Gujarati News

Gujarati News

News of Monday, 11th May 2020

ભાવનગરની નિરમા પ્લાન્ટમાં કામ કરતા શ્રમિક દ્વારા હોબાળો

વતન જવા માટે હોબાળો કરી બસમાં તોડફોડ કરી : શ્રમિકોએ પથ્થરમારો કરી તોડફોડ કરી કરી અને કેટલાક શ્રમિકે સેલ્ફી તસવીર પણ લીધી : પોલીસ કઠોર કાર્યવાહી

અમદાવાદ,તા.૧૧ :  ભાવનગર નજીક નિરમા પ્લાન્ટ અને નિરમા કોલોની ખાતે આજે સેંકડોની સંખ્યામાં ઉમટેલા શ્રમિકોએ વતન જવાની માંગ સાથે જોરદાર હંગામો અને હોબાળો મચાવ્યો હતો. આ દરમિયાન એકઠા થયેલા ટોળામાંથી રોષે ભરાયેલા કેટલાક તોફાની તત્વોએ પથ્થરમારો કરી બસના કાચ ફોડી નાખવામાં આવ્યા હતા. ભારે તોડફોડ અને હોબાળાને પગલે સમગ્ર વિસ્તારમાં વાતાવરણ તંગ બની ગયુ હતું. જો કે, પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી પરિસ્થિતિ થાળે પાડી હતી અને તોફાની તત્વો વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.

       ભાવનગર નજીક નિરમા પ્લાન્ટ અને નિરમા કોલોની ખાતે આજે વહેલી સવારના ૯ વાગ્યાની આસપાસ ધીમે ધીમે શ્રમિકો એકઠા થવા લાગ્યા હતા અને વતન જવાની માંગ કરી રહ્યાં હતા. શ્રમિકોની સંખ્યા વધી ગઈ હતી અને ટોળુ મોટું થતાં ઉશ્કેરાયેલા તોફાની શ્રમિકોએ પથ્થરમારો કરી બસમાં તોડફોડ કરી હતી. રોષે ભરાયેલા શ્રમિકોના હોબાળાને પગલે પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો અને ટોળાને શાંત કરવાનો પ્રયાસ કર્યો હતો. બીજી તરફ નિરમાના અધિકારીઓ પણ દોડી ગયા હતા અને શ્રમિકોને સમજાવવાની કોશિશ કરવામાં આવી હતી.

      પરપ્રાંતીયોને લઈને કોઈ ટ્રેન આજે જવાની છે કે નહીં તે બાબતે રેલવેના અધિકારીઓનો સંપર્ક કરવામાં આવતાં તેમણે હજુ સુધી કોઈ પ્લાનિંગ અમારી પાસે આવ્યું નથી તેમ જણાવ્યું હતું. દરમ્યાન નિરમાના મામલે કલેક્ટર ગૌરાંગ મકવાણાએ જણાવ્યું હતું કે ટ્રેન જવાની હતી પરંતું ઉત્તરપ્રદેશમાં તમામ રાજ્યોમાંથી આવતી હોય જેથી તમામ વ્યવસ્થા કરવી મુશ્કેલ કામ હોય જેથી ઉપરની સુચના મુજબ ટ્રેન રદ કરવામાં આવી હતી. આ ટ્રેનમાં નિરમામાં કામ કરતા કેટલાક શ્રમિકો જવાના હતા. ટ્રેન રદ થતા તે લોકો ગેરમાર્ગે દોરાયા હતા અને હલાબોલ કર્યો હતો. જિલ્લા પોલીસ વડા જયપાલસિંહ રાઠોડે જણાવ્યું હતું કે અત્યારે મામલો શાંત પડી ગયો છે અને ફરિયાદ નોંધવામાં આવી છે. પોલીસે તોફાની તત્વો વિરૂધ્ધ કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

(10:14 pm IST)