Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

કચ્છના અંજારમાં સોશ્યલ મીડીયા થકી ફ્રેન્ડશીપ કર્યા બાદ યુવતીની બોયફ્રેન્ડ વિરુદ્ઘ કરી બળાત્કારની ફરિયાદ

કેફી પીણું પીવડાવી બિભત્સ ફોટા પાડી દુષ્કર્મ, યુવતીની અન્યત્ર સગાઈ થતાં બોયફ્રેન્ડે ભાવિ પતિ પાસે સંબંધોનો ઘટસ્ફોટ કરતાં ફરિયાદ

(વિનોદ ગાલા દ્વારા) ભુજ,તા.૧૧ : વર્તમાન પેઢીએ હવે એ સમજવાની જરૂર છે કે, આજના ડિજિટલ યુગમાં સોશ્યલ મીડીયા પ્લેટફોર્મ ઉપર થતી ફ્રેન્ડશીપ દરમ્યાન યુવાવર્ગમાં લેવાતી શારીરિક છૂટછાટો સાથેનું ફ્રી વર્તન મુશ્કેલીમાં મૂકી શકે છે.

અંજારના મેઘપર કુંભારડીની ૨૫ વર્ષની યુવતી અને ભુજના ભુજોડી ગામના યુવાન નિલેશ ડાહ્યાલાલ કુડેચા વચ્ચે સોશ્યલ મીડીયા થકી ફ્રેન્ડશીપ થઈ. ગર્લફ્રેન્ડ અને બોયફ્રેન્ડ બનેલા આ યુવા હૈયાઓ ગાંધીધામ એકિસસ બેંક પાસે મળ્યા હતા.

ત્યાર બાદ આ યુવાને પોતાની ઉપર બળાત્કાર ગુજાર્યો હોવાની કેફિયત પીડીત યુવતીએ લખાવી છે. જે અનુસાર કારમાં આવેલા નિલેશે તેણીને ઠંડુ કેફી પીણું પીવડાવી કારમાં બેસાડી ફાયર સ્ટેશન પાસે લઈ જઈ તેણીની ઉપર દુષ્કર્મ આચર્યું હતું. યુવાન નિલેશે પોતાની આ ગર્લફ્રેન્ડના બિભત્સ ફોટાઓ પણ પાડી લીધા હતા.

દરમ્યાન આ યુવતીની અન્યત્ર સગાઈ થઈ હતી. યુવતીના ભાવિ ભરથાર એવા યુવાન પાસે જઈને નિલેશે પોતાના તેની થનાર પત્ની સાથે સંબંધો હોવાનું જણાવ્યું હતું. જે હકીકત જાણી યુવાને સગાઈ તોડી નાખી હતી. આ બનાવ બાદ યુવતીએ નિલેશ વિરુદ્ઘ પોલીસ ફરિયાદ કરી છે.

(11:51 am IST)