Gujarati News

Gujarati News

News of Monday, 11th May 2020

અમદાવાદથી ગોંડલ પહોંચેલ વૃદ્ધ દંપતીને કોરોના પોઝિટિવ : અક્ષરધામ સોસાયટી સીલ :37 જેટલા પરિવારો ઘરમાં પૂરાયા

અક્ષરધામ સોસાયટીને બંને સાઇડ 6 ફૂટના પતરા લગાવી ક્વોરન્ટાઇન: 37 ઘરમાં 140 લોકો ઘરમાં કેદ

રાજકોટમાં કોરોનાના કેસનો આંકડો 63 પર પહોંચી ગયો છે. જેમા ગ્રામ્યમાં 4 કેસ અને 3 કેસ ગોંડલમાં નોંધાયા છે. ગોંડલની અક્ષરધામ સોસાયટીમાં અમદાવાદથી આવેલ વૃદ્ધ દંપતીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેના બાદ તંત્ર દ્વારા અક્ષરધામ સોસાયટીને પતરાઓથી બંધ કરી દેવાતાં આશરે 37 જેટલા પરિવારો ઘરમાં જ કેદ થઈ ગયા છે.

પ્રાપ્ત વિગતો મુજબ, લોકડાઉનના સમયમાં અમદાવાદમાં ફસાયેલ ગોંડલના વૃદ્ધ અરવિંદભાઈ માંડલીયા અને તેના પત્ની ઉષાબેન બે દિવસ પહેલા ગોંડલ આવ્યા હતા. જેના બાદ મેડિકલ તપાસમાં કોરોના પોઝિટિવ નીકળતા સારવાર માટે રાજકોટ ખસેડવામાં આવ્યા હતા. પોલીસ પ્રશાસન અને મેડિકલ સ્ટાફે તકેદારીના ભાગરૂપે અક્ષરધામ સોસાયટીમાં તકેદારીના પગલા લેવાયા છે. વૃદ્ધ દંપતી રહેતા હતા જે શેરીમાં રહેતા હતા, તેને બંને સાઇડ 6 ફૂટના પતરા લગાવી ક્વોરન્ટાઇન કરવામાં આવી છે. આ શેરીમાં આશરે 37 ઘરમાં 140 લોકો વસવાટ કરી રહ્યા છે. આ તમામ લોકોને 14 દિવસ ઘર બંધીમાં જ રહેવું ફરજિયાત બન્યું છે. શેરીની બહાર પોલીસ જવાનોનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. આ શેરીમાં રહેતા તલાટી મંત્રી તેમજ મેડિકલ સ્ટોરમાં કામ કરતા લોકો પણ ક્વોરેન્ટાઇન થઈ ગયા છે.

(11:29 pm IST)