Gujarati News

Gujarati News

News of Friday, 11th September 2020

અંજાર પાસે દોઢ કરોડના પિસ્તા ભરેલી ટ્રકની બંદૂકની અણીએ લૂંટ

મુંદ્રા પોર્ટથી નવી મુંબઇ જતી ૨૫ ટન પિસ્તા ભરેલી ટ્રકનું અપહરણ ડ્રાઇવરને મારમારી ફેંકી દીધો : ટ્રક રેઢી મૂકી પિસ્તા લૂંટી નાસી છૂટયા

(વિનોદ ગાલા દ્વારા) ભુજ તા. ૧૧ : ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા કડક કરવાની સરકારની જાહેરાતો વચ્ચે સરહદી કચ્છ જિલ્લામાં અસામાજિક તત્વો બેલગામ બની રહ્યા છે. નાના નાના ગુનાઓની સાથે હવે મોટા ગુનાઓ પણ ખાખીની બીક વગર બેખોફ પણે વધી રહ્યા છે.

ગઈકાલે મુન્દ્રા અદાણી પોર્ટથી નવી મુંબઈ વાશી જઈ રહેલો દોઢ કરોડના પિસ્તા ભરેલો ટ્રક લૂંટાતા ચકચાર મચી ગઇ છે. આ અંગે ગાંધીધામની વીઆરસી લોજીસ્ટિક ટ્રાન્સપોર્ટ કંપનીના ટ્રકના ચાલક અને ફરિયાદી લવકુશ રામસિંહ નિશાધના જણાવ્યા પ્રમાણે તે ટ્રક નંબર એચઆર-૬૭-બી-૯૯૯૧ માં મુન્દ્રા પોર્ટના સૌરાષ્ટ્ર સીએફએસમાંથી ૨૫ ટન પિસ્તા (કી.રૂ. ૧ કરોડ ૪૪ લાખ ૨૭ હજાર ૩૩૬) સાથે નવી મુંબઈ જવા નીકળ્યો હતો.

ત્યારે ગઈકાલે રાત્રે ૮ વાગ્યાના અરસામાં અંજાર ગાંધીધામ નેશનલ હાઇવે ઉપર મેઘપર બોરીચીના હુંડાઈ કંપનીના શો રૂમ નજીક ઓવરબ્રિજ પાસે પહોચ્યો ત્યારે સફેદ રંગની કારે તેનો રસ્તો રોકયો હતો. કારમાંથી ઉતરેલા એક શખ્સે તેના પેટ પર બંદૂક જેવું હથિયાર મૂકયું અને બીજા બે શખ્સોએ તેને માર મારી ટ્રકમાંથી નીચે ઉતારી મોબાઈલ તેમ જ ટ્રકની ચાવી લૂંટી લીધી હતી.

ત્યારબાદ ટ્રક ચાલક લવકુશની આંખ પર પટ્ટી બાંધી કારમાં બેસાડી આગળ ખેડોઈ ગામ પાસે હાઇવે ઉપર સૂર્યા કંપની નજીક કારમાંથી તેને ફેંકી નાસી છૂટ્યા હતા. દરમ્યાન લૂંટાયેલી ટ્રક આગળ મીઠી રોહર ગામ પાસેથી રેઢી મળી આવી હતી જોકે, પિસ્તાનો જથ્થો લૂંટીને લૂંટારુઓ ફરાર થઈ ગયા હતા.

દરમ્યાન ટ્રક ચાલકે અન્ય ટ્રક ચાલકોની મદદ લઈને પોતાના ટ્રાન્સપોર્ટ કંપનીના મેનેજર અને અન્યોને લૂંટની આ ઘટના અંગે જાણ કરી હતી. જેને પગલે પૂર્વ કચ્છ પોલીસ દોડતી થઈ છે. લૂંટારૂઓ ચાર હોવાનું અને ૨૫ થી ૩૦ વર્ષની વયના મધ્યમ બાંધાના જયારે એક મજબૂત બાંધાનો હોવાનું લૂંટાયેલા ટ્રક ચાલકે જણાવ્યું છે.

(11:16 am IST)