Gujarati News

Gujarati News

News of Monday, 11th May 2020

દેવભુમી જિલ્લામાં પ્રવેશવા માટે હવે માત્ર ૩ રસ્‍તા જ ખુલ્લાઃ દુકાનો ૩ કલાક વધુ ખુલ્લી રહેશે

કર્મચારીઓ તા.૧ર થી અપડાઉન નહી કરી શકેઃ નવી વ્‍યવસ્‍થા

 ખંભાળિયા  તા.૧૧ : દેવભુમિ દ્વારકા જિલ્લા કલેકટરશ્રી ડો.નરેન્‍દ્રકુમાર  મીનાએ જિલ્લામાં ચાર પોઝીટીવ કેસને ધ્‍યાને લઇને કેટલીક કડક તથા કેટલીક નરમ બાબતોના નિર્ણય લઇને બેલેન્‍સ રાખીને જિલ્લામાં વ્‍યવસ્‍થા કરી છે.

અગાઉ વેરાડ ત્રણ પાટીયાથી જામજોધપુર રોડ, ચંદ્રવાડાથી પોરબંદર રોડ, દેવળીયા, તલગોટ, ગડુથી પાટાવાડા રોડ તથા રોઝડા જોઇનીંગ રોડ બંધ કરાયા હતા. જે પછી દેવભુમી દ્વારકા જિલ્લાને અન્‍ય જિલ્લાઓ સાથે જોડાતા ત્રણ મહત્‍વના રસ્‍તાઓ  જામનગર ખંભાળિયા રોડ, જામનગર  વેરાડ ત્રણ પાટીયા રોડ તથા પોરબંદર જિલ્લામાંથી આવતો ભાણવડનો કપૂરડીનેસ વાળો રોડ તથા હર્ષદ ગાંધીથી રોડ જે પોરબંદર જિલ્લામાંથી આવે છે. આ રસ્‍તા સિવાય તમામ રસ્‍તાઓ સંપુર્ણ બંધ કરવાના આદેશ અધિક નિવાસી કલકેટરશ્રી કે.એમ.જાનીએ કરેલો છે.

દુકાનો ઓફિસો સવારના૭ થી સાંજના પ સુધી

દેવભુમિ જિલ્લા કલેકટરશ્રી ડો. નરેન્‍દ્રકુમાર મીનાએ ખાસ સુધારેલું જાહેરનામું બહાર પાડીને દ્વારકા જિલ્લામાં કન્‍ટેન્‍ટમેંટ ઝોન તથા બફર્સઝોન સિવાયના તમામ વિસ્‍તારોમાં જેની છુટ છે તેવી દુકાનો, સંસ્‍થાઓ, ઓફિસો સવારના ૭ થી સાંજના પાંચ સુધી ખુલ્લી રાખવા આદેશ કર્યો છે.

અન્‍ય જિલ્લાઓમાંથી અપડાઉન બંધ કરાઇ

દેવભુમિ દ્વારકા જિલ્લામાં  જે પોઝીટીવ કેસો આવ્‍યા તે બહારગામની હિસ્‍ટ્રીવાળા હોય જિલ્લા કલેકટર દ્વારા ખાસ હુકમ કરીને અન્‍ય જિલ્લાઓમાંથી અપડાઉન કરતા તમામ પર પ્રતિબંધ લાગુ કરવા હુકમ કર્યો છે. જિલ્લાની તમામ કચેરીઓમાં કામ કરતા અને અપડાઉન કરતા કર્મચારીઓ તેમના હેડકવાર્ટર ખાતે  રહીને ફરજ બજાવવા જણાવાયું છે.

કર્મચારીઓ પોતાના નિવાસની વ્‍યવસ્‍થા કરી શકે તે માટે રવિ સોમ બે દિવસનો સમય આપવામાં આવ્‍યો છે. મંગળવારથી અપડાઉન કરતા કર્મચારીઓ પર કાર્યવાહી કરવામાં આવશે.

જો કે હાલ ખાનગીરસકારી બેંકોના પણ અનેક અધિકારીઓ ખંભાળિયામાં જામનગર - પોરબંદરથી આવી રહયા હોય તે પણ બંધ થઇ જશે.

(2:08 pm IST)