Gujarati News

Gujarati News

News of Tuesday, 11th August 2020

હળવદના રણમલપુર નજીકથી પસાર થતી નર્મદા કેનાલ ઉપર ઓપનવેલ પંપની ચોરી કરનાર હકો દલવાડી ઝડપાયો

હળવદ,તા. ૧૧: ખેડૂતો પોતાના ખેતર સુધી પાણી લઈ જવા માટે નર્મદા કેનાલ પર મશીન અથવા તો ઓપનવેલ પંપ(ડેટકા) મુકતા હોય છે જોકે ઘણી વખત કોઈ અજાણ્યા શખ્શો ખેડૂતોએ નર્મદા કેનાલ પર મુકેલા પંપની ચોરી થવાના પણ બનાવો બનતા હોય છે ત્યારે આવોજ એક બનાવ હળવદના ગ્રામ્ય વિસ્તારમાં બનવા પામ્યો હતો.

આ અંગેની હળવદ પોલીસ મથકેથી જાણવા મળતી માહિતી મુજબ હળવદ તાલુકાના રણમલપુર ગામે રહેતા રજનીકાંતભાઈ મકનભાઈ વરમોરા એ હળવદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી કે અમારા ગામ પાસેથી પસાર થતી નર્મદા કેનાલ પરથી જી.જે-૧૩-એસ.એસ.૬૦૧૧નો ચાલક નર્મદા કેનાલ માં પાણી ખેંચવા માટે મુકેલા ઓપનવેલ પંપ (દેટકા)ની ચોરી કરી નાસી ગયો છે.

જેથી હળવદ પોલીસે આ અંગે ગુનો નોંધી તપાસ હાથ ધરી હતી.ઙ્ગ દરમિયાન હળવદ પોલીસના સર્વેલન્સ સ્કવોર્ડ ના દેવુભા ઝાલા, ગંભીરસિંહ ચૌહાણ, જયપાલસિંહ,મુમાભાઈ કલોત્રા,યોગેશદાન ગઢવી સહિતનાઓ દ્વારા રણમલપુર ગામની સીમ વિસ્તારમાંથી ઓપનવેલ પંપ(ડેટકા)નીચોરી કરનાર શખ્સ હકાભાઇ અંબારામભાઈ દલવાડી રહે રાવળીયાવદર તા.ધાંગધ્રા વાળાને ઝડપી લીધો હતો. પોલીસ દ્વારા ઝડપાયેલો શખ્સ પાસેથી સાત ઓપનવેલ પંપ(ડેટકા) સહિત રૂપિયા ૧૪,૦૦૦ નો મુદ્દામાલ કબજે લીધો હતો.

હાલ પોલીસ દ્વારા એ પણ તપાસ ચલાવવામાં આવી રહી છે કે ઝડપાયેલ શખ્સ કેટલા સમયથી ચોરીના ગુના આચરતો હતો સાથે જ અન્ય કયાં કયાં ચોરીના ગુનામાં સંડોવાયેલો છે..? તેમ સહિતની ઝીણવટ ભરી તપાસ હાલ પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહી છે.

(11:50 am IST)