Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

સર્વોત્તમ ડેરી દ્વારા દૂધ ખરીદ ભાવમાં કીલોફેટે રૂ. ર૦ વધારો

ભાવનગર, તા. ૧૧ : જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિ.ના ચેરમેન મહેન્દ્રભાઇ પનોતના અધ્યક્ષ સ્થાને નિયામક મંડળની મીટીંગ મળી. હાલ વધારે વરસાદને કારણે મગફળી, તલ જેવા અનેક પાકો સંપૂર્ણપણે નિષ્ફળ જવાથી તથા ઘાસચારો બગડી જવાથી ખેડૂતો અને પશુપાલકો ખૂબ જ મુશ્કેલીમાં છે. ત્યારે ખેડૂતો અને પશુપાલકોની જીવાદોરી સમાન આધારસ્તંભરૂપ દૂધના વ્યવસાયમાં પૂરેપુરૂ વળતર મળે અને ખેતીમાં થયેલ નુકશાન સરભર થાય તેવા શુભ આશયથી દૂધના ખરીદ ભાવ અંગે ચર્ચા કરતા હાલ જે ૬૮પ કિલોફેટ ચૂકવાય રહ્યા છે તેમાં રૂ. ર૦ વધારો કરી તા. ૧૧થી અમલમાં આવે તે રીતે ખરીદભાવ રૂ. ૭૦પ કરવામાં આવેલ છે.

કોરોના વાઇરસ મહામારી આજે વિશવના મોટા ભાગના દેશોમાં આતંક ફેલાવી રહી છે. આપણો દેશ પણ હાલ આ મહામારીનો સામનો કરી રહ્યો છે. આવા મહામારીના તથા કપરા સમયે સામાન્ય રીતે દૂધ અને દૂધની બનાવટોની ખપત ખૂબ જ ઓછી હોવા છતાં દૂધ ઉત્પાકોને આર્થિક વળતર વધારે મળે તેવા શુભ આશયથી પ્રતિકિલો ફેટે રૂ. ર૦ વધારો કરવામાં આવેલ છે.

દૂધના ખરીદ ભાવ વધારવાની સાથોસાથ તા. ૧-૯-ર૦ર૦થી સર્વોત્તમ દાણના પ્રતિ પ૦ કિલોની બોરીએ રૂ. ૯૦૦ હતાં જેમાં રૂ. ૧૦૦નો ઘટાડો કરેલ છે. જેથી સર્વોત્તમદાણ રૂ. ૮૦૦માં મળવાથી દૂધ ઉત્પાદકોને ખૂબ જ ફાયદો થનાર છે.

(11:39 am IST)