Gujarati News

Gujarati News

News of Monday, 11th May 2020

વાંકાનેર મુંબઇના સદગૃહસ્થોના સહકારથી

વાંકાનેર પ્રાંત અધિકારી દ્વારા વતન જતા પરપ્રાંતિયો માટે ૨૫૦૦ ફૂડ પેકેટ મોકલાયા

 વાંકાનેર તા.૧૧ : વાંકાનેર અને મુંબઇના સદગૃહ દ્વારા મોરબીથી ટ્રેન મારફત પોતાના વતન જતા પરપ્રાંતીયને રસ્તામાં પેટની આગ બુજાવવા ખાઇ શકે તે માટે ૨૫૦૦ ફુડ પેકેટ તૈયાર કરી વાંકાનેર સદગુરૂ આનંદ આશ્રમ અને શારદા વિદ્યાલયના સંચાલક  પરેશભાઇ મઢવી અને મહેશભાઇ રાજવીર દ્વારા વાંકાનેરના પ્રાંત અધિકારી એન.એફ.વસાવા અને ના.મા.બી.એસ.પટેલને અર્પણ કરી મોરબી રવાના કરવામાં આવ્યા હતા.

સમગ્ર વિશ્વમાં કોરોના કહેર વચ્ચે લોકડાઉન ધંધા રોજગાર બંધ થવાથી અને વતનમાં રહેતા પરિવાર પાસે પહોચવાની પરપ્રાંતના મજૂર વર્ગને પ્રશાસન દ્વારા રેલ્વે ટ્રેન મારફત તેમના વતન પહોચાડવાની વ્યવસ્થા કરી છે.

આ મજૂર પરિવારોની દયનીય સ્થિતિને ધ્યાનમાં રાખી જૂદી જૂદી સંસ્થા અને સંગઠનો અને રોટી સબસે મોટી ના સુત્રને જીવનમાં ઉતારનાર સેવાભાવી લોકો દ્વારા મજૂરવર્ગ માટે આરએસએસના સ્વયંસેવકો મારફત ફુડપેકેટ પાણી છાશ દૂધ સહિતની વ્યવસ્થા કરવામાં આવેલ.

મુંબઇના વતની બીનાબેન અજયભાઇ શેઠ દ્વારા વાંકાનેર સદગુરૂ આનંદ આશ્રમના ટ્રસ્ટીઓના સહયોગથી ૧૫૦૦ અને શારદા વિદ્યાલયના પરેશભાઇ મઢવી તરફથી ૧૦૦૦ આમ કુલ ૨૫૦૦ ફુડ પેકેટ વાંકાનેર પ્રાંત અધિકારી વસાવા અને ના.મા. બળવંતભાઇ પટેલને અર્પણ કરી મોરબીથી ટ્રેન દ્વારા વતન જવા અર્પણ કરવા રવાના કરવામાં આવેલ અને ખરા અર્થમાં ખરા સમયે જઠરાગ્નિ ઠારવાનુ કાર્ય પ્રેરણારૂપ રહ્યુ છે.

(11:05 am IST)