર-વેરાવળના સનટેક કારખાનાના સ્ટોર રૂમમાંથી બે દિ' પૂર્વે ૧.૪૦ લાખના કોપર વાયરની ચોરી થઇ હતી. અને ચોરી કરનાર તસ્કરો સીસી ટીવી કેમેરામાં કેદ થઇ જતા શાપર-વેરાવળના પી.એસ.આઇ. કુલદીપસિંહ ગોહિલ તથા સ્ટાફે સીસીટીવી ફુટેજના આધારે તપાસ કરી ચોરી કરનાર તસ્કર ગેંગના પ્રતાપ બાબુભાઇ દેવીપૂજક રે. શાપરને ચોરાઉ કોપરના વાયરના જથ્થા સાથે ઝડપી લીધો હતો. પકડાયેલ પ્રતાપે આ ચોરીમાં તેની સાથે દિપક બટુકભાઇ સાડમીયા, રાજુ બટુકભાઇ સાડમીયા તથા લખન બટુકભાઇ સાડમીયા રે. રાજકોટ-ગોંડલ સામેલ હોવાની કેફીયત આપતા આ ત્રણેય તસ્કરોની પોલીસે શોધખોળ હાથ ધરી છે. પકડાયેલ પ્રતાપ તથા તેના સાગ્રીતો દિવસે ગ્રાહક બની કારખાનામાં તપાસ કરી રેકી કરતા હતા અને રાત્રે બંધ કારખાનામાંથી ચોરી કરતા હતા.આ કાર્યવાહીમાં શાપર-વેરાવળના હેડ કો. રોહીતભાઇ બકોત્રા, પો. કો. માવજીભાઇ ડાંગર, રવિરાજસિંહ ઝાલા તથા પો. કો. નરેશભાઇ લીબોલા સહિતનો સ્ટાફ જોડાયો હતો.

(11:51 am IST)