Gujarati News

Gujarati News

News of Tuesday, 11th August 2020

શનીવારથી પૂ. મોરારીબાપુની ચોથી ઓનલાઇન શ્રીરામ કથાઃ સેંજળ ધામમાં આયોજન

કોરોના મહામારીના કારણે ભાવીકોને રૂબરૂ ન આવવા અપીલ

ભાવનગર-કુંઢેલી, તા., ૧૧: કોરોનાના કહેરની સામે સાધુ પુરુષ ની મહેર રૂપે પૂજય મોરારી બાપુ દ્વારા પોતાના કુલ કથા ક્રમની ૮૪૭મી રામકથાનું ગાન સેંજળ ધામ ખાતેના આશ્રમથી પરમ પૂજય ધ્યાન સ્વામી બાપાની ચેતન સમાધિનાં સાનિધ્યમાં સ્થિત ધ્યાન વટની સાક્ષીએ આરંભાશે.

ઉલ્લેખનીય છે કે સેંજળ ધામ ખાતે ગવાનારી આ ત્રીજી રામકથા છે. અહીંની પ્રથમ કથા ૨૬/૯/૯૦ થી માનસ રાધા શિર્ષક અંતર્ગત અને બીજી કથા ૨૩/૨/૯૯ થી માનસ ધ્યાન સમાધિ શિર્ષક અંતર્ગત ગવાઇ હતી.

શ્રોતાઓ આસ્થા ચેનલ પરથી તેમજ સંગીતની દુનિયા અને ચિત્રકૂટ ધામની youtube ચેનલ પરથી લાઈવ સાંભળી શકશે. તારીખ ૧૫ મી ઓગસ્ટ થી ૨૩મી ઓગસ્ટ દરમિયાન સવારના સાડા નવથી કથા શ્રવણનો પરોક્ષ લાભ વ્યાસપીઠના વિશ્વભરના શ્રોતાઓ ટીવી ચેનલ પરથી અને ઓનલાઇન પામી શકશે. પૂજય બાપુ દ્વારા કરવામાં આવેલી આ સુખદ ઘોષણાથી વ્યાસવાટિકાના શ્રોતાઓ હર્ષિત બન્યા છે. પૂ.મોરારીબાપુની આ ચોથી ઓનલાઇન શ્રીરામ કથા છે. કોરોનાની મહામારીના કારણે લોકોને ઓનલાઇન અથવા ટીવી ઉપર શ્રી રામકથાનું રસપાન કરવા રૂબરૂ ન આવવા અપીલ કરાઇ છે.

(3:41 pm IST)