Gujarati News

Gujarati News

News of Friday, 11th May 2018

સ્મશાનની જમીન આપો

મોરબી કલેકટર કચેરીએ દલિતો મૃતદેહ સાથે ઘસી જતા અફડા-તફડીઃ અંતે ખાત્રી અપાઇ

મોરબી, તા.૧૧: તાલુકાના ખાનપર ગામે સ્મશાન માટેની જમીનના વિવાદમાં આજે કલેકટર કચેરીએ મૃતદેહ લવાતા હોબાળો થયો હતો અને દલિત આગેવાનો મૃતદેહ સ્વીકારવા તૈયાર ના હોય ત્યારબાદ ઉચ્ચ અધિકારીઓ સાથે બેઠક કરીને તાકીદના હુકમ અને ખાતરી બાદ આખરે મામલો થાળે પડ્યો હતો.

મોરબીના ખાનપર ગામમાં દલિત સમાજના સ્મશાનની જમીન મુદ્દે વિવાદ થતા હાઈકોર્ટમા ફરીયાદ થઈ હતી. જે મુદે કોર્ટે ૫ માસમાં ઉકેલ લાવવા આદેશ કર્યો હતો. પરંતુ તેમ છતાં સ્થાનિક તંત્રએ આજદિન સુધી સ્મશાન માટે જમીન ફાળવાવમાં ન આવતાં દલિત સમાજે કલેકટરને ૧૫ દિવસમાં જમીન ફાળવવામા નહીં આવે તો દલિત સમાજ કલેકટર કચેરી મા લાશ દફન કરવામા આવશે તેવી ચીમકી આપવામા આવી હતી. જેની મુદત બુધવારે પુર્ણ થઈ હતી. અને ગઈકાલે ગામનાં ડાયાભાઈ પમાંભાઈ પરમારનું મોત નીપજયું હતુ. અનેં સ્મશાનની જમીન ન મળતાં દલિત આગેવાનોએ આપેલી ચીમકી મુજબ મોરબી કલેકટર કચેરીમાં લાશ દફનવવાનું જાહેર કરતા તંત્રમાં દોડધામ મચી ગઇ હતી. ત્યારે આ મુદ્દે અડધી રાત્રે ૧.૦૦ વાગ્યે જીલ્લા કલેકટરે આર.જે. માકડિયાની આગેવાનીમાં એક તાકીદની બેઠક બોલાવામાં આવી હતી. જે બેઠક મોડી રાત સુધી ચાલી હતી.

આ બેઠકમાં અધિક કલેકટર કેતન જોશી, એએસપી અક્ષય રાજ મકવાણા, ભાજપ અગ્રણી રાદ્યવજી ગડારા સહિતના આગેવાનો હાજર રહ્યા હતા. આ મુદ્દે સમાધાન કરવા પ્રયાસ કર્યો હતા. જોકે સવારના પાંચ વાગ્યા સુધી ચાલેલી બેઠકમાં કોઈ નક્કર નિરાકરણ ન થતા આજે ખાનપર ગામના દલિતો વૃદ્ઘના મૃતદેહને કલેકટર કચેરી લઈ આવતા મામલો વધુ બીચકયો હતો અને પરિસ્થિતિ પર કાબુ મેળવવા ચુસ્ર્ત બંદોબસ્ત વચ્ચે રેંજ આઈજી પટેલ અને એએસપી અક્ષયરાજ મકવાણા પહોંચ્યા હતા તેમજ પોલીસના ઉચ્ચ અધિકારીઓ તેમજ જીલ્લા કલેકટર આર.જે.માંકડિયા અને અધિક કલેકટર કેતન જોષીએ આગેવાનો સાથે બેઠક યોજી હતી અને ખાતરી મળતા સાડા પાંચ કલાક સુધીના હોબાળા બાદ આખરે મામલો થાળે પડ્યો હતો.

સ્મશાન નીમ કરવા તાકીદનો હુકમ કરાયો

આજે અનુ. જાતી દ્વારા સ્મશાન મામલે મૃતદેહ કલેકટર કચેરીએ લાવ્યા બાદ ઉચ્ચ અધિકારીઓએ બેઠક કરી હતી જેમાં સ્મશાન જમીનની માંગ તાકીદે સ્વીકારી લેવાઈ હતી જે અંગે જીલ્લા કલેકટર દ્વારા હુકમ કરીને ખાનપર ગામના સર્વે નં ૨ પૈકીની જમીનમાંથી ૦-૨૦ ગુ. જમીન સ્મશાન નીમ કરવા માટે અગાઉ કરેલ હુકમ તા. ૦૫-૦૩-૧૫ ના મદદનીશ કલેકટર મોરબીના પૈકીની જમીનનો કબજો આપવા પ્રાંત અધિકારીને જણાવ્યું છે તેમજ બાકી રહેતી જમીન સ્મશાન નીમ કરવા હાઇકોર્ટ જે નક્કી કરે તે બંધનકર્તા રહેશે તેવો હુકમ કરાયો છે ત્યારે આ લેખિત ખાતરી બાદ મામલો થાળે પડ્યો હતો.

(1:19 pm IST)