Gujarati News

Gujarati News

News of Monday, 11th May 2020

ભુજમાં કોરોના પોઝિટિવ તબીબ યુવતીનું સેમ્પલ તંત્રની જાણ બહાર લેવાયું? સંકલનના અભાવે મોટી ચૂક

*ગાઈડલાઈનનો ભંગ થયાનો ખ્યાલ આવતાં કલેકટરે પુછાણું લીધું અને બહાર આવ્યો છબરડો, લોકોમાં પણ ચર્ચા સાથે ચિંતા, હવે તપાસના આદેશ

(ભુજ) કચ્છમાં કલેક્ટરતંત્ર અને અન્ય તંત્રો વચ્ચે સંકલનના અભાવે ચર્ચા સાથે ચકચાર સર્જી છે. જોકે, આ આખોયે મામલો ત્યારે વધુ ગંભીર બન્યો છે જ્યારે કોરોનાગ્રસ્ત તબીબ યુવતીનું સેમ્પલ કોવિડ ૧૯ ના નિયમનો ભંગ કરી લેવાયું હોવાની જાણ કલેકટરને થઈ અને તેમણે પૂછાણું લીધું તો તંત્રના ઉચ્ચ અધિકારીઓએ હાથ ઊંચા કરી લીધા અને કહ્યું તેમની જાણ બહાર સેમ્પલ લેવાયું છે. આ સમગ્ર બનાવની જાણવા મળતી વિગતો પ્રમાણે મુંબઈથી આવેલી મૂળ ભુજની તબીબ યુવતી જુહી અતુલ શાહ કોરોનાગ્રસ્ત હોવા છતાંયે તેણીએ રિપોર્ટ છુપાવ્યો હતો. ત્યારબાદ તંત્રએ એ કબુલ્યું હતું કે તેણે મુંબઈમાં ૩/૫ ના સેમ્પલ આપ્યું હતું રિપોર્ટ ૪/૫ ના આવ્યો હતો. હવે, એ યુવતીના પરિવારજનોએ ૮/૫ ના તે અંગે તંત્રને જાણ કરી હતી. ત્યારથી જ તંત્ર શંકાના દાયરામાં આવી ગયું અને એ યુવતીને  બચાવવાના પ્રયાસોમાં કોવિડ ૧૯ ના નિયમનો ભંગ કરીને તરત જ સેમ્પલ લઈ તે સેમ્પલ નેગેટિવ હોવાની તંત્રએ જાહેરાત પણ કરી દીધી. ફરી તરત જ બીજે દિવસે પણ એ યુવતીનું સેમ્પલ લેવાયું હોવાનું તંત્રએ જણાવી સાંજે તેનો રદ્દીયો પણ આપ્યો હતો. પણ, કલેકટર પ્રવીણા ડીકેએ સોશ્યલ મીડીયામાં ટ્રોલ થયેલા અને ઇલેક્ટ્રોનિક તેમ જ પ્રિન્ટ મીડીયામાં ચકચાર સર્જનાર આ બનાવમાં તપાસ કરી ત્યારે ખ્યાલ આવ્યો કે, આમાં નિયમભંગ એ થયો છે કે, કોવિડ ૧૯ તળે પોઝિટિવ દર્દીનું બીજું સેમ્પલ ૮ દિવસ પછી લેવાનું હોય છે. ત્યારે ભુજની તબીબ યુવતીનું સેમ્પલ ૩/૫ ના લેવાયું હોવા છતાંયે દાખલ કરતી વેળાએ તેનું સેમ્પલ ૮/૫ ના કેમ લેવાયું? કલેકટરે જ્યારે જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પ્રેમકુમાર કન્નરને પૂછ્યું તો તેમણે કહ્યું મને ખબર નથી. સિવિલ સર્જનને પૂછો. સિવિલ સર્જન ડો. કશ્યપ બુચને પૂછ્યું તો તેમણે કહ્યું મને ખબર નથી. નીચેના સ્ટાફને પૂછો. અંતે ઉચ્ચ તબીબી અધિકારીઓએ હાથ ખંખેરતા ડો. દીપાલી ચૌહાણ નામના જુનિયર ડોક્ટરે સેમ્પલ લીધાનું અને એ સેમ્પલ લેવાના કારણમાં કોરોનાગ્રસ્ત તબીબ યુવતીએ પોતે મુંબઈમાં ૧/૫ ના સેમ્પલ આપ્યું હોવાનું ખોટું જણાવ્યું હોવાનો ખુલાસો કરાયો. હવે જ્યારે ડીડીઓ પ્રભવ જોશી, જિલ્લા આરોગ્ય અધિકારી ડો. પ્રેમકુમાર કન્નર બંને સરકારને તેમ જ મીડીયાને માહિતી આપતી વખતે જ્યારે કહેતા હોય કે તા/૩/૫ ના એ યુવતીનો રિપોર્ટ થયો છે. ત્યારે એક જુનિયર ડોકટર ઉચ્ચ અધિકારીઓ આદેશ વગર સેમ્પલ લે ખરા? કોરોનાની આખી ફાઇલ ઓબ્ઝરવ થતી હોય ત્યારે આવી ગંભીર બેદરકારીભરી કેમ દર્શાવાઇ? શું કોઈ 'વ્યવહાર' ના કારણે આ યુવતીને ઝડપથી નેગેટિવ બતાવી દેવાની સાઝિસ રચાઈ? પોલીસ ફરિયાદમાં ઢીલ, ક્વોરેન્ટાઈન દરમ્યાન યુવતીનું બહાર ફરવું, તંત્ર દ્વારા એ તબીબ યુવતીને કોરોના વોરિયર્સ ગણાવીને તેને અને તેના પરિવારજનોને છાવરવાના પ્રયાસોએ ઘટનાએ લોકોમાં તેમ જ ભુજના કલેક્ટરતંત્રના કર્મચારીઓથી માંડીને આરોગ્યતંત્રના કર્મચારીઓમાં આ ઘટનાએ ભારે કૉમેન્ટ સાથે ચર્ચા જગાવી. પછી, કલેકટર પ્રવિણા ડીકેએ સંબધિત અધિકારીઓને ખખડાવી તપાસના આદેશો આપ્યા છે. હવે ખુદ કલેકટર આ કેસનું મોનીટરીંગ કરશે. 

જોકે, કચ્છના કલેક્ટરતંત્રના સકલનનો અભાવ પ્રથમ ઉપડેલી શ્રમિક એક્સપ્રેસ સમયે ઠેકેદારોએ મજૂરો પાસેથી વસુલ કરેલા રૂપિયા સમયે, ધારાસભ્યોને પણ જાણ ન કરવા સમયે, ખુદ એડિશનલ કલેકટરે પીઆઈની ગૃહ મંત્રાલયના સચિવ સુધી કરવી પડેલી ફરિયાદ સમયે તેમ જ મીડીયાને પણ પૂરતી માહિતી ન આપવાના વલણમાં દેખાઈ રહ્યો છે. તંત્રનો આ રવૈયો ભવિષ્યમાં ક્યાંક સરકારને પણ મુશ્કેલીમાં મૂકી શકે છે.

(10:03 am IST)