Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

સાત પગલાં ખેડૂત કલ્યાણ અંતર્ગત મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રકચર યોજના અને કિસાન પરિવહન યોજનાઃ સાયલા અને વઢવાણમાં શુભારંભ કાર્યક્રમ યોજાયો

(વિજય વસાણી દ્વારા) આટકોટ, તા.૧૧: સાત પગલા ખેડૂત કલ્યાણ અંતર્ગત મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રકચર યોજના અને કિસાન પરિવહન યોજનાનો શુભારંભ કાર્યક્રમ સાયલા અને વઢવાણ ખાતે મંત્રીશ્રી કુંવરજીભાઈ બાવળીયા સાહેબની ઉપસ્થિતિમાં યોજાયો હતો.

 આ પ્રસંગે મંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, ખેડુતો આર્થિક રીતે પગભર બને તે માટે રાજય સરકારે ખેડૂતલક્ષી અનેકવિધ યોજનાઓ અમલી બનાવી છે. આ યોજનાઓ થકી ગુજરાતની ખેતી અને ખેડુત સમૃદ્ઘ બની રહ્યાં છે. રાજય સરકાર સાત પગલા ખેડુત કલ્યાણના અંતર્ગત કૃષિ વિભાગની જૂદી જૂદી સાત યોજનાઓને સાંકળીને 'સાત પગલા ખેડુત કલ્યાણના' સુત્રને સાચા અર્થમાં સાકાર કરવાની દિશામાં મક્કમતાથી આગળ વધી રહી છે.

વધુમાં તેમણે સાત પગલા ખેડુત કલ્યાણના અંતર્ગત મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રકચર યોજના અને કિસાન પરિવહન યોજનાનો આજે શુભારંભ કરવામાં આવ્યો છે તેમ જણાવી મુખ્યમંત્રી પાક સંગ્રહ સ્ટ્રકચર યોજના અન્વયે ખેડુતોને લણણી પછી ખેત પેદાશોમાં વરસાદ – વાવાઝોડુ જેવી કુદરતી આફત સામે રક્ષણ મળી રહે તે માટે ગોડાઉન બનાવવા માટે રૂપિયા ૩૦,૦૦૦ ની સહાય આપવામાં આવશે. તેમજ મુખ્યમંત્રી કિસાન પરિવહન યોજના અન્વયે ખેડુત પોતાના પાક ખેતરથી દ્યર અથવા બજાર સહેલાઈથી લઈ જઈ શકે તે માટે તેને મીડિયમ સાઈઝના ગુડ કેરેજ વાહનની ખરીદી માટે રૂપિયા ૫૦ હજારથી ૭૫ હજારની સહાય આપવામાં આવશે તેમ પણ ઉમેર્યુ હતું.

 આ તકે પૂર્વ મંત્રી કિરીટસિંહ રાણા ચેરમેન ગૌતમભાઈ ગેડિયા અને જિલ્લા પંચાયતના પ્રમુખ કલ્પનાબેન ધોરિયાએ પ્રાસંગિક ઉદબોધન કરી રાજય સરકારની વિવિધ ખેડુતલક્ષી યોજનાઓનો લાભ લેવા ખેડુતોને અનુરોધ કર્યો હતો. આ ઉપરાંત મંત્રીશ્રી તેમજ મહાનુભાવોના હસ્તે લાભાર્થી ખેડુતોને યોજનાના મંજૂરી પત્રો/હુકમોનું વિતરણ કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે સ્વાગત પ્રવચન જિલ્લા ખેતીવાડી અધિકારી એચ.ડી.વાદીએ કર્યુ હતું. તેમજ આભારવિધી મદદનીશ ખેતી નિયામક વાય.એમ.બારડે કરી હતી.

આ પ્રસંગે જિલ્લા વિકાસ અધિકારી એસ.કે.હુડ્ડા, મામલતદારશ્રી, તાલુકા વિકાસ અધિકારીશ્રી, લાલજી મહારાજ જગ્યા – સાયલાના મહંત અમરદાસજી મહારાજ અગ્રણી ભરતભાઈ સોનાગ્રા, સુનિલભાઈ ધાંધલ, જીલુભાઈ ખાવડ, કાળુભાઈ, મુકેશભાઈ અને નાગરભાઈ સહિત ઉપસ્થિત રહ્યાં હતા.

(11:36 am IST)