Gujarati News

Gujarati News

News of Monday, 11th May 2020

પડધરી પંથકમાં રહેતા મધ્‍યપ્રદેશના શ્રમિકો ટ્રેન મારફત વતન જવા રવાના

પડધરી તા. ૧૧ : લોકડાઉન અને કોરોના વાયરસની મહામારીના સમયમાં ફસાઇ ગયેલ પરપ્રાંતિય શ્રમિક પરિવારોને પોતાના વતન જવા માટેની ઇચ્‍છા પ્રત્‍યે સરકાર દ્વારા માનવીય અભિગમ અપનાવી તેમના વતન જવા માટે મંજુરી આપવામાં આવી રહી છે તે મુજબ રાજકોટ જીલ્લાના પડધરી પંથકમાં રહેતા મધ્‍યપ્રદેશ તેમજ અન્‍ય જીલ્લાના પરપ્રાંતિય શ્રમિક પરિવારોને તેમના માદરે વતન જવા માટે સરકારની ગાઇડ લાઇન મુજબ મેડીકલ ચેકઅપ કરીને મેડીકલ પ્રમાણપત્ર અને મંજુરી પત્ર સાથે ગઇકાલે પડધરી પંથકમાંથી પાંચ બસો અને રાજકોટ રેલ્‍વે સ્‍ટેશન પરથી મધ્‍યપ્રદેશ તેમના વતનમાં શ્રમિક પરિવારોને રવાના કરવામાં આવેલ.

છેલ્લા પાંચ દિવસથી પરપ્રાંતિય શ્રમિક પરિવારોને પોતાના વતનમાં રવાના કરાઇ રહ્યા છે. વતન જતા શ્રમિક પરિવારોને તમામ પ્રકારની સાવચેતી અને સતર્કતા તેમજ વતન પહોંચ્‍યા બાદ ફરજીયાત હોમ કોરન્‍ટાઇન થવાને લગતી તમામ માહિતી સમજાવીને રવાના કરવામાં આવેલ છે.

વતન પરત ફરી રહેલા શ્રમિક પરિવારોને પોતાના વતન પહોંચી જાય ત્‍યાં સુધી કોઇ મુશ્‍કેલી ન પડે. તેવું પડધરી મામલતદાર શ્રીમતી ભાવનાબેન વિરોજા, તાલુકા વિકાસ અધિકારી નૈમિષભાઇ ગણાત્રા, પડધરી પીએસઆઇ જે.વી. વાઢીયા, મામલતદાર કચેરી સ્‍ટાફ, તાલુકા પંચાયત સ્‍ટાફ તેમજ પડધરી પોલીસ સ્‍ટેશન સ્‍ટાફ, પડધરી ગ્રામ પંચાયત પૂર્વ સરપંચ ડો. વિજયભાઇ પરમાર, તલાટી કમ મંત્રી દ્વારા આયોજન કરાયું છે.

(2:11 pm IST)