Gujarati News

Gujarati News

News of Monday, 11th May 2020

જામનગરમાં મિડીયાને તંત્ર દ્વારા કોરોનાની માહિતી આપવામાં ઢીલઃ વિજયભાઈને પત્ર લખતુ પત્રકાર મંડળ

મિડીયા અને અધિકારીઓના વ્‍હોટ્‍સએપ ગ્રુપમાં પણ મિડીયા વિશે અનઈચ્‍છનીય ભાષા પ્રયોગથી પણ નારાજગી

જામનગરઃ આજે વિશ્વમાં કોરોના મહામારી વચ્‍ચે મિડીયા લોકોને સાચી હકીકત અને પરિસ્‍થિતિની સચોટ માહિતી આપવામાં દિવસ- રાત દોડી રહ્યુ છે, ત્‍યારે જામનગર જીલ્લાના સ્‍થાનિક સરકારી તંત્રના સત્તાધિકારીઓ દ્વારા આંકડા અને અન્‍ય વિગતો પ્રેસ- મિડીયામાં આપવામાં છેલ્લા એક અઠવાડિયાથી વિલંબ કરવામાં આવતા જામનગર પત્રકાર મંડળ દ્વારા મુખ્‍યમંત્રીશ્રી વિજયભાઈને પત્ર લખી આ અંગે વાકેફ કરવામાં આવ્‍યા છે.

પત્રમાં જણાવ્‍યા મુજબ સમગ્ર વિશ્વ અને રાષ્‍ટ્રની સાથે આપણું રાજય પણ કોરોના સંકટની આપત્તિનો સામનો કરી રહ્યું છે, તેવી વેળાએ આપને આ પત્ર લખવાની ફરજ પડી છે. તેના ઉપરથી જ વિષયની ગંભીરતા સમજી શકયા હશો.

જામનગરની જી.જી.હોસ્‍પિટલમાં જામનગર ઉપરાંત સૌરાષ્‍ટ્રના અન્‍ય જિલ્લાઓના કોરોના શંકાસ્‍પદ દર્દીઓના સેમ્‍પલનું પૃથકકરણ કરવામાં આવે છે. જેની વિગતો પ્રેસ- મીડિયામાં આપવામાં અતિ વિલંબ કરી અને ઢીલી નીતિ છેલ્લા એક સપ્‍તાહ જેટલા સમયથી સંબંધીત સ્‍થાનિક સરકારી સત્તાધિકારીઓ અપનાવી રહ્યા છે.

અત્‍યારના સંકટ સમયમાં મીડિયા સાચી માહિતી પ્રજા સુધી પહોંચાડવા માટે પ્રેસ- મીડિયાના મિત્રો પણ પોતાની ફરજ બજાવી રહ્યા છે. તે જાણતા હોવા છતાં જામનગર જિલ્લાના મોટાભાગના જિલ્લા અધિકારીઓ કોરોના સંક્રમણ અને તેની આનુષાંગિક બાબતોની વિગતો જાહેર કરવામાં હીંચકીચાટ અનુભવતા હોય તે રીતના વિલંબ કરવા ઉપરાંત મિડીયા અને અધિકારીઓના બનેલા વોટ્‍સએપ ગ્રુપમાં પણ મિડિયા વિશે અનઈચ્‍છનીય ભાષા પ્રયોગ કરી રહ્યા છે. જેના કારણે જામનગરનું પત્રકાર જગત સ્‍થાનિક તંત્ર વાહકોથી નારાજ છે.

આમ છતાં આ પ્રશ્ન જાહેરમાં લખીને પ્રવર્તમાન આપત્તિના સમયે કલુષિત વાતાવરણ ઊભું થાય નહીં તે માટે અન્‍ય કોઈ બાબતો પર હાલના તબકકે ચર્ચા કે વિચાર કરતા નથી પરંતુ આપ જામનગર જિલ્લાના અધિકારીઓને આ મામલે પત્રકારો સાથે રચનાત્‍મક વલણ અપનાવે તે માટે યોગ્‍ય કરશો તેટલી જ માત્ર આશા સાથે આ પત્ર આપને લખ્‍યો છે. કેમ કે, જામનગરનું પ્રેસ- મિડીયા હમેંશની માફક પોઝીટીવ રહે તે માટે તંત્રને પણ પુરતો સહયોગ જરૂરી છે.

(2:11 pm IST)