Gujarati News

Gujarati News

News of Monday, 11th May 2020

ભચાઉના જડસા ભત્રીજીની છઠ્ઠીની ખરીદી કરવા જતા પિતરાઈ ભાઈ ઉપર ફાયરીંગ

વાગડમાં કોરોનાના ભય વચ્ચે ખૂન ખરાબાના બનાવોએ લોકોમાં સજર્યો ભયઃ તો પોલીસની કામગીરી પણ વધીઃ આરોપી ઝડપાઇ ગયો

ભુજ,તા.૧૧: લોકોમાં એકબાજુ કોરોનાએ ભય અને ચિંતા સર્જી છે. તે વચ્ચે અનેક જગ્યાએ માનવતાનો અને ભાઈચારાનો સંદેશ વહી રહ્યો છે. ત્યાં બીજી બાજુ કચ્છમાં વાગડ વિસ્તાર તરીકે ઓળખાતા રાપર અને ભચાઉમાં ખૂન ખરાબાના બનાવો બની રહ્યા છે. રાપરના હમીરપરમાં પાંચ પાંચ હત્યા પછી હવે ભચાઉના જડસા ગામે જાહેરમાં ફાયરીંગનો બનાવ બનતા ચકચાર મચી ગઇ છે. પોતાની ભત્રીજીની છઠ્ઠી હોઈ રાપર ખરીદી કરવા જઇ રહેલા હરેશ માના કોળી (ઉ.૨૪) ઉપર તેના સગા પિતરાઈ ભાઈ રમેશ મોતી કોળીએ દેશી બંદૂકમાંથી ફાયરીંગ કર્યું હતું. એક નાળ વાળી બંદૂકમાંથી ગોળી સીધી હરેશની છાતી ઉપર છોડી રમેશ કોળી પલાયન થઈ ગયો હતો. તરત જ ઇજાગ્રસ્ત હરેશને ભુજ અને ત્યાંથી વધુ સારવાર માટે અમદાવાદ ખસેડાયો છે. હત્યાના પ્રયાસના આ બનાવના મૂળમાં સગા કાકા બાપાના ભાઈઓ એવા આ પિતરાઈ ભાઈઓ વચ્ચે બે દિવસ પહેલા થયેલો ઝદ્યડો હોવાનું બહાર આવ્યું છે. જોકે, આરોપી રમેશ કોળી કુખ્યાત છે, તેની સામે હત્યા, મારામારી, હથિયારો, દારૂ અંગેના ગુનાઓ નોંધાઇ ચુકયા છે. દરમ્યાન જડસા ગામે બનેલ ફાયરીંગના બનાવ બાદ તરત જ ત્યાં ધસી ગયેલ સામખીયાળીના સિનિયર પીએસઆઇ એન.વી. રહેવર અને સ્ટાફે પરિસ્થિતિ સંભાળી લઈ બંદોબસ્ત ગોઠવી આરોપી રમેશ કોળીને પણ ઝડપી લીધો છે.

(1:11 pm IST)