Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

ઉનામાં શિક્ષકની ગરીમાના આદર માટે શિક્ષકદિને શાળાએ જઇને અપાતો વિશિષ્ટ એવોર્ડ

(નવીન જોશી દ્વારા) ઉના તા.૧૦ : ઉના ત્રણ વર્ષથી શિક્ષક દિનના દિવસે અનોખો દિ-પ સન્માન એવોર્ડ અપાય છે. શિક્ષકની ગરિમાનો પુર્ણ આદર થાય એવા પ્રયત્નરૂપે એમની શાળાએ જઇને એવોર્ડ અપાય છે તેની વિશિષ્ટતા છે.

આજીવન શિક્ષક દિનેશભાઇ ઠાકર અને આજીવન સમાજસેવી પરમાણંદભાઇ જુમાણીના નામ અને કામને હંમેશા માટે જીવંત રાખવા માટે એમના પુત્રો દ્વારા પિતાની હાજરીમા દિ-પ સન્માન પારિતોષિક આપવાની શરૂઆત કરી છે. દિનેશભાઇ અને પરમાણંદભાઇ મુકસેવકની જેમ જીવનભર પોતાના ક્ષેત્રમાં કામ કરતા રહ્યા તેમ એવા શિક્ષકોને આ સન્માન અપાઇ છે કે જેઓ તન, મન, ધનથી છાત્રો અને શાળાને સમર્પિત છે. જેમને પોતાની જાતને પ્રચાર પ્રસાર કરવાની ખેવના નથી. સાચા અર્થમા તેઓ મુકસેવક બનીને રાષ્ટ્ર નિર્માણમાં પોતાનુ યોગદાન આપી રહ્યા છે એવા છેવાડાના વિસ્તારમાં કામ કરનારા આવા શિક્ષકોને આ એવોર્ડ આપવામાં આવે છે.

એવોર્ડનો ઉદ્દેશ એ છે કે સમાજ ઘડતરનું કામ કરનારા આ શિક્ષકો વિશે આપણો સમાજ પણ જાણે કે સરહદ પર સૈનિક જેટલી સિદતથી પોતાની ફરજમાં તૈનાત છે. એટલી જ નિષ્ઠા આપણા દેશના શિક્ષકમાં છે અને એમનો આદર કરવો આપણી ફરજ છે. સન્માન અર્થે એક પસંદગી સમિતિ બનાવાઇ છે. આ સન્માનમાં પાંચ હજાર રૂપિયા સન્માન રાશી, ઉપનિષદનો ગ્રંથ અને સ્મૃતિ ચિહન અપાઇ છે. વિશેષ બાબત એ છે કે આ સન્માન જે તે શિક્ષકને એમની શાળાએ જઇને આપવામાં આવે છે. શિક્ષકની ગરિમાનો પુર્ણ આદર થાય તેવો પ્રયત્ન થાય છે.

ઓવર્ડ છેલ્લા ૩ વર્ષથી અપાય છે જેમાં પ્રથમ સન્માન સનવાવ પ્રાથમિક શાળાના શિક્ષક મનસુખજતી ગોસ્વામીને અર્પણ કરાયો. તેઓ પોતાની શાળામાં શાળા સમય બાદ પણ પોતાની પુરી નિષ્ઠાથી સેવા બજાવે છે એટલુ જ નહિ પરંતુ ડીજીટલ શિક્ષણની વાતો સરકારે શરૂ કરી તે પહેલાથી તેઓએ બાળકોને આધુનિક શિક્ષણ મળી રહે એ માટે કોમ્પ્યુટર શિક્ષણ શરૂ કરેલુ.

દ્વિતીય સન્માન ડમારા પ્રા.શાળામાં કાર્યરત શિક્ષક નિશીલભાઇ ઠુંમરને આપવામાં આવ્યુ. તેઓએ શાળામાં શૈક્ષણિક વિકાસ માટે ખૂબ ઉમદા કાર્યો કર્યા છે. જેમ કે ભીતો પર ચિત્રો દોરી અને શૈક્ષણિક સિધ્ધિઓ સિધ્ધ થાય એવા પ્રયત્નો કર્યા છે. ત્રીજા - ચોથા ધોરણમાંથી જ બાળક અંગ્રેજીને એક ભાષા તરીકે શીખે એવા કેળવણીના પાયાના કાર્યો એમના દ્વારા ત્યા નિર્માણ પામ્યા છે.

આ વર્ષે તૃતિય સન્માન વાવરડા પ્રા.શાળાના કેયુરીબેન અગ્રાવતને આપવામાં આવ્યુ છે. અનેક સમસ્યાઓને ઘોળી જઇને બાળકોને હિતાર્થે સતત પ્રયત્નશીલ ભાષા શિક્ષિકા છે. એમણે સહઅભ્યાસિક પ્રવૃતિઓ માટે અનેક પ્રયત્નો કરી એમની શાળામાં ટેલેન્ટને વિકાસનો માર્ગ બતાવ્યો છે. છાત્રાઓને ક્રાફટ, કવિલીંગ જેવી પ્રવૃતિ શિખવી અભ્યાસ બાદ પગભર થવામાં મદદ કરી છે. આ ઉપરાંત પોતે ભણાવતા વિષય અંગ્રેજીમાં બાળક વ્યવહાર કરતુ થાય તેવા પ્રયત્નો કરે છે. વાવરડા પ્રા.શાળામાં સંગીત વિશારદ વિપુલભાઇ પણ બાળકોમાં સંગીતના બીજ રોપે છે. એમની પાસેથી સંગીત શીખેલા બાળકો આજે સંગીત દ્વારા એમના ઘરને આર્થિક ટેકો કરી શકે એવા સક્ષમ બન્યા એવુ અદભૂત કાર્ય કરે જ છે. વાવરડા શાળાના આચાર્ય રોહિતભાઇ સોલંકી વતી એમણે આભારવિધિમાં કહ્યુ કે નાના પ્રોત્સાહન પણ શિક્ષકને શકિત પ્રદાન કરતા હોય છે.

આ સન્માન બાબતે દિનેશભાઇ ઠાકર જણાવે છે કે, શીખવાનુ વાતાવરણ બનાવે અને વિદ્યાર્થીએની નિશ્રામાં ખીલવા લાગે એ જ સાચી કેળવણી. અમારા સંતાને આવા શિક્ષકોને સન્માનીને રાષ્ટ્રનું ઋણ ચુકવવાનો પ્રયાસ કર્યો છે. પરમાણંદભાઇ જુમાણી જણાવે છે કે એક સમયે જગતગુરૂ જણાતા આ દેશમાં આજે ગુરૂને આદર આપવાની આપણી સંસ્કારીતા સમાપ્ત થતી જાય છે.

ડિવાઇન સ્કુલના ટ્રસ્ટી વિનયભાઇ પરમારે વકતવ્યમાં કહ્યુ હતુ કે, આપણી સંસ્કૃતિ અને દેશની આન, બાન અને શાન ટકાવવી હોય તો આપણા ગુરૂઓને એમાંય સરકારી શાળાના શિક્ષકો કે જે પગાર કરતા વધુ ઘસાઇને આપણા સમાજને ઉજળો કરવા મથી રહ્યા છે. એમને આદર આપતા શીખીએ. આ તકે જાયન્ટસ ગૃપના સેક્રેટરી અતુલભાઇ ભટ્ટની વિશેષ ઉપસ્થિતી રહી હતી.

(11:43 am IST)