Gujarati News

Gujarati News

News of Monday, 11th May 2020

જડસામાં ફાયરીંગમાં ઘાયલ યુવકને કોરોના પોઝિટિવ સેંકડો લોકો અને તબીબો સંપર્કમાં આવ્યાની શક્યતા

હરેશના સંપર્કમાં આવેલા લોકોને ક્વૉરન્ટાઈન કરવા કામગીરી શરૂ

ભુજઃ પૂર્વ કચ્છમાં બીજા દિવસે કોરોનાનો બીજો કેસ નોંધાયો છે. ભચાઉના જડસામાં ગઈકાલે કૌટુંબિક ભાઈએ જેના પર ગોળીબાર કર્યો હતો તે 25 વર્ષિય યુવક હરેશ માના પરસોડ (કોળી)નો રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. કૌટુંબિક ભાઈ રમેશ કોળીએ ગઈકાલે સવારે હરેશ પર દેશી બંદુકથી ફાયરીંગ કરતાં હરેશને છાતી, પેટ સહિતના અંગોમાં ગંભીર ઈજા થઈ હતી. સૌપ્રથમ તેને ભચાઉની સરકારી હોસ્પિટલે અને ત્યાંથી ભુજ જી.કે. જનરલ હોસ્પિટલ ખસેડાયો હતો.

તેની તબિયત નાજૂક હોઈ જી.કે.થી તેને અમદાવાદ સિવિલ હોસ્પિટલ ખસેડાયો હતો. જ્યાં તેનું સેમ્પલ લઈ ટેસ્ટ કરાતાં તેનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો છે. જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ. પ્રેમ કન્નરે જણાવ્યું કે, અમને લેબ રીપોર્ટ મળી ગયો છે અને જડસા ગામે હરેશના સંપર્કમાં આવેલા લોકોને ક્વૉરન્ટાઈન કરવા કામગીરી શરૂ કરી દીધી છે.

રેશ ઘાયલ થતાં તેની ખબર કાઢવા અનેક સગાં-વહાલા હોસ્પિટલમાં દોડી ગયાં હતા. તો, ભચાઉ અને ભુજની સરકારી હોસ્પિટલના તબીબો પણ હરેશની સારવાર દરમિયાન તેના સંપર્કમાં આવેલાં છે. આરોગ્ય તંત્રએ જણાવ્યું કે ભચાઉના તાલુકા આરોગ્ય અધિકારી અને તે યુવકની ફરિયાદ નોંધનારાં પોલીસ અધિકારી-જવાનો પણ તેના સંપર્કમાં આવ્યાં હોવાનું બહાર આવ્યું છે. જેથી આરોગ્ય તંત્ર ચિંતિત બન્યું છે. ભુજમાં હરેશની સારવાર કરનારાં તબીબો અને અન્ય સ્ટાફને આઈડેન્ટીફાય કરવા કવાયત હાથ ધરાઈ છે.

(1:03 am IST)