Gujarati News

Gujarati News

News of Tuesday, 11th May 2021

કોરોના કુણો પડ્યો : જામનગરમાં ગઇ કાલે પણ પોઝીટીવ કેસ ઘટ્યા

(મુકુંદ બદિયાણી દ્વારા) જામનગર,તા. ૧૧: જામનગરમાં રવિવારે કોરોનાને લઈને રાહતના સમાચાર આવ્યા બાદ ગઇ કાલે પણ કેસો ઘટ્યા છે. અગાઉ કરતા હવે રીકવરી રેટ વધતા સ્વસ્થ થતા દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે રવિવાર બાદ સોમવારે પણ જામનગર જિલ્લામાં ૫૯૮ દર્દી સ્વસ્થ થયા એ જયારે છેલ્લા ૨૪ કલાકમાં પોઝિટિવ કેસોની સંખ્યા ઘટીને ૫૪૫ નોંધાઈ હતી. રવિવાર બાદ સોમવારે પણ નવા પોઝિટિવ કેસ ઘટતા જામનગરવાસીઓ એ રાહતનો શ્વાસ લીધો હતો.

જામનગર જિલ્લામાં લાંબા સમય બાદ પોઝિટિવ કેસનો આંકડો ૬૦૦ ની અંદર રહ્યો છે. ગઇ કાલે જામનગર શહેરમાં ૩૨૩ અને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં ૨૨૨ નવા પોઝિટિવ દર્દીઓ નોંધાયા હતા જેથી જિલ્લામાં કુલ નવા ૫૪૫ કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાયા છે. જામનગર શહેરમાં ૩૧૪ દર્દીઓ અને ગ્રામ્ય માં ૨૮૪ દર્દીઓ કોરોના ની સારવાર બાદ સાજા થયા છે. ત્યારે સોમવારે સત્ત્।ાવાર રીતે જાહેર કરાયેલ માહિતી મુજબ જામનગર શહેરમાં ૫ લોકોના કોરોનાથી મોત અને ગ્રામ્યમાં ૭ લોકોના કોરોનાથી મોત થયાનું જાહેર કરાયું છે. જેથી જામનગર જિલ્લામાં કોરોનાથી કુલ ૧૨ લોકોનાં મૃત્યુ થયા છે. લાંબા સમય બાદ કોરોનાની ગતિ નરમ પડી હોય અને રિકવરી રેટ પણ વધ્યો હોય, જેથી રવિવાર બાદ ગઇકાલે આવતા સમાચારો પણ જામનગર વાસીઓ માટે રાહત ભર્યા છે.

(11:43 am IST)