Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

ગોંડલના પાટખીલોરીમાં બે માસુમ બાળકો શૌચક્રિયા બાદ હાથ ધોવા જતા ખાડામાં પડ્યા : એકનું મોત

મામા-ફઇનાં ભાઇ-બહેન પાણીમાં પડતા લોકોના ટોળા દોડી ગયા

(જીતેન્દ્ર આચાર્ય દ્વારા)ગોંડલ,તા.૧૧: ગોંડલ તાલુકાના પાટ ખીલોરી ગામે ખેત મજૂરી કામ કરતા શ્રમિક પરિવારના માસુમ બાળકો પાણીના ખાડામાં પડી જતા એકનું મોત નીપજયું હતું જયારે એકનો બચાવ થયો હતો સંબંધ એ બંને માસૂમ બાળકો મામા ફઈના ભાઈ બહેન હતા.

ગોંડલ શહેર તાલુકા પંથકમાં વ્યાપક પ્રમાણમાં પરપ્રાંતિય મજૂરો ખેત મજૂરી માટે આવીને જીવન નિર્વાહ કરતા હોય ત્યારે તાલુકાના પાટ ખીલોરી ગામે ધીરૂભાઈ ખાતરાની વાડીએ રમેશભાઈ રાવત અને રમેશભાઈ બામણા શ્રમિક પરિવાર રહી ખેત મજૂરી કરતા હોય દરમિયાન બપોરના સુમારે રાહુલ રમેશભાઈ રાવત ઉંમર વર્ષ ૮ અને જયોતિ રમેશભાઈ બામણા ઉંમર વર્ષ ૮ પાણી ભરેલા ખાડામાં લપસી પડતા બૂમાબૂમ મચી જવા પામી હતી.

જેની જાણ બાલાભાઈ આસોદરીયા ને થતા તેઓએ તુરંત જ પાણીમાં ઝંપલાવી માસુમ બાળકોને બહાર કાઢ્યા હતા આ દરમિયાન રાહુલ મોતને ભેટી ચૂકયો હતો જયારે જયોતિ નો બચાવ થઇ જવા પામ્યો હતો ઘટનાની જાણ ગામમાં વાયુવેગે પ્રસરી જવા પામી હતી.

ગામના સરપંચ હંસાબેન જગદીશભાઈ લુણાગરિયા સહિતનાઓ ઘટનાસ્થળે દોડી ગયા હતા અને તાલુકા પોલીસને જાણ કરી મૃતદેહને પીએમ માટે સરકારી હોસ્પિટલે ખસેડાયો હતો. બનાવના પગલે નાના એવા ગામમાં અરેરાટી વ્યાપી જવા પામી હતી આ સાથે ગ્રામજનોમાં ચર્ચા થઈ રહી હતી કે માસુમ બાળકો શૌચક્રિયા બાદ હાથ ધોવા માટે પાણીના ખાડા પાસે પહોંચ્યા હતા અને દુર્દ્યટના ઘટી હતી.

(11:50 am IST)