Gujarati News

Gujarati News

News of Wednesday, 11th May 2022

૧૪ વર્ષના કિશોરના નાકમાથી મગજ સુધી ફેલાયેલી લોહીની ગાંઠ ૭ કલાકની જહેમત બાદ દૂર કરાઈ

કિશોર વયમાં થતી ગાંઠથી સાવધાન, ભુજની જી.કે. જન.અદાણી હોસ્પિ.ના ઈએનટી અને એનેસ્થેસિયા વિભાગની વધુ એક સિધ્ધી

 (વિનોદ ગાલા દ્વારા)ભુજ તા.૧૧

જે ઓપરેશન અમદાવાદ જેવી મોટી હોસ્પિટલમાં ઇ.એન.ટી. સાથે ન્યૂરોસર્જનની ટીમને સાથે રાખીને કરાતું હોય છે. એવા જોખમી એન્જીઑફિબ્રોમા(નાકમાં લોહીની ગાંઠ)ની શસ્ત્રક્રિયા અદાણી સંચાલિત જી.કે. જનરલ હોસ્પિટલની ઇ.એન.ટી ટીમે સતત સાત કલાકની જહેમત લઈને કિશોરના નાકમાથી દૂર કરી વધુ એક સિધ્ધી હાંસલ કરી છે. 

    આ ગાંઠ એટલી ખતરનાક હતી કે, નાક અને મગજને જોડતા પડદાને ચીરીને મગજ સુધી પ્રસરી ગઈ હતી. 

    જી.કે. જનરલ હોસ્પિટલના ચીફ મેડિકલ સુપ્રિ. અને ઇ.એન.ટી વિભાગના વડા ડો. નરેન્દ્ર હિરાણી કહ્યું કે, નખત્રાણા તાલુકાનાં દેશલપર(ગુંતલી) ગામના ૧૪ વર્ષના જાકબના નાકમાથી અવારનવાર લોહી પડવાની ફરિયાદ સાથે જી.કે.માં દાખલ થયો. ઇ.એન.ટીની ટીમ કેસની ગંભીરતા પામી જઇ સિટીસ્કેન કરાવતા નાકમાં લોહીની ગાંઠ જણાઈ જે મગજ સુધી ફેલાઈ ગઈ હતી. એવામાં જો ઓપરેશન ન થાય તો લોહી વહી જાય અને જીભ ઉપર ખતરો મંડરાઈ શકે. 

    આ હકીકતને ધ્યાનમાં લઈ ઇ.એન.ટી વિભાગે કોઈપણ વાઢકાપ(ઓપન સર્જરી)ને બદલે દૂરબીનથી(એન્ડોસ્કોપિક)શસ્ત્રક્રિયા કરવાનું નક્કી કર્યું. જે અવિરત સાત કલાક સુધી ચાલ્યું અને ગાંઠને દૂર કરી દેવામાં આવી. ત્યારપછી જરૂરી સારવાર કરવાથી નાકમાથી લોહી પડવાનું બંધ થયું. અને કિશોરની જિંદગી સામાન્ય થઈ ગઈ. આ ઓપરેશનમાં કાન,નાક,ગળાના ડોકટર અને અદાણી મેડિકલ કોલેજના ડો. રશ્મિ સોરઠિયા, રેસિ. ડો. રોનક બોડાત વિગેરેએ જોડાઈ ઓપરેશન સફળ બનાવ્યું હતું. આ શસ્ત્રક્રિયામાં એનેસ્થેસિયા વિભાગનું પણ મહત્વનુ પ્રદાન રહ્યું. 

 

*તો થઈ જાવ સાવધાન.....!*

    સામાન્ય રીતે ૧૦થી ૧૯ વર્ષના કિશોર અને યુવાનમાં આ પ્રકારની ગાંઠ જોવા મળે છે. જેમાં સતત લોહી નીકળે છે. જો ઓપરેશન ન  થાય તો એ ગાંઠ મગજ, કાન અને આંખ સુધી પહોંચી શકે છે. પછી સર્જરી જ તેનો એકમાત્ર ઉપાય છે. સર્જરી પછી ફરીથી ગાંઠ ન થાય એ માટે ડોકટરની સલાહ મુજબ સમયસર દવા લેવી અને સમયાંતરે તબીબ પાસે જાંચ કરાવવી આવશ્યક છે. આમ, નાકમાથી વારંવાર લોહી નીકળે અને શ્વાસ લેવામાં તકલીફ પડે તો કિશોરના વડીલોએ ચેતી જવા જેવુ છે.

(9:38 am IST)