Gujarati News

Gujarati News

News of Tuesday, 11th August 2020

કુચિયાદળના લાલજી ઉર્ફ લવજીને સાતડાના તળાવ પાસે આંતરી ધારીયાનો ઘા ઝીંકાયો

જુની અદાવતનો ખાર રાખી અશોક, વનરાજ અને અજાણ્યાએ હુમલો કરી ધમકી દીધી

રાજકોટ તા. ૧૧: કુચીયાદળના કોળી યુવાનને સાતડા ગામના તળાવ પાસે ત્રણ શખ્સોએ આંતરી જુની અદાવતનો ખાર રાખી કોળી યુવાનને ધારીયાનો ઘા ઝીંકી દઇ મારી નાંખવાની ધમકી અપાતાં ફરિયાદ થઇ છે.

બનાવ અંગે કુવાડવા પોલીસે કુચીયાદળમાં રહેતાં મજૂરી કરી ગુજરાન ચાલવતાં લાલજી ઉર્ફ લવજી બાબુભાઇ ચોૈહાણ (કોળી) (ઉ.વ.૨૪)ની ફરિયાદ પરથી અશોક ગોરધનભાઇ જાડા, વનરાજ મુકેશભાઇ જાડા તથા અજાણ્યા સામે ગુનો નોંધ્યો છે.

લાલજી ઉર્ફ લવજીના કહેવા મુજબ હું અંગત કામે સંબંધીને મળવા માટે સાતડા ગામે ગયો હતો. ત્યાં મિત્રો વિજય મકવાણા અને પ્રકાશ ધોરીયા મળ્યા હતાં. કામ પુરૂ થયા બાદ અમે ત્રણેય મિત્રો ઘરે જવા નીકળતાં સાતડા ગામના તળાવ પાસે પહોંચ્યા ત્યારે અશોક, મુકેશ અને અજાણ્યા શખ્સે મારું અને વિજયનું બાઇક અટકાવ્યું હતું અને 'તમે કેમ અવાર-નવાર અમારી સાથે ઝઘડો કરવા આવો છો? બે વર્ષ પહેલા પણ ઝઘડો કર્યો હતો' તેમ કહેતાં અમે તેને સમજાવા પ્રયાસ કરતાં અશોકે ઉશ્કેરાઇ જઇ ધારીયાથી મને ડાબા પગે માર તાં હું પડી ગયો હતો. બીજા બે જણાએ ઢીકા-પાટુ માર્યા હતાં.

દેકારો થતાં લોકો ભેગા થઇ ગયા હતાં અને મિત્રોએ મને બચાવ્યો હતો. અશોકે જતાં જતાં મારી નાંખવાની ધમકી પણ આપી હતી. મને સારવાર માટે ૧૦૮ મારફત સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. બે વર્ષ પહેલા મારે અને અશોકને ઝઘડો થયો હોઇ તેની અદાવતનો ખાર રાખી હુમલો કરાયો હતો. પીએસઆઇ આર. કે. રાઠોડે વધુ તપાસ હાથ ધરી છે.

(11:38 am IST)