Gujarati News

Gujarati News

News of Saturday, 11th July 2020

ભગવાન દ્વારકાધીશની જય બોલીને ધસમસતા પાણીમાં એસ.ટી. બસ ચલાવનાર જામનગર એસ.ટી. ડેપોની કૃષ્‍ણનગર-દ્વારકા રૂટની બસના ડ્રાઇવર-કંડકટર સસ્‍પેન્‍ડ

જામનગરઃ સતત બે દિવસથી સૌરાષ્ટ્રમાં વરસી રહેલ ધોધમાર વરસાદથી ચારે બાજુ જળબંબાકાર જેવી પરિસ્થિતિ સર્જાઇ ગઇ છે. અનેક ડેમો પણ છલકાઇ ગયા છે. ત્યારે એવામાં જામનગર જિલ્લામાં પણ બે દિવસથી સતત વરસતા મેઘમહેર વચ્ચે નદી, નાળા અને ડેમો ઓવરફલો થઇ જતાં લોકોમાં આનંદ છવાઇ ગયો હતો. એવામાં મંગળવારનાં રોજ જામનગર એસ.ટી. ડેપોમાંથી કૃષ્ણનગર-દ્વારકા રૂટની એક બસ વધારે પાણીમાં ચલાવતા ડ્રાઇવરનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં ડ્રાઇવર-કંડક્ટરને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે.

તમને જણાવી દઇએ કે કૃષ્ણનગર-દ્વારકા રૂટની એક બસ દ્વારકા તરફ જઇ રહી હતી ત્યારે ભારે વરસાદને કારણે બેડ નજીકનાં પુલ પર પાણીનાં ઘસમસતા પ્રવાહ વચ્ચેથી બસનાં ડ્રાઇવરે બસ પસાર કરી હતી. જેનો વીડિયો હાલમાં વાયરલ થઇ રહ્યો છે. વીડિયો વાયરલ થતા બસ ડ્રાઇવર અને કંડક્ટર વિરૂદ્ધ વિભાગીય નિયામક હરકતમાં આવ્યાં હતાં અને આ બન્ને કર્મચારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે. ડ્રાઇવર અને કંડક્ટર બંનેને સસ્પેન્ડ કરાતા એસ.ટી વર્તુળમાં ભારે ચકચાર મચી ગઇ છે.

વીડિયોમાં આપ જોઇ શકશો કે ડ્રાઇવર-કંડક્ટરે દ્વારકાધીશની જય બોલાવીને ST બસને પાણીમાંથી જોખમી રીતે બહાર નીકાળી હતી. એસ.ટી. વિભાગનાં સૂત્રનું એમ કહેવું છે કે, “મંગળવારનાં ભારે વરસાદ વચ્ચે દ્વારકા ડેપોની બસ બેડ પાસેનાં પુલ પરથી ધસમસતા પાણીનાં પ્રવાહ વચ્ચેથી ફિલ્મી સ્ટાઇલમાં ડ્રાઇવર અને કન્ડકર દ્વારા પસાર કરવામાં આવતા મુસાફરોનાં જીવ તાળવે ચોટી ગયા હતાં.

તેમનો આ વિડીયો વાયરલ થતાં એસ.ટી. વિભાગનાં વિભાગીય નિયામક એમ.બી. રાવલ હરકતમાં આવતા ડ્રાઇવર વાસુદેવ વાઘેલા અને કંડક્ટર અમરશી સોંદરવાને સસ્પેન્ડ કરી દીધાં છે. જેથી સમગ્ર એસ ટી વર્તુળનાં કર્મચારીઓમાં ભારે અફડા તફડી મચી ગઇ હતી. આમ, ડેપો દ્વારા સાવચેતી અંગેની સુચના આપવામાં આવતી હોવા છતાં તેઓએ મુસાફરોનાં જીવ જોખમે નાખી એસ.ટી. વિભાગની પ્રતિષ્ઠાને ઝાંખપ પહોચાડતા તેઓને તાત્કાલિક સસ્પેન્ડ કરવામાં આવ્યાં છે.

(5:18 pm IST)