Gujarati News

Gujarati News

News of Monday, 11th May 2020

કચ્છના રાપરમાં પાંચ યુવાનોના નિર્મમ હત્યા કાંડમાં ૫ મહિલાઓ સહિત ૨૨ સામે ફરિયાદ- ૪ ઝડપાયા

(ભુજ) શનિવારે રાપરમાં ખેલાયેલી ખૂનની હોળીમાં પાંચ પાંચ યુવાનોની નિર્મમ હત્યા કરાઈ હતી. આ જમીનના કબ્જા માટે બન્યો હતો. જેમાં અખા જેસંગ ઉમટ (ઉ.૩૮), અમરા જેસંગ ઉમટ (ઉ.૩૦), લાલા આખા ઉમટ (ઉ.૧૮), પેથા ભવાન રાઠોડ (ઉ.૩૭), વેલા પાંચા ઉમટ (ઉ.૩૭)ની બંદૂકના ભડાકે હત્યા કરાઈ હતી. આ બનાવ બાદ ખુદ બોર્ડર રેન્જ આઈજી સુભાષ ત્રિવેદી ઘટના સ્થળે ધસી ગયા હતા. બનાવની ગંભીરતા સમજીને પૂર્વ કચ્છ એસપી પરીક્ષિતા રાઠોડ સહિતનો પોલીસ કાફલો પણ હમીરપર ધસી ગયો હતો. દરમ્યાન પાટણ પોલીસે ગણતરીના જ કલાકોમાં સાંતલપુરથી મુખ્ય આરોપી દેવેન્દ્રસિંહ ઉર્ફે લાલુભા વાઘેલાને ઝડપી પાડ્યો હતો. તો, સિઘ્ધરાજસિંહ ભગુભા વાઘેલા સહિત અન્ય બે આરોપીઓને રાપરથી ઝડપી પાડતાં પોલીસે ચારની ધરપકડ કરી છે. આ મામલે કુલ ૨૨ સામે પોલીસ ફરિયાદ કરાઈ છે. જેમાં આરોપી તરીકે ૫ મહિલાઓ પણ સામેલ છે. આરોપીઓમાં લખા હીરા કોળી, કાનજી બીજલ કોળી, લખમણ બીજલ કોળી, ધમા ગેલા કોળી, દેવેન્દ્રસિંહ ઉર્ફે લાલુભા વાઘેલા, વિશન હીરા કોળી, ભરત મમુ કોળી, રામશી હીરા કોળી, પ્રવીણ હીરા કોળી, ભગુભા હાંસુભા વાઘેલા, મોહનસિંહ ઉમેદસંગ વાઘેલા, સિદ્ધરાજસિંહ ભગુભા વાઘેલા, પ્રભુ ગેલા કોળી, ખેતા પરબત કોળી, વનરાજ કરસન કોળી, દિનેશ કરસન કોળી, મહિલા આરોપીઓમાં લખા હીરા કોળીની પત્ની, કાનજી બીજલ કોળીની પત્ની, લખમણ બીજલ કોળીની પત્ની, ધમા ગેલા કોળીની પત્ની, વિશન હીરા કોળીની પત્ની સામે હત્યાના ગુના હેઠળ ફરિયાદ નોંધાઇ છે.

(11:11 am IST)