Gujarati News

Gujarati News

News of Monday, 11th May 2020

૩૭ જણા સાથે મુંબઇથી કચ્‍છ આવનાર અંજારના યુવાનને કોરોના પોઝિટિવ

અંજાબના બુઢારમોરાના યુવાનને કોરોના પોઝિટિવ : રેડઝોનથી આવનારાઓએ કચ્‍છમાં સર્જ્‍યો ફફડાટ : મુંદ્રા, ભુજ અને હવે અંજારના ગ્રામીણ વિસ્‍તાર બુઢારમોરા સુધી પહોંચ્‍યો કોરોના : મુંબઇના આ ત્રણ કિસ્‍સાઓમાં ૧૯૯ જણાને ક્‍વોરેન્‍ટાઇન રાખવા પડયા

 ભુજ તા. ૧૧ : મુંબઈથી કચ્‍છ આવેલા ત્રીજા વ્‍યક્‍તિને કોરોના પોઝિટિવ નીકળ્‍યો છે. પ્રથમ મુન્‍દ્રાનો ક્રુ મેમ્‍બર, બીજી ભુજની તબીબ યુવતી અને હવે ત્રીજો કોરોના પેશન્‍ટ અંજાર તાલુકાના બુઢારમોરા ગામનો ૩૦ વર્ષીય યુવાન છે.

જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોશીએ આપેલી માહિતિ પ્રમાણે બુઢારમોરા ગામના ૩૦ વર્ષીય યુવાન પ્રવીણ હરિલાલ સથવારાને આજે કોરોના પોઝિટિવ ડિટેકટ થયો છે. આ યુવાન ૭/૫ ના મુંબઈથી અન્‍ય ૩૭ જણા સાથે પોતાના ગામ બુઢારમોરા આવ્‍યો હતો.

જોકે, ગામના સરપંચ અને ગ્રામજનોએ બહારથી આવનારા તમામને હોમ ક્‍વોરેન્‍ટાઈન કરાયા હતા.ᅠ ᅠએટલે આ યુવાનને પણ તેજ દિવસે હોમ કવોરેન્‍ટાઇન કરાયો હતો. ૯/૫ ના તેને તાવ, ઉધરસના લક્ષણો લાગતા તેને ભુજની કોવિડ ૧૯ હોસ્‍પિટલ જીકે જનરલમાં દાખલ કરાયો હતો. ત્‍યાં તેનું સેમ્‍પલ લેવાયું હતું. તેનો રિપોર્ટ ગઈકાલે પોઝિટિવ આવ્‍યો છે. હાલ આ યુવાન સારવાર હેઠળ છે.

ᅠ ᅠરેડઝોનમાંથી આવનારાઓના કારણે હવે કચ્‍છ ઉપર જોખમ વધી રહ્યું છે. એ દેખાઈ રહ્યું છે. હજીયે સેંકડો લોકો વતનમાં આવી રહ્યા છે. ત્‍યારે કોરોનાનું જોખમ વધશે એવી ચિંતા સ્‍વાભાવિકપણે કચ્‍છમાં રહેનારાઓને થવાની જ છે. કારણકે, મુન્‍દ્રાના ક્રુ મેમ્‍બરને કારણે ૬૧, ભુજની યુવતીને કારણે ૧૦૧ અને બુઢારમોરાના યુવાનને કારણે ૩૭ એમ કુલ ૧૯૯ જણાને ઇન્‍સ્‍ટિટ્‍યૂટમાં ક્‍વોરેન્‍ટાઈન કરવાની ફરજ પડી છે.

તંત્ર પાસે સુવિધા અને સ્‍ટાફ બન્ને ક્‍વોરેન્‍ટાઇનમાં વધતી સંખ્‍યાને કારણે ઓછો પડે છે.ᅠ ત્‍યારે બહારગામથી આવનારાઓ સામે સ્‍વયંશિસ્‍ત દ્વારા ક્‍વોરેન્‍ટાઈન રહેવાની અને સામેથી આરોગ્‍યતંત્રને જાણ કરી પોતાનું સેમ્‍પલ ચેક કરવાની જવાબદારી પણ નિભાવાય તે જરૂરી છે.

કોરોનાગ્રસ્‍ત તબીબ યુવતીના અહીં કચ્‍છમાં લેવાયેલા અને સરકારી લેબમાં પરીક્ષણ કરાયેલા સેમ્‍પલનો રિપોર્ટ નેગેટિવ આવ્‍યો છે. આમ આ યુવતીના પ્રથમ મુંબઈના કોરોના પોઝિટિવ રિપોર્ટ પછી ભુજમાં લેવાયેલા બીજા રિપોર્ટમાં કોરોના નેગેટિવ આવતાં થોડી રાહતના સમાચાર છે.

જિલ્લા આરોગ્‍ય અધિકારી ડો. પ્રેમકુમાર કન્નરે પ્રથમ રિપોર્ટ નેગેટિવ હોવાની વાતને સમર્થન આપી એ તબીબ યુવતીનું આજે બીજું સેમ્‍પલ લેવાયું હોવાનું જણાવ્‍યું છે. ગઈકાલે લેવાયેલા કુલ ૭૦ સેમ્‍પલોની આજે ચકાસણી કરાશે. જેમાં મુન્‍દ્રામાંથી ૩૮, અંજારમાંથી ૧૩, ભુજમાંથી ૧૨, ભુજ ની હોસ્‍પિટલમાં દાખલ થયેલા દર્દીઓના ૬ તેમ જ હોસ્‍પિટલના ઇન્‍ડોર સ્‍ટાફના ૧ સેમ્‍પલનો સમાવેશ થાય છે.

દરમ્‍યાન ભુજની એ તબીબ યુવતી સામે અભિનેત્રી કુનિકા કપૂરની જેમ જ તેવી કલમો તળે ફરિયાદ નોંધી ભુજ બી ડિવિઝન પોલીસે તપાસ શરૂ કરી દીધી છે. જોકે, ચર્ચા મુજબ આ યુવતી ક્‍વોરેન્‍ટાઈન દરમ્‍યાન પોતે પોઝિટિવ હોવાની માહિતી છુપાવી તબીબ હોવા છતાંયે કોરોનાની ગંભીરતાની ઐસી તૈસી કરીને તે બહાર નીકળી બજારમાં ફરી હોવાની ચર્ચા છે.

ભુજમાં સોશ્‍યલ મીડીયામાં એ યુવતીના માતા પિતા તેમજ અન્‍ય પરિવારજનો સામે કોરોના વિશે જાણતા હોવાનું અને માહિતી છુપાવી દબાવી હોવાના, તંત્ર પર દબાણ લાવવાના આક્ષેપો થઈ રહ્યા છે. પોલીસ દ્વારા પરિવારજનોની તપાસ થાય અને દુધનું દૂધ તેમ જ પાણીનું પાણી થાય એવો લોકોનો મત છે.

(10:21 am IST)