Gujarati News

Gujarati News

News of Wednesday, 11th July 2018

જુનાગઢ, માણાવદર, વંથલી વિસ્તારમાં ધીમી ધારે વરસાદ : ત્રીજા દિવસે પણ મેઘમહેરથી લોકો ખુશ

જુનાગઢ, તા. ૧૧ : સવારથી જુનાગઢ, માણાવદર અને વંથલી વિસ્તારમાં ધીમી ધારે મેઘો મંડાયો છે. સોરઠમાં ત્રીજા દિવસે પણ મેઘ મહેરથી લોકોમાં ખુશી છવાઇ ગઇ છે.

સોમવારથી મધરાતથી જુનાગઢ શહેર અને જિલ્લામાં મેઘાનું આગમન થયેલ. છેલ્લા ર૪ કલાક દરમ્યાન માળીયા હાટીના વિસ્તારમાં ૬૬ મીમી વરસાદ નોંધાયો હતો.

જયારે કેશોદમાં ૧પ, માણાવદર-૬, મેંદરડા-૧૩ અને વિસાવદર ખાતે ૧૧ મીમી વરસાદ થયો હતો.

આજે પણ ત્રીજા દિવસે પણ સોરઠમાં જ મેઘાએ મૂકામ કર્યો છે. ગઇકાલે જુનાગઢમાં ૧૪ મીમી વરસાદ નોંધાયા બાદ આજે પણ સવારથી જ મેઘાએ ધીમી ધારે હેત વરસાવાનું ચાલુ રાખ્યું છે.

માણાવદર પંથકમાં સવારે ફરીથી મેઘાએ એન્ટ્રી મારી હતી. સવારના પ્રારંભિક બે કલાકમાં વધુ પાંચ મીમી વરસાદ નોંધાયો હતો. મેઘ મહેર યથાવત રહેતા ધરતીપુત્રો ખુશખુશાલ થઇ ગયા છે.

આ જ પ્રમાણે વંથલી અને તેની આસપાસના વિસ્તારોમાં મેઘકૃપા થઇ છે અને સવારે વધુ બે મીમી પાણી પડયાનું નોંધાયું હતું. સોરઠના અન્ય વિસ્તારમાં હળવાથી ભારે વરસાદના ઝાપટા હોવાના સમાચાર છે.

જુનાગઢના ગિરનાર વિસ્તારમાં રાત્રે ધીમી ધારે વરસાદ હતો.

આજે પણ સવારે છુટોછવાયો વરસાદ હોવાનું વન વિભાગના સૂત્રોએ જણાવ્યું હતું. (૮.૭)

(12:01 pm IST)