Gujarati News

Gujarati News

News of Monday, 11th May 2020

કોરોના કહેર વચ્ચે તલાલા યાર્ડમાં કેસર કેરીનું આગમન

ખેડૂતો-વેપારીઓની પાંખી હાજરી જોવા મળી : પહેલા દિને કેસર કેરીના ૮થી ૧૦ હજાર બોક્સની આવક, સાંસદે પ્રથમ બોક્સના ૧૧ હજાર આપી હરાજી શરૂ કરાવી

અમદાવાદ,તા.૧૦ : ગીર સોમનાથ જિલ્લામાં આજે વિધિવત્ રીતે કેસર કેરીનું આગમન થયુ હતુ. ખાસ કરીને તલાલા માર્કેટ યાર્ડમાં આજથી કેસર કેરીની હરાજીનો વિધિવત્ પ્રારંભ થયો હતો, જેને લઇ હવે ખેડૂતો-વેપારીઓમાં કંઇક ઉત્સાહ અને આશાની લાગણી જોવા મળતી હતી. અલબત્ત, કોરોનાના કહેર અને લોકડાઉન વચ્ચે આજે માર્કેટ યાર્ડમાં ખેડૂતો-વેપારીઓની પાંખી હાજરી જોવા મળી હતી. પહેલા દિવસે તાલાલા યાર્ડમાં કેસર કેરીના આઠથી દસ હજાર બોક્સની આવક નોંધાઇ હતી. જૂનાગઢના સાસંદ રાજેશ ચુડાસમાએ કેરીના પ્રથમ બોક્સના રૂ.૧૧ હજાર આપી હરાજી શરૂ કરાવી ત્યારે ઉપસ્થિતિ લોકોમાં ખુશીની લાગણી પ્રસરી ગઇ હતી. ફળોના રાજા ગણાતી કેસર કેરી તો તૈયાર થઇ ગઇ છે. પરંતુ હાલ લોકડાઉનને કારણે ટ્રાન્સપોર્ટેશન બંધ હોવાથી કેરીની અન્ય રાજ્ય અને વિદેશમાં નિકાસ થઇ શકતી નથી. પરંતુ આજે તાલાલા માર્કેટ યાર્ડમાં કેરીનું આગમન શરૂ થયું છે.

           આજે વિવિધ જિલ્લા અને પંથકોના કેસર કેરીના ખેડૂતો પોતાની કેરીના પાકને વેચવા માટે ઉમટી પડ્યા હતા. આ વર્ષે લોકડાઉનને કારણે અને કમોસમી વરસાદથી કેરી ૧૫ દિવસ મોડી આવી છે. જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમાએ પ્રથમ બોક્સના ૧૧ હજાર આપી ખરીદયુ હતું અને હરાજીનો પ્રારંભ કરાવ્યો હતો. સાંસદે ૧૧ હજાર આપી ગૌસેવા માટે આ બોક્સ ખરીદયુ હતું. આ બોક્સની કેરી ગાયોને ખવડાવવામાં આવશે. આજે કેરીના બોક્સના રૂ.૩૯૦થી લઇને ૯૦૦ સુધી અલગ-અલગ ભાવ બોલાયા હતા. કમોસમી વરસાદથી ૧૫ થી ૨૦ ટકા કેરીના પાકને નુકસાન પહોંચ્યું છે. બીજી તરફ કોરોનાની મહામારીને કારણે ખેડૂતો અને બગીચાના માલિકોને નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે. આજથી તાલાલા માર્કેટ યાર્ડમાં કેસર કેરીની હરાજી શરૂ કરવામાં આવી ત્યારે આજે પહેલા દિવસે ૮થી ૧૦ હજાર બોક્સ માર્કેટ યાર્ડમાં આવ્યા હતા. કોરોના સંક્રમણને ધ્યાને રાખીને માર્કેટ યાર્ડને સેનિટાઇઝ કરવામાં આવ્યું હતું. એક બોક્સમાં ૧૦ કિલો કેસર કેરીની ભરતી છે. જો કે, આજે ખેડૂતો-વેપારીઓની પાંખી હાજરી વચ્ચે કેસર કેરીની હરાજીની પ્રક્રિયા હાથ ધરાઇ હતી.

(9:54 pm IST)