Gujarati News

Gujarati News

News of Monday, 11th May 2020

જામનગર ગ્રેઇન માર્કેટ બંધ કરાવી પ્રજાની મુશ્‍કેલીઓ વધારવા પાછળનું કારણ શું?

અનાજ - કરિયાણાનાં હોલસેલ વેપારીઓ જયાં આવેલા છે તે ગ્રેઇન માર્કેટ વિસ્‍તાર બંધ કરવું કેટલા અંશે વ્‍યાજબી ? રિટેઇલ વેપારીઓ અનાજ - કરિયાણુ ક્‍યાંથી લાવશે ? ધી સિડસ એન્‍ડ ગ્રેઇન મર્ચન્‍ટ એસો.ના પ્રમુખ જીતુભાઇ લાલનો પ્રશ્ન

 જામનગર તા. ૧૧ : જામનગરમાં કોરોનાના કહેરની વચ્‍ચે પ્રજાની મુશ્‍કેલીઓ વધુ વધવાની છે. કારણ કે,જામનગર જિલ્લાની હોલસેલ ગ્રેઇન માર્કેટ આવેલ છે જે બંધ થતાં લોકોને રોજ-બરોજ જીવન જરૂરીયાત માટે જોઈતું અનાજ-કરિયાણાની અછત થવાની ભીતિ હાલ ઉભી થઇ છે.જામનગરમાં આવેલ ગ્રેઇન માર્કેટમાં ૩૦૦ જેટલા હોલસેલના વેપારીઓ આવેલા છે. અહીંની હોલસેલ માર્કેટને શનિવારે ૧૦ તારીખે કલેકટરના જાહેરનામા અનુસાર બપોરે ૨ થી ૪ ખુલી હતી. આ દરમ્‍યાન લોકોનો મેળાવડો જમતા એસ.પી.સહિતના ઉચ્‍ચ અધિકારીઓ દોડી ગયા હતા. અને ગ્રેઇન માર્કેટના વેપારી આગેવાનોને બોલાવી ગ્રેઇન માર્કેટ તાત્‍કાલિક અસરથી બંધ કરવાનો સમજયા વગરનો ઉતાવાળીયો નિર્ણય લેવાયો છે. જેને કારણે લોકઉપયોગી જીવન જરૂરીયાતની અનાજ-કરિયાણા જેવી સામગ્રીઓની અછત અને કાળાબજારી વધી રહી છે.

ગ્રેઇન માર્કેટ બંધ કરવાના આ નિર્ણય અંગે અકિલાએ ધી સિડ્‍સ એન્‍ડ ગ્રેઇન મર્ચન્‍ટ એસોસિએશનના પ્રમુખ તેઓએ સાથે ટેલિફોનિક વાતચીત કરતા જીતુભાઇ લાલે જણાવ્‍યું હતું કે, જામનગરના એસ.પી. શરદ સિંઘલ દ્વારા ગ્રેઇન માર્કેટ બંધ કરવાનો આ નિર્ણય કરવામાં આવ્‍યો છે. જે સુચના મળતા અમારા એસોસિએશન દ્વારા સર્વે ગ્રેઇન માર્કેટના વેપારીઓને અમારા એસોસિએશન દ્વારા તા.૧૦-૫-૨૦૨૦ થી તા.૧૭-૫-૨૦હ૦ સુધી ગ્રેઇન માર્કેટમાં આવેલી તમામ દુકાનો સંપૂર્ણપણે બંધ રાખવાની છે. અને આ મેસેજમાં વધુમાં જણાવ્‍યું છે કે, ગ્રેઇનમાર્કેટના લગત એરિયામાં કોરોનાના કેસ થયા છે. તે અનુસંધાને તમામ વેપારી ભાઇઓના આરોગ્‍યને ધ્‍યાનમાં લઈ ઉપરોક્‍ત સૂચનાનું ચુસ્‍તપણે પાલન કરવાનું નક્કી કરવામાં આવે છે. જેથી સંસ્‍થાના વેપારી સભ્‍ય ભાઈઓએ બહારગામથી માલ મંગાવવા માટે નવા ઓર્ડર પણ આપવાના નથી. આ ઉપરાંત ૯ અને ૧૦ મે,૨૦૨૦ના બંને દિવસ દરમિયાન માલ રવાના થયેલ હશે તે માલ ઉતારવાની વ્‍યવસ્‍થા સંસ્‍થા તરફથી અધિકારીઓની સાથે ચર્ચા કરી તેઓ દ્વારા જે સમય નક્કી કરવામાં આવશે તે સમય દરમ્‍યાન ટ્રક માંથી માલ ઉતારવાનો રહેશે. જેથી દરેક વેપારીઓને એસોસિએશન દ્વારા વિનંતી કરવામાં આવી છે કે, ગ્રેઇન માર્કેટના એસોસિએશન દ્વારા એસ.પી.શરદ સિંઘલ દ્વારા અપાયેલ સૂચનનો ચુસ્‍તપણે પાલન કરવાનું રહેશે તેમ ધી સિડ્‍સ એન્‍ડ ગ્રેઇન મર્ચન્‍ટ એસોસિએશનના પ્રમુખ જીતુ લાલ અને મંત્રી લહેરી ભાઈ દ્વારા મેસેજ મોકલવામાં આવ્‍યો છે.

 જામનગરની ગ્રેઇન માર્કેટ બંધ થતાં છુટક વેપારીઓને ત્‍યાં અનાજ કરિયાણાની અછત ઉભી થઇ છે.અને ક્‍યાંકને ક્‍યાંક કાળા બજારી પણ વધી રહી છે. ત્‍યારે ગ્રેઇન માર્કેટના જથ્‍થાબંધ વેપારી બંધ હશે તો, છુટક વેપારીઓને ત્‍યાં માલ આવશે કેમ? આ મોટો પ્રશ્ન ઊભો થયો છે. એસ.પી.જેવા જવાબદાર સક્ષમ અધિકારી ગ્રેઇન માર્કેટમાં વ્‍યવસ્‍થા ઊભી કરવાના બદલે બંધ કરાવવાનો નિર્ણય લ્‍યે તે વાત કેટલા અંશે વ્‍યાજબી કહેવાય. આ વાતને લઈને બુદ્ધિજીવીઓમાં તરેહ-તરેહની ચર્ચાઓ થઈ રહી છે.

ગ્રેઇન માર્કેટ બંધ થતાં જામનગર શહેર અને ગ્રામ્‍ય વિસ્‍તારોમાં આવેલી અનાજ-કરિયાણાની દુકાનોમાં જીવન જરૂરી માલ-સામાનની હાલ અછત સર્જાઈ રહી છે. ત્‍યારે જો કુવામાં બંધ હોય તો અવરડામાં કેવી રીતે આવશે? જેવો ઘાટ સર્જાઈ રહ્યો છે.

ગ્રેઇન માર્કેટમાં સોશ્‍યલ ડિસ્‍ટન્‍સ ન જળવાય તે વાત પણ વ્‍યાજબી છે. પરંતુ લોકોને જીવન જરૂરિયાતની આવશ્‍યક ચીજ-વસ્‍તુઓ પણ મળે તે પ્રકારે વ્‍યવસ્‍થા ગોઠવવી જોઈએ. ક્‍લાસવન અધિકારી જ જો આગળનું કંઈપણ વિચાર્યા વગર તાત્‍કાલિક ગ્રેઇન માર્કેટ બંધ કરવા જેવો ઉતાવળિયો નિર્ણય લ્‍યે તે કેટલા અંશે વ્‍યાજબી ગણાય? સ્‍થાનિક રાજકીય આગેવાનોએ પણ કપરા સમયમાં પ્રજાના આવા મહત્‍વના પ્રશ્ને આગળ આવવું જોઈએ.

ગ્રેઇન માર્કેટમાં ભીડ એકત્ર થવા પાછળનું કારણ પણ જાણવું જોઈએ.ઉનાળામાં ભર બપોરે માત્ર બે કલાકમાં જથ્‍થાબંધ વેપારીઓને ત્‍યાં માલ સમાન લેવા જવા રિટેઈલ વેપારીઓને છૂટ આપવામાં આવે તો માલ-સમાન લેવા પડા-પડી થાય તે સ્‍વભાવિક છે. ત્‍યારે સમય મર્યાદા પણ જમીની વાસ્‍તવિકતા અનુસાર કરવામાં આવે તો મોટાભાગના પ્રશ્નો હલ થઈ જાય. આ ઉપરાંત ગ્રેઇન માર્કેટમાં પ્રવેશવાના પાંચ રસ્‍તાઓમાંના ત્રણ રસ્‍તાઓ બંધ કરીને દિપક ટોકીઝ વિસ્‍તાર અને ત્રણ દરવાજા વિસ્‍તારોમાંથીજ માત્ર બે સ્‍થળોએથી જ પ્રવેશ આપી ટ્રાફિક અને બિનજરૂરી અવર-જવર પણ કંટ્રોલ કરી શકાય. આ ઉપરાંત શહેરની સાથે ગ્રામ્‍ય વિસ્‍તારોમાંથી આવતા રિટેઈલ વેપારીઓની પણ દરકાર લઈને જરૂરી સમય મર્યાદા ઉપરાંત તેમના માલ-સમાન માટે આવતા વાહનોની પાર્કિંગ વ્‍યવસ્‍થા પણ ગોઠવી સમસ્‍યાઓનું નિવારણ લાવી શકાય. આ ઉપરાંત ગ્રેઇન માર્કેટમાં આવતા વેપારીઓને જરૂરી આધાર-પુરાવા કે પાસ મુજબ એન્‍ટ્રી આપી કન્‍ટ્રોલ કરી શકાય.ગ્રેઈન માર્કેટ બંધ કરવાનો એસ.પી. શરદ સિંઘલનો ઉતાવળિયો નિર્ણય લોકોની જીવન જરૂરી વસ્‍તુઓની સવલતો માટે અગવડતા ભર્યો બની રહ્યો છે. ત્‍યારે જામનગરના બન્ને મંત્રીઓ સ્‍થાનિક અગ્રણીઓએ પણ આ અંગે મનોમંથન કરી પ્રજાને કોરોનાના કહેર વચ્‍ચે જીવન જરૂરીયાતની ચીજ-વસ્‍તુઓ મળી રહે તે માટે યોગ્‍ય નિર્ણાયક વ્‍યવસ્‍થા ઉભી કરવા હસ્‍તક્ષેપ કરવો જોઈએ.

(2:09 pm IST)