Gujarati News

Gujarati News

News of Thursday, 11th April 2019

ટંકારાના નેકનામ ગામે 'ટીંબી' ખેતરના નામે ઓળખાતી જમીન અંગે મનાઇહુકમ

રાજકોટ, તા.૧૦: ટંકારા તાલુકાના ગામ નેકનામના રેવન્યુ સર્વે નં.૪૪ પૈકી રની 'ટીંબી' ખેતરના નામે ઓળખાતી ખેડવાણ જમીન હે.આ.રે.ચો.મી. ૨-૨૬-૬૩ સંબંધે દાવાના આખરી નિકાલ થતાં સુધી મનાઇહુકમ અદાલતે ફરમાવેલ છે.

આ કેસની ટુંકમાં હકિકત એવી છે કે ટંકારા તાલુકાના ગામ નેકનામના રેવન્યુ સર્વે નં.૪૪ પૈકી રના 'ટીંબી' ખેતરના નામથી ઓળખાતી જૂની શરતની જીરાયત પ્રકારની ખેડવાણ જમીન હે.આ.રે.ચો.મી.ર-૨૬-૬૩ રાજકોટમાં રહેતા પ્રવિણચંદ્ર અમરશીભાઇ પરમારની કાયદેસરના હકક-હિત- અધિકારની આવેલ. વાદગ્રસ્ત દાવાવાળી ખેડવાળી જમીન ખરીદ કરવા વાદી પ્રવિણચંદ્ર પરમારએ સોદો નકકી કરેલ અને તા.૧-૧૧-૨૦૦૭ના રોજ કાયદેસરના લેખિત સાટાખતનો કરાર વાદી પ્રવિણચંદ્ર પરમાર જોગ કરી આપવામાં આવેલ અને જે સંબંધે સૂંથી તથા અવેજ પેટેની રકમ પણ વેચનાર દ્વારા સ્વીકારવામાં આવેલ.

વાદગ્રસ્ત ખેડવાણ જમીન સંબંધેનો પ્રવિણચંદ્ર અમરશીભાઇ પરમાર જોગનો કાયદેસરનો સાટાખત કરાર અમલમાં અને અસ્તિત્વમાં હોવા છતાં તેમજ વાદી પ્રવિણચંદ્ર પરમારના નામનું કુલમુખત્યારનામું હોવા છતાં વાદગ્રસ્ત ખેડવાણ જમીન અન્યને વેચાણ કરી નાખવાની કે પ્રવિણચંદ્ર અમરશીભાઇએ મોરબીની સિવિલ કોર્ટમાં કરારનું વિશિષ્ટ પાલન કરવા તથા વિજ્ઞાપન અને કાયમી મનાઇહુકમ મળવા અંગેનો દાવો ઉપરોકત વ્યકિતઓ વિરૂધ્ધ દાખલ કરી કામચલાઉ મનાઇહુકમ મળવા અંગેની અરજી દાખલ કરેલ.

અદાલત દ્વારા આંક-પની કામચલાઉ મનાઇહુકમની અરજી સંબંધે વાદીની રજૂઆતો, દાવાને આનુષંગીક ચુકાદાઓ તથા પ્રતિવાદીઓની રજુઆત, બચાવ તેમજ ચુકાદાઓને ધ્યાને લઇ વાદીની આંક-પની કામચલાઉ મનાઇહુકમની અરજી મંજૂર કરતો હુકમ ફરમાવી વાદગ્રસ્ત ખેડવાણ જમીન પ્રતિવાદીઓ કે તેમના નોકર, એજન્ટ, મુખત્યાર કે અન્ય કોઇએ કોઇપણ રીતે વેચાણ, ગીરો, બક્ષીસ, ટ્રાન્સફર, એસાઇન કે અન્ય કોઇને કોઇપણ પ્રકારે તબદીલ કે ફેરફાર કરવી-કરાવવી નહીં તેવો દાવાના આખરી નિકાલ સુધી કામચલાઉ મનાઇહુકમ ફરમાવેલ છે.

આ કામમાં વાદી પ્રવિણચંદ્ર અમરશીભાઇ પરમાર વતી એડવોકેટ તરીકે શ્રી હરેશ બી.દવે, શ્રી મેહુલ વિ. મહેતા, રીધમ વી.ઢોલરીયા રોકાયેલ છે.

(4:12 pm IST)