Gujarati News

Gujarati News

News of Monday, 11th May 2020

ભુજમાં ગાંજા પ્રકરણમાં તોડ કરનાર પીએસઆઇ અર્ચના રાવલ કોન્સ્ટેબલ હરિ ગઢવી સસ્પેન્ડ

૩૦ હજારમાં અડધી રકમ પેટીએમથી લીધી હતી : બંને ડાંગ બદલાયા

 ભુજ તા. ૧૧ : પાંચેક મહિના અગાઉ ભુજમાં કચ્છ યુનિવર્સિટી રોડ ઉપર કારમાં જઈ રહેલા ત્રણ યુવાનોને રોકીને તેમની પાસે ગાંજો છે એવું કહી ધકધમકી કરી ખોટા કેસમાં ફિટ કરી દેવાની ધમકી આપીને પોલીસે તોડ કરી હોવાના બનાવે ચકચાર સર્જી હતી.

જોકે, ભુજના મહિલા પીએસઆઇ અને તેમના પોલીસ કોન્સ્ટેબલ ડ્રાઈવરે વધુ લાલચ સાથે તોડની રકમ માટે મોઢું ફાડતા અંતે આ અંગે ભોગ બનનાર યુવાને ભુજના મહિલા પોલીસ સ્ટેશનના પીઆઇ અર્ચના રાવલ અને જીપ ડ્રાઈવર કોન્સ્ટેબલ હરિ ગઢવી સામે ફરિયાદ લખાવી હતી.

જેમાં આ બન્નેને તેમણે ૧૫ હજાર રોકડા અને ૧૫ હજાર પેટીએમથી ચૂકવ્યા હોવાનું જણાવી આધારપુરાવાઓ આપ્યા હતા.

આઈજી સુભાષ ત્રિવેદીએ આ અંગે તપાસનો આદેશ આપતાં ડીએસપી સૌરભ તોલંબિયાએ ડીવાયએસપી જે.એન. પંચાલને તપાસ સોંપી હતી.

જેમાં આ મહિલા પીએસઆઇ અર્ચના રાવલ મહિલા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા હોવાનું અને તેમની પેટ્રોલિંગની આ ડ્યુટી પણ ન હોવાનું ખુલ્યું હતું. જોકે, ફરિયાદ બાદ રજામાં ઉતરી વતન ચાલ્યા ગયેલા પીએસઆઇ અર્ચના રાવલ સ્ટે લઈને ફરજ પર હાજર થયા હતા.

એ દરમ્યાન ડીએસપી સૌરભ તોલંબિયાએ બન્ને કર્મચારીઓ પીએસઆઇ અને કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી તેમની ડાંગ જિલ્લામાં બદલી કરી છે.

(1:10 pm IST)