Gujarati News

Gujarati News

News of Monday, 11th May 2020

અંજારના બુઢારમોરાના 29 યુવકો ક્વૉરન્ટાઈન : ભુજના 2 માસના બાળક, બે તરુણી સહીત 5 શંકાસ્પદ કેસ નોંધાયા

પોઝીટીવ જાહેર થયેલાં યુવક સાથે 29 લોકોનું ગૃપ મુંબઈથી બે બસ ભરીને ગામ આવ્યું હતું

ભુજઃ મુંબઈથી અંજાર તાલુકાના બુઢારમોરા ગામે આવેલા અને કોરોના પોઝીટીવ જાહેર થયેલાં સથવારા યુવક સાથે 29 લોકોનું ગૃપ મુંબઈથી બે બસ ભરીને ગામ આવ્યું હતું. યુવકો મુંબઈમાં કામધંધાર્થે રહેતા હતા. આ તમામ 29 જણાં હાલ હોમ ક્વૉરન્ટાઈન હેઠળ છે. જિલ્લા આરોગ્ય અધિકારી ડૉ.પ્રેમ કુમાર કન્નરે જણાવ્યું કે, ચાર દિવસ અગાઉ આ યુવકો ગામમાં પહોંચ્યા ત્યારે સરપંચ અને ગ્રામજનોએ જ જાગૃતિ દાખવી તમામને સંપૂર્ણ હોમ ક્વૉરન્ટાઈન કરી દેવડાવ્યાં હતા.

બીજી તરફ, ગઈકાલે લેવાયેલાં 70 સેમ્પલમાંથી 68 સેમ્પલના રીપોર્ટ નેગેટીવ આવ્યા છે. બે સેમ્પલ રીજેક્ટ થયાં છે. આ 70 સેમ્પલ પૈકી મુંદરાથી જામનગર ગયેલી 24 વર્ષિય શિક્ષિકાના સંપર્કમાં આવેલા 19 લોકોના હતા. જે તમામના રીપોર્ટ નેગેટીવ આવ્યાં છે. દરમિયાન, આજે જી.કે. જનરલમાં બે મહિનાના બાળકથી 65 વર્ષ સહિતના કુલ 5 શંકાસ્પદ દર્દીને દાખલ કર્યાં છે. જેમાં ભુજના બે માસના બાળક, 15 અને 17 વર્ષની બે તરુણી, માંડવીના 41 વર્ષિય યુવક, અને અંજારના 65 વર્ષના વૃધ્ધનો સમાવેશ થાય છે. આ તમામના સેમ્પલ લેવાયાં છે.

(10:42 pm IST)