Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

સાત પગલા ખેડૂત કલ્યાણ યોજના અંતર્ગત

વઢવાણમાં પાક.કિશાન યોજનાના હુકમોનું મંત્રી બાવળીયાના હસ્તે વિતરણ

સુરેન્દ્રનગર તા.૧૧ : પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષસ્થાને વઢવાણ સ્થિત માર્કેટીંગ યાર્ડ ખાતે સાત પગલા ખેડુત કલ્યાણના અંતર્ગત મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રકચર યોજના અને કિસાન પરિવહન યોજનાના હુકમ વિતરણ અંગેનો કાર્યક્રમ યોજાયો હતો.

આ પ્રસંગે પ્રાસંગિક ઉદબોધન કરતા મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, અતિવૃષ્ટિ, અનાવૃષ્ટિ અને કમોસમી વરસાદ જેવી કુદરતી આફતો સમયે રાજય સરકાર હંમેશા ખેડુતોના પડખે રહી છે. આવી કુદરતી આફતોના જોખમો સામે ખેડુતોને મદદરૂપ થવા માટે મુખ્યમંત્રી કિસાન સહાય યોજના જેવી અનેકવિધ યોજનાઓ રાજય સરકારે અમલી બનાવી છે.

વધુમાં તેમણે સાત પગલા ખેડુત કલ્યાણના અંતર્ગત મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રકચર યોજના અને કિસાન પરિવહન યોજનાની વિગતે વાત કરતા જણાવ્યું હતું કે, ખેડુતો પોતાનો માલ સાચવી શકે તે માટે ગોડાઉન બનાવવા માટે મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રકચર યોજના અમલી બનાવી છે તેમજ ખેડુતોને ખેતપેદાશોના પરિવહન માટે મુખ્યમંત્રી કિસાન પરિવહન યોજના પણ અમલી બનાવી છે.

આ તકે ડો.આંબેડકર અંત્યોદય વિકાસ નિગમના ચેરમેનશ્રી ગૌતમભાઈ ગેડીયાએ પ્રાસંગિક ઉદબોધન કરતા ખેડુતોની આવક બમણી કરવાના ધ્યેય સાથે રાજય સરકાર કાર્ય કરી રહી છે તેમ જણાવી વધુમાં વધુ ખેડુતો પ્રાકૃતિક ખેતી તરફ વળે તેવો અનુરોધ કર્યો હતો.

આ પ્રસંગે વઢવાણના ધારાસભ્યશ્રી ધનજીભાઈ પટેલે પ્રાસંગિક ઉદબોધન કરી રાજય સરકારની યોજનાઓનો વધુમાં વધુ લાભ લેવા જિલ્લાના ખેડુતોને અનુરોધ કર્યો હતો. આ ઉપરાંત મંત્રીશ્રી તેમજ મહાનુભાવોના હસ્તે લાભાર્થી ખેડુતોને યોજનાના મંજૂરી પત્રો/હુકમોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે સ્વાગત પ્રવચન જિલ્લા ખેતીવાડી અધિકારીશ્રી એચ.ડી.વાદીએ કર્યુ હતું. તેમજ આભારવિધી મદદનીશ ખેતી નિયામકશ્રી કે.એમ.ડાભીએ કરી હતી.

આ પ્રસંગે રાજયસભાના પુર્વ સાંસદશ્રી શંકરભાઈ વેગડ, નાયબ ખેતી નિયામકશ્રી ડી.એ.પટેલ, અગ્રણી સર્વશ્રી ભૂતપભાઈ, જયેશભાઈ પટેલ, કમલેશભાઈ હાંડી, મુકેશભાઈ પટેલ, પ્રભુભાઈ મકવાણા અને જગદીશભાઈ સહિત ખેડુતો ઉપસ્થિત રહ્યાં હતા.

(11:47 am IST)