Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

મોરબીમાં ટ્રક હડતાલ ચાલુ રાખવા ટ્રાન્સપોર્ટરોનો નિર્ણય : આગામી દિવસોમાં કન્ટેઇનરો બંધ રાખવા ચિમકી

ચોમાસામાં હાઇવે ઉપર ગાબડાથી માલ પરિવહનમાં નુકશાન થતું હોય ટ્રક ભાડામાં કપાત નહિ કરવા માંગણી

(પ્રવિણ વ્યાસ દ્વારા) મોરબી તા.૧૧ : ચોમાસાના કારણે નેશનલ અને સ્ટેટ હાઈવે તૂટી ગયા હોય અને ઠેર ઠેર ગાબડા પડ્યા હોય જેથી માલ પરિવહન દરમિયાન માલ સામાનને નુકશાની થતી હોય જેથી મોરબીના સિરામિક ઉદ્યોગને ટ્રાન્સપોર્ટ એસો દ્વારા પત્ર લખી યોગ્ય નિર્ણય કરવા જણાવ્યું હતું છતાં કોઈ નિર્ણય ના લેવાતા ટ્રાન્સપોર્ટરો હડતાલ પર ઉતર્યા છેજયા સુધી માંગ સ્વીકારવામાં નહી આવે ત્યા સુધી હડતાલ ચાલુ રાખવા નિર્ણય કરાયો છે.

મોરબી ટ્રક ટ્રાન્સપોર્ટ એસોના પ્રમુખ પ્રભાતભાઈ આહીરે મોરબી સિરામિક એસોને પત્ર લખી જણાવ્યું જણાવ્યું હતું કે મોરબી ટ્રક ટ્રાન્સપોર્ટ, વાંકાનેર ટ્રક ટ્રાન્સપોર્ટ, રાજકોટ ટ્રક ટ્રાન્સપોર્ટ એસો અને ગાંધીધામ ટ્રક ટ્રાન્સપોર્ટ એસોની મીટીંગ મળી હતી જેમાં નિર્ણય લેવાયો છે કે માલના પરિવહન દરમિયાન બ્રેકેજ અને ડેમેજ માટે ટ્રાન્સપોર્ટર કે લોરી ઓનર જવાબદાર નહિ રહે તાજેતરમાં ભારે વરસાદથી દેશના નેશનલ હાઈવે અને સ્ટેટ હાઈવે તૂટી ગયા છે જેથી મોરબી ટ્રક ટ્રાન્સપોર્ટ એસો દ્વારા સિરામિક એસોને વિનંતી કરવામાં આવી છે કે દરેક કંપનીઓને ટ્રક ભાડા સહિતનો ફૂલ વીમો લેવા જણાવવામાં આવે અને માલના પરિવહન દરમિયાન ડેમેજ કે બ્રેકેજ માટે ટ્રાન્સપોર્ટર કે લોરી ઓનર જવાબદાર નહિ રહે અને ટ્રક ભાડામાં પણ કપાત સ્વીકારી નહિ લે જે અંગે તા. ૦૯ સુધીમાં નિર્ણય લેવા જણાવ્યું હતું જોકે મોરબી સિરામિક એસો દ્વારા કોઈ નિર્ણય કરવામાં આવ્યો નથી અને બીજી તરફ ટ્રાન્સપોર્ટરો નુકશાની માટે જવાબદારી લેવા તૈયાર ના હોય બંને પક્ષે ગજગ્રાહની સ્થિતિ સર્જાઈ છે અને ટ્રાન્સપોર્ટરોએ હડતાલ પર ઉતર્યા છે.

જે અંગે મોરબી ટ્રાન્સપોર્ટ એસોના પ્રમુખ પ્રભાતભાઈ આહિરે જણાવ્યું હતું કે હાઇવે ભારે વરસાદને કારણે તૂટેલ હાલતમાં છે અને સિરામિક ટાઈલ્સ જેવી પ્રોડકટ પરિવહન દરમિયાન ડેમેજ થવાની શકયતા રહે છે યોગ્ય રીતે પેકિંગ ના થયું હોય તો માલને નુકશાની થાય તેમ હોય અને વેપારી ટ્રાન્સપોર્ટના ભાડાની રકમમાંથી કપાત કરે તો ટ્રાન્સપોર્ટર તે નુકશાની સહી સકે તેમ ના હોય જેથી હડતાલ પર જવાનો નિર્ણય લીધો છે અને ટ્રાન્સપોર્ટરોની માંગ નહિ સ્વીકારાય ત્યાં સુધી લડત ચાલુ રાખવા પણ જણાવ્યું હતું તેમજ આગામી દિવસોમાં રો મટીરીયલ્સ અને કન્ટેનર પણ બંધ કરાશે તેમ જણાવ્યું હતું.

(11:48 am IST)