Gujarati News

Gujarati News

News of Monday, 11th May 2020

બીડી ન મળતાં કુવાડવાના કુંવરજીભાઇએ મોત વ્‍હાલુ કર્યુ!

લોકડાઉનમાં બંધાણીઓની કફોડી હાલતઃ બીડી-તમાકુ ન મળતાં મોરબીમાં પરમ દિવસે સળગેલો યુવાન સારવાર હેઠળ છે ત્‍યાં બીજી ઘટના : ચાર-પાંચ દિવસથી કુદરતી હાજતમાં પણ તકલીફ પડતી હતીઃ વહેલી સવારે ફાંસો ખાઇ લીધોઃ કોળી પરિવારમાં શોક : બીડી-તમાકુ ન મળતાં મોરબીમાં પરમ દિવસે સળગેલો યુવાન સારવાર હેઠળ છે ત્‍યાં બીજી ઘટના

રાજકોટ તા. ૧૧: કોરોનાને કારણે અમલી બનાવાયેલા લોકડાઉનના ૪૮ દિવસમાં સોૈથી વધુ ખરાબ હાલત પાન-ફાકી-બીડી-સિગારેટ-ગુટખાના બંધાણીઓની થઇ છે. શનિવારે મોરબીના એક યુવાને બીડી-તમાકુ ન મળતાં જાત જલાવી લીધી હતી. તે સારવાર હેઠળ છે. ત્‍યાં આજે વહેલી સવારે કુવાડવામાં રહેતાં  ૯૫ વર્ષના કોળી વૃધ્‍ધે બીડી મળતી ન હોવાથી ગળાફાંસો ખાઇ મોત વ્‍હાલુ કરી લેતાં અરેરાટી વ્‍યાપી ગઇ છે.

બનાવની જાણવા મળેલી માહિતી મુજબ કુવાડવામાં રહેતાં કુંવરજીભાઇ ધનાભાઇ બાહુકીયા (ઉ.વ.૯૫) નામના કોળી વૃધ્‍ધે  રૂમમાં કાંધીના લોખંડના હુકમાં પ્‍લાસ્‍ટીકની દોરી બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધાની જાણ થતાં કુવાડવા પોલીસ મથકના હેડકોન્‍સ. મહાવીરસિંહ સહિતનો સ્‍ટાફ દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી હતી. ઘટનાની જાણ થતાં ગામના સરપંચ સંજયભાઇ પીપળીયા સહિતના પણ પહોંચ્‍યા હતાં.

આપઘાત કરનાર કુંવરજીભાઇ ત્રણ ભાઇ અને એક બહેનમાં મોટા હતાં. તેમને સંતાનમાં ચાર પુત્ર છે. પરિવારજનોએ કહ્યું હતું કે કુંવરજીભાઇને બીડી પીવાનું બંધાણ હતું. પરંતુ લોકડાઉનમાં તેમને બીડી મળતી ન હોઇ તકલીફમાં મુકાઇ ગયા હતાં. પુત્રો અને પરિચિતોએ અગાઉ ક્‍યાંકથી થોડી ઘણી બીડીઓ લાવી દીધી હતી જેનો તે એકાંતરે ઉપયોગ કરતાં હતાં. પરંતુ પાંચ છ દિવસથી એક પણ બીડી મળતી ન હોઇ તેઓ આકુળ વ્‍યાકુળ થઇ ગયા હતાં. બીડી ન મળવાને કારણે કુદરતી હાજતમાં પણ તકલીફ થઇ ગઇ હતી.

અંતે કંટાળીને આજે વહેલી સવારે તેમણે ઓરડીનો દરવાજો બંધ કરી ફાંસો ખાઇ લીધો હતો. સવારે પુત્ર જાગ્‍યા ત્‍યારે પિતાની રૂમનો દરવાજો બંધ હોઇ ધક્કો મારી તોડીને જોતાં પિતા લટકતાં મળ્‍યા હતાં. બનાવને પગલે ગામમાં અને પરિવારજનોમાં ગમગીની છવાઇ ગઇ છે.  લોકડાઉનને કારણે બંધાણીઓ હેરાન થઇ રહ્યા હોઇ ત્‍યારે સરકાર આ બાબતે થોડુ વિચારે તેવી પણ માંગણીઓ ઉઠવા પામી છે.

 

(12:21 pm IST)