Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

તળાજા પાલિકામાં સત્તા કોંગ્રેસ પાસે, તમામ સમિતિઓ ભાજપ પાસે

નવો ઇતિહાસ રચાયો : બહૂચર્ચિત લાતીનો દસ્તાવેજ રદ્દ થયો : ખાડાઓનું બિલ નામંજૂર

(મેઘના વિપુલ હિરાણી દ્વારા) ભાવનગર તા. ૧૧ : તળાજા નગરપાલિકાના ઇતિહાસ માં ભૂતકાળ માં કદી ન થયુ હોય તેવું આજે થયુ. ગત તા. ૨૪ ના રોજ ભાજપના બે સભ્યો કોંગ્રેસસાથે હાથ મિલાવતા ભાજપ પાસેથી સત્તા છીનવાઈ ગઈ હતી. જે માત્ર સોળજ દિવસમાં મળેલ એક સાધારણ સભા અને બીજી ખાસ સાધારણ સભામા ફરીને ભાજપમાંથી કોંગ્રેસમાં ગયેલા મહિલા સભ્ય લાડૂબેનને પરત લાવવામાં સફળ રહેતા ભાજપ બહુમત સભ્યોના જોરે ધાર્યું કરવામાં સફળ રહ્યો.

કોંગ્રેસમાં ગયેલા બે સભ્યોને મનાવી લીધા

તળાજામાં ચર્ચાનો વિષય હતોકે નગરપાલિકામાં માત્ર સોળ દિવસના શાસનમાં જ સત્તા પરિવર્તન લાવવામાં ભાજપ સફળ રહેશે. ઇંટનો પથ્થરથી જવાબ આપશે.આ વાતો વચ્ચે કોમ્યૂનિટી હોલ બહાર સામાન્ય સભા મળે તે સમયે ફિલ્મ દ્રશ્યો જોવા મળેલ. સભા સ્થળની બહાર ખાસ કરીને બંન્ને પક્ષના સમર્થક યુવકો મોટી સંખ્યામાં હાજર હતા. ભાજપે પ્રમુખની ચૂંટણી વખતે કરેલી ભૂલમાંથી બોધ પાઠ લઈ ગઈકાલે જ કોંગ્રેસના ખેમામાં ભળી ગયેલા લાડૂબેન રાઠોડને મનાવી લઈ ૧૪ સભ્યોને ગોપનાથ લઈ જવામાં આવેલ હતા. જે સામાન્ય સભાના સ્થળે ભાજપના નગરસેવકો અને સમર્થકો ફોરવહીલોના કાફલા સાથે આવ્યા હતા. એક તરફ પોલીસ બંદોબસ્ત, બીજી તરફ લોકોના ટોળા અને ત્રીજી તરફ ભાજપ પક્ષે ફોરવહીલોનો કાફલો ફિલ્મી દ્રશ્યોથી કઈ ઓછા ન હતા.

ફિલ્મ જેવા દ્રશ્યો સર્જાયા

અઠયાવીશ સભ્યોમાંથી છવીસ સભ્યો હાજર હતા. જેમાં પ્રમુખની ચૂંટણી સમયે ભાજપને રામરામ કરી ગયેલા લાડૂબેને ફરી ઘર વાપસીકરતા અને ભાજપના હોમ કોરોન્ટાઈન થયેલ આરઝુંબેન ભૂરાણી પીપીઈ કીટ પહેરીને હાજર રહેતા ભાજપ તરફે ચૌદ અને કોંગ્રેસ તરફે બાર સભ્યો રહ્યા હતા.

મોટાભાગના મુદાઓમાં સત્તા સ્થાને બેસેલ પ્રમુખ અને તેની કોંગ્રેસની ટીમનો વિરોધ છતાંય ભાજપ પાસે બહુમત સભ્ય હોય મતદાન કરાવી ભાજપે બહુમતી ના જોરે ઠરાવો મંજુર ના મંજુર કરાવ્યા હતા.જેમાં પ્રમુખ વિનુભાઈ વેગડ એ સત્તા સાંભળ્યા બાદ ખરાબ રસ્તાની મરામત માટે ભાડે કરવામાં આવેલ વાહનો અને કપચીનું સાઈઠ હજારનું બિલ પણ નામંજૂર કરવામાં આવ્યું હતું.

મુદ્દાઓની ચર્ચામાં વિનુભાઈ વેગડ અને મુસ્તાકભાઈ મેમન એ બ્લોક પેવિંગના કામો નબળા થયા છે.બ્લોક પેવિંગના કામો થવા જ ન જોઈએ તે વાતપર ભાર મુકયો હતો. બહુ ચર્ચિત લાતી પ્રકરણ નો મુદ્દો દસ્તાવેજ રદ કરવાના મામલે સર્વ સહમતી રચાઈ હતી. તે માટે કાનૂની પ્રક્રિયા માટેની મંજુરી આપવામાં આવી હતી.

કારોબારી સહિત આઠ સમિતિઓની રચનામા પણ મતદાન થયું હતું. જેમાં ભાજપે બહુમતીના જોરે તમામ સમિતિઓ પોતાના હસ્તગત કરી લેતા પ્રમુખની હાલત શોલે ફિલ્મના ઠાકુર જેવી થઈ હતી. સત્ત્।ા આપી પણ સમિતિઓ છીનવીને કાંડા કાપી લીધા ના વાકય સાંભળવા મળ્યા હતા.

કારોબારી ચેરમેન તરીકે ચેતનાબા વાળા

આઠ સમિતિઓ માં મહિલાઓનો દબદબો રહ્યો હતો.કારોબારી સમિતિના ચેરમેન તરીકે ચેતનાબા ધર્મેન્દ્રસિંહ વાળા, બાંધકામમાં આરઝુંબેન ભૂરાણી, પાણીમાં ગીતાબેન સગર, સફાઈમાં ઇન્દ્રજીતસિંહ વાળા,વીજળી મા લાડૂબેન રાઠોડ, વાહનમાં પ્રદીપસિંહ ગોહિલ, આરોગ્યમાં જયોત્સનાબેન સરવૈયા, મનોરંજનમાં રમાબેન ડાભીનો કોંગ્રેસ સામે બે મતોથી વિજય થયો હતો.

નદીમાં એકપણ વખત જેસીબી ચાલ્યુ નથી

બિલો મંજુર કરવાની ગરમ ગરમ ચર્ચા આક્ષેપો પ્રતિ આક્ષેપો વચ્ચે તળાજી નદીમાં જેસીબી ચલાવવામાં આવેલ હોવાનો કોંગ્રેસ એ ખોટી વાત ગણાવી હતી. કોંગ્રેસના નદી કાંઠે આવેલ ગઢમાં રહેતા કલ્પનાબા વાળાએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતુંકે સફાઈ માટે એકપણ વખત જેસીબી ચાલેલ નથી.

મારા કામો થશેની ખાતરી મળતા ફરી ભાજપમાં આવી

ભાજપમાં ઘર વાપસી કરનાર લાડૂબેન રાઠોડ એ કોંગ્રેસમાં જવાનું કારણ પોતાના વિસ્તારના કામો થતા ન હતાનું જણાવ્યું હતું. ઘર વાપસીનું કારણ મારા વિસ્તારના કામો થવાની ખાતરી મળી હોવાનું જણાવ્યું.

પાર્ટીએ જવાબદારી સોંપતા ઇટનો જવાબ પથ્થરથી આપ્યો

શહેર ભાજપ યુવા મોરચાના પ્રમુખ અને નગરસેવક આઈ.કે વાળાએ જણાવ્યું હતું કે પાર્ટીએ જવાબદારી સોંપતા સ્થાનિક આગેવાનો, કાર્યકરો સાથે સતત મીટીંગો કરી કોંગ્રેસ પાસેથી તમામ સમિતિઓ કેમ છીંનવી લેવી તે જ આયોજન કરેલ. જેને લઈ આજે ઇંટનો જવાબ પથ્થરથી આપ્યો છે. હજુ આવનાર દિવસોમાં પણ સમીકરણો વધુ ભાજપ તરફી રહેશે.

(2:38 pm IST)